Middle East War: મધ્ય પૂર્વમાં ચાલી રહેલા ભીષણ યુદ્ધ વચ્ચે ઈરાન માટે અત્યંત માઠા સમાચાર સામે આવ્યા છે. ઈરાનની સૈન્ય શક્તિનો સૌથી મહત્વનો આધાર ગણાતી 'ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ' (IRGC) ના ગુપ્તચર વિભાગના વડા મેજર જનરલ માજિદ ખાદેમી એક ભયાનક હુમલામાં મોતને ભેટ્યા છે. અમેરિકા અને ઈઝરાયેલના સંયુક્ત ઓપરેશનમાં આ હાઈ-પ્રોફાઈલ ટાર્ગેટને નિશાન બનાવવામાં આવ્યો હોવાની વિગતો પ્રકાશમાં આવી છે. આ ઘટનાએ માત્ર ઈરાન જ નહીં, પણ સમગ્ર વિશ્વના રાજકારણમાં ખળભળાટ મચાવી દીધો છે.
મેજર જનરલ માજિદ ખાદેમી ઈરાની સંરક્ષણ મંત્રાલયમાં પણ અત્યંત મહત્વની ભૂમિકા ભજવી ચૂક્યા હતા અને તેમને ઈરાનના સર્વોચ્ચ નેતૃત્વના સૌથી વિશ્વાસુ અધિકારી માનવામાં આવતા હતા. 6 એપ્રિલની વહેલી સવારે થયેલા આ હુમલાની પુષ્ટિ ખુદ IRGC દ્વારા કરવામાં આવી છે. ઈરાને આ ઘટનાને "આતંકવાદી કાર્યવાહી" ગણાવીને આકરો વિરોધ નોંધાવ્યો છે, જ્યારે બીજી તરફ ઈઝરાયેલના સંરક્ષણ પ્રધાન ઈઝરાયેલ કાત્ઝે દાવો કર્યો છે કે આ સફળ ઓપરેશન ઈઝરાયેલ દ્વારા પાર પાડવામાં આવ્યું છે.
સુરક્ષા વ્યવસ્થા પર ઉઠ્યા સવાલો: તાજેતરમાં જ થઈ હતી નિમણૂક
માજિદ ખાદેમીની આ પદ પર નિમણૂક ખૂબ જ ગંભીર સંજોગોમાં કરવામાં આવી હતી. અગાઉના ગુપ્તચર વડા અને અન્ય ઉચ્ચ અધિકારીઓના મોત બાદ સુરક્ષાની જવાબદારી ખાદેમીને સોંપવામાં આવી હતી. જોકે, તેમની નિમણૂકના ટૂંકા ગાળામાં જ શત્રુ દેશોએ તેમને નિશાન બનાવતા ઈરાનની આંતરિક સુરક્ષા અને ગુપ્તચર નેટવર્કની નબળાઈઓ છતી થઈ છે. આ હુમલા બાદ તેહરાનમાં ઉચ્ચ સ્તરીય બેઠકોનો દોર શરૂ થયો છે અને ