logo-img
Modi Israel Knesset Speech Terrorism Policy India Updates

આતંકવાદ સામે ભારત અને ઈઝરાયેલનો એકસૂર : PM Modiએ ઈઝરાયેલની સંસદમાં આતંકવાદ સામે ‘ઝીરો ટોલરન્સ’ નીતિ પર મુક્યો ભાર

આતંકવાદ સામે ભારત અને ઈઝરાયેલનો એકસૂર
Published by: Offbeat Team
| Last Updated: Feb 25, 2026, 06:06 PM IST

ઈઝરાયેલની મુલાકાતે પહોંચેલા ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ત્યાંની સંસદ એટલે કે Knessetને સંબોધિત કરતા આતંકવાદના મુદ્દે આકરા પ્રહારો કર્યા હતા. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે માનવતા વિરુદ્ધના આ જઘન્ય અપરાધને કોઈ પણ સંજોગોમાં વાજબી ઠેરવી શકાય નહીં. પ્રધાનમંત્રીએ આતંકવાદને માત્ર કોઈ એક દેશની સમસ્યા ગણાવવાને બદલે તેને વૈશ્વિક શાંતિ માટેનું સૌથી મોટું સંકટ ગણાવ્યું હતું.

મુંબઈ હુમલાની પીડાને યાદ કરી

પોતાના સંબોધન દરમિયાન પ્રધાનમંત્રીએ 26/11ના મુંબઈ આતંકવાદી હુમલાનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે ભાવુક સ્વરે જણાવ્યું હતું કે ભારત લાંબા સમયથી આતંકવાદનો ભોગ બનતું આવ્યું છે. મુંબઈ હુમલામાં ભારતીય નાગરિકોની સાથે ઈઝરાયેલના નિર્દોષ લોકોએ પણ જીવ ગુમાવ્યા હતા તે દર્દ આજે પણ બન્ને દેશો અનુભવે છે. ભારત આતંકવાદ સામે લડવા માટે હંમેશા અડગ રહ્યું છે અને તેમાં કોઈ પણ પ્રકારના બેવડા ધોરણો રાખવાની નીતિમાં માનતું નથી.

વિકાસ અને સ્થિરતા માટે આતંકવાદ અવરોધરૂપ

પ્રધાનમંત્રીએ આતંકવાદના દુષ્પરિણામો વિશે વાત કરતા કહ્યું હતું કે ટેરરનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજમાં અસ્થિરતા પેદા કરવાનો અને વિકાસની ગતિને રોકવાનો હોય છે. તે લોકો વચ્ચેના વિશ્વાસને ખતમ કરવાનું કામ કરે છે. જો વિશ્વમાં ક્યાંય પણ આતંકવાદ હોય તો તે સમગ્ર માનવજાતની શાંતિ માટે જોખમ સમાન છે. આથી જ આતંકવાદના મૂળિયા ઉખેડી નાખવા માટે વિશ્વના તમામ દેશોએ સાથે મળીને લાંબાગાળાના આયોજન અને સહકાર સાથે કામ કરવું અનિવાર્ય છે.

ભારતની સ્પષ્ટ વિદેશ નીતિ

ભારતની નીતિ વિશે વાત કરતા તેમણે ઉમેર્યું હતું કે પ્રાદેશિક સ્થિરતા અને ટકાઉ શાંતિ સ્થાપવા માટે ભારત દરેક પ્રયાસોમાં સહયોગ આપવા માટે તૈયાર છે. આતંકવાદ પ્રત્યે ભારતનો દ્રષ્ટિકોણ હંમેશા કડક રહ્યો છે અને રહેશે. ભારતની Zero Tolerance નીતિ એ વાતનો પુરાવો છે કે આધુનિક વિશ્વમાં હિંસાને કોઈ સ્થાન નથી. ઈઝરાયેલની મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રીનું આ નિવેદન બન્ને દેશો વચ્ચેના સંરક્ષણ અને વ્યૂહાત્મક સંબંધોને વધુ મજબૂત બનાવનારી સાબિત થશે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now