Mohan Bhagwat on New Generation: દેશમાં વિદ્યાર્થીઓના આંદોલનો, યુવાનોના વધતા પ્રશ્નો અને બદલાતા સામાજિક માહોલ વચ્ચે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના સરસંઘચાલક મોહન ભાગવતે નવી પેઢીના સ્વભાવ અને તેમની સાથેના સંબંધોને લઈને મહત્વપૂર્ણ વિચારો વ્યક્ત કર્યા છે. તેમણે કહ્યું કે આજનો યુવાન માત્ર આદેશોનું પાલન કરતો નથી, પરંતુ દરેક બાબત પાછળનું કારણ અને તર્ક જાણવા માંગે છે. તેથી નવી પેઢી સાથે હુકમો દ્વારા નહીં, પરંતુ સંવાદ અને સમજણ દ્વારા જોડાવું સમયની જરૂરિયાત બની ગઈ છે. નવી દિલ્હીમાં યોજાયેલા 'વિશ્વ માંગલ્ય સભા' કાર્યક્રમમાં 'સમકાલીન માતૃત્વ' વિષય પર સંબોધન કરતાં મોહન ભાગવતે માતા-પિતા, શિક્ષકો અને સમાજને સંદેશ આપ્યો કે, આજના બાળકોને માત્ર ઉપદેશ આપવાથી કામ નહીં ચાલે. તેમની સાથે સમય વિતાવવો, તેમની જિજ્ઞાસાઓને સમજવી અને ખુલ્લા મનથી ચર્ચા કરવી જરૂરી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે નવી પેઢીને પોતાનાપણાની લાગણી અને વિશ્વાસ આપવો સૌથી અગત્યનો મુદ્દો છે.
'આજ્ઞાપાલનનો યુગ બદલાઈ ગયો છે'
મોહન ભાગવતે કહ્યું કે, અગાઉની પેઢીમાં બાળકો મોટા ભાગે વડીલોના આદેશનું પાલન કરતા હતા, પરંતુ આજની પરિસ્થિતિ સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે.
તેમણે જણાવ્યું કે આજનો યુવાવર્ગ દરેક વાતને તર્કના આધારે સમજવા માંગે છે. તેઓ કોઈપણ નિર્ણય અથવા પરંપરાને અંધપણે સ્વીકારતા નથી, પરંતુ તેના પાછળનું કારણ જાણવા ઈચ્છે છે. તેથી માતા-પિતા અને સમાજે પણ પોતાના અભિગમમાં પરિવર્તન લાવવું પડશે. તેમના શબ્દોમાં, "હવે આજ્ઞાપાલનનો સમય નથી. નવી પેઢી પ્રશ્નો પૂછશે જ, તેથી તેમને યોગ્ય કારણ અને તર્ક સાથે સમજાવવું પડશે."
'હુકમ નહીં, સંવાદ અને સહમતી જરૂરી'
RSS પ્રમુખે કહ્યું કે, યુવાનો સાથે વિશ્વાસનો સંબંધ બાંધવા માટે તેમને આદેશો આપવાને બદલે તેમની સાથે ખુલ્લી ચર્ચા કરવી વધુ જરૂરી છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે, નવી પેઢી પર વિચારો અથવા નિર્ણયો થોપવાના બદલે તેમની સાથે સંવાદ સાધવો જોઈએ. પરિવાર અને સમાજમાં ચર્ચા દ્વારા સહમતીનું વાતાવરણ ઊભું કરવું સમયની માંગ છે. તેમણે કહ્યું કે, યુવાનોને પ્રેમ, સન્માન અને સમય આપવાથી જ તેઓ યોગ્ય દિશામાં આગળ વધી શકે છે.
