Home Sports Ms Dhoni Motivational Quotes For Success Life Lessons

સફળતાના શિખરે પહોંચવા માગો છો? : MS Dhoniના આ પ્રેરણાદાયી વિચારો તમને આપશે નવી દિશા

સફળતાના શિખરે પહોંચવા માગો છો?
Published by: OBS Bureau
Last Updated: Jan 04, 2026, 03:00 PM IST

રાંચી જેવા નાનકડા શહેરથી સફર શરૂ કરીને ક્રિકેટ જગતમાં વિશ્વ વિજેતા બનવા સુધીની MS Dhoni ની સફર અત્યંત પ્રભાવશાળી રહી છે. શરૂઆતના તબક્કે તેમની પાસે નહોતી કોઈ મોટી સુવિધાઓ કે નહોતું કોઈ મજબૂત ક્રિકેટ બેકગ્રાઉન્ડ. માત્ર કંઈક કરી છૂટવાનો અતૂટ આત્મવિશ્વાસ જ તેમની પૂંજી હતી. નાનપણથી જ તેઓ સચિન તેંડુલકર અને અમિતાભ બચ્ચન જેવી હસ્તીઓ પાસેથી પ્રેરણા મેળવતા હતા. સચિન પાસેથી તેમણે સતત મહેનત અને સાતત્યતા શીખી, જ્યારે બિગ બી પાસેથી સંઘર્ષ સામે જીતવાની કળા હસ્તગત કરી. ધોનીનું માનવું છે કે મોટું બનવા માટે મોટા શહેરમાં જન્મ લેવો જરૂરી નથી, પરંતુ મોટું વિચારવાનું સાહસ હોવું અનિવાર્ય છે.

દબાણ હેઠળ પણ શાંત રહીને કેવી રીતે જીતવું?

MS Dhoni ભારતની ક્રિકેટ હિસ્ટ્રીના સૌથી સફળ કેપ્ટન ગણાય છે. તેમના નેતૃત્વમાં ભારતે 2007 માં T-20 World Cup અને 2011 માં ODI World Cup જીત્યો હતો. આ સિવાય IPL માં Chennai Super Kings ને 5 વાર ચેમ્પિયન બનાવી તેમણે પોતાની વ્યૂહરચના સાબિત કરી છે. ધોની કહે છે કે તે ક્યારેય પોતાના પર દબાણ હાવી થવા દેતા નથી. તેમના મતે ખેલાડી ભીડ માટે નહીં પરંતુ દેશ માટે રમતો હોય છે. મેદાન પર જ્યાં સુધી છેલ્લો બોલ ન નંખાય ત્યાં સુધી મેચ જીતવાની આશા ક્યારેય ન છોડવી જોઈએ.

આત્મવિશ્વાસ અને આક્રમકતાનું સંતુલન

ધોનીની સૌથી મોટી તાકાત તેમનો આત્મવિશ્વાસ છે. તેમનું માનવું છે કે આક્રમક હોવું તે તેમના સ્વભાવનો ભાગ છે અને તે જ તેમની બેટિંગ તેમજ વિકેટકીપિંગમાં પણ દેખાય છે. તે કહે છે કે જ્યાં સુધી વાક્યમાં પૂર્ણવિરામ ન આવે ત્યાં સુધી વાક્ય પૂરું નથી થતું, એટલે કે જીવનમાં છેલ્લા ક્ષણ સુધી લડવાની હિંમત હોવી જોઈએ. મેદાનમાં ઉતરતા પહેલા ધોની સંપૂર્ણ પ્લાનિંગ સાથે તૈયારી કરે છે જેથી કરીને પરિસ્થિતિ પર નિયંત્રણ રાખી શકાય.

મુશ્કેલ સમયમાં સંયમ રાખવાની કળા

ધોનીના મતે જીવનમાં શીખવાની પ્રક્રિયા ક્યારેય અટકવી ન જોઈએ. ભૂલોને પુનરાવર્તિત કરવાને બદલે તેમાંથી પાઠ લેવો એ જ સમજદારી છે. કપરા સમયમાં આપણે કેવી રીતે વર્તીએ છીએ અને કેવી રીતે સંતુલન જાળવીએ છીએ તે જ આપણો સાચો અનુભવ છે. જીવનમાં આવતા ઉતાર ચઢાવ જ તેને કિંમતી બનાવે છે. સંઘર્ષ વગરની સફળતાનું કોઈ મૂલ્ય હોતું નથી.

હારથી ડરવાને બદલે કંઈક અલગ કરો

MS Dhoni માને છે કે હાર માણસને નમ્ર બનાવે છે. સતત જીત મળતી રહે તો આપણી નબળાઈઓ સમજાતી નથી, પરંતુ હાર આપણને સુધારવાની તક આપે છે. તેઓ હંમેશા સલાહ આપે છે કે ક્યારેય હાર ન માનો અને સતત પ્રયત્નો કરતા રહો. ડરને પાછળ છોડીને કંઈક નવું કરવાની હિંમત કેળવવી જોઈએ. ધોની હંમેશા વડીલોના અનુભવને મહત્વ આપે છે કારણ કે તેમની પાસે ભૂલો સુધારવાનું જ્ઞાન હોય છે. અંતે, ધોની ઈચ્છે છે કે લોકો તેમને માત્ર એક ક્રિકેટર તરીકે જ નહીં પરંતુ એક સારા માનવી તરીકે યાદ રાખે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now