આ પણ વાંચો: NEET આંદોલન વચ્ચે અભિજીત દીપકેને થયો ટાઈફોઈડ : કહ્યું- 'ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા સુધી લડત ચાલુ રહેશે'
બાળકોની જિજ્ઞાસા સંતોષવા અભ્યાસક્રમમાં માહિતી ઉમેરવાની વાત
મોહન ભાગવતે પોતાના સંબોધનમાં બાળકોની જિજ્ઞાસાનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે, ખાસ કરીને વિદેશમાં રહેતા બાળકો ઘણી વખત હિંદુ દેવી-દેવતાઓના સ્વરૂપ અને પરંપરાઓ વિશે પ્રશ્નો પૂછે છે. આવા પ્રશ્નોના યોગ્ય જવાબ માતા-પિતા પાસે પણ હંમેશા ઉપલબ્ધ હોતા નથી. આથી તેમણે સૂચન કર્યું કે, શાળાના અભ્યાસક્રમમાં ભારતીય સંસ્કૃતિ, પરંપરાઓ અને હિંદુ દેવી-દેવતાઓ અંગે તથ્યાધારિત માહિતીનો સમાવેશ કરવો જોઈએ, જેથી બાળકોને યોગ્ય માર્ગદર્શન મળી શકે. જોકે તેમણે સાથે એ પણ સ્પષ્ટ કર્યું કે માત્ર પાઠ્યપુસ્તકો પૂરતા નથી, પરિવારની ભૂમિકા પણ એટલી જ મહત્વપૂર્ણ છે.
'બાળકો ઉપદેશથી નહીં, વર્તનથી શીખે છે'
RSS પ્રમુખે માતા-પિતાને સંબોધતા કહ્યું કે બાળકો મોટા ભાગે વડીલોનું વર્તન જોઈને શીખે છે. તેમણે સલાહ આપી કે, માતા-પિતાએ પોતાના બાળકો સાથે વધુ સમય પસાર કરવો જોઈએ, ખુલ્લા મનથી તેમની સાથે વાતચીત કરવી જોઈએ અને તેમના પ્રશ્નોના સંતુલિત અને તથ્યપૂર્ણ જવાબ આપવા માટે પોતાનું જ્ઞાન પણ સતત વધારવું જોઈએ. તેમણે માતૃત્વને સમાજ અને સૃષ્ટિના નિર્માણનું મહત્વપૂર્ણ આધારસ્તંભ ગણાવતા કહ્યું કે, માતા બાળકની પ્રથમ ગુરુ હોય છે અને બાળકના વ્યક્તિત્વના ઘડતરમાં તેની સૌથી મોટી ભૂમિકા રહે છે.
પરંપરા અને આધ્યાત્મિકતા પર પણ વ્યક્ત કર્યા વિચારો
મોહન ભાગવતે પોતાના સંબોધનમાં ભારતીય પરંપરા અને આધ્યાત્મિકતા અંગે પણ વિચાર રજૂ કર્યા. તેમણે કહ્યું કે, બ્રિટિશ શાસન દરમિયાન ભારતીય સમાજમાં પોતાની પરંપરાઓ અને આધ્યાત્મિક મૂલ્યો પ્રત્યે શંકા ઊભી કરવામાં આવી હતી. તેમના મતે હવે સમય આવી ગયો છે કે, સમાજ ફરી પોતાની સાંસ્કૃતિક પરંપરાઓને સમજે અને તેના મૂળભૂત મૂલ્યોને જાણવાનો પ્રયાસ કરે.
યુવાનો સાથે સંવાદ પર ભાર
મોહન ભાગવતના સમગ્ર સંબોધનનો મુખ્ય સંદેશ એ હતો કે બદલાતા સમય સાથે સમાજે પણ પોતાનો અભિગમ બદલવો જરૂરી છે. તેમણે જણાવ્યું કે, આજની નવી પેઢી સાથે વિશ્વાસપૂર્ણ સંબંધ બાંધવા માટે હુકમો કરતાં સંવાદ, સમજણ અને સહમતી વધુ અસરકારક બની શકે છે. યુવાનોને યોગ્ય માર્ગદર્શન આપવા માટે પરિવાર, શિક્ષણ વ્યવસ્થા અને સમાજે મળીને ખુલ્લા સંવાદનું વાતાવરણ ઊભું કરવું સમયની સૌથી મોટી જરૂરિયાત છે.





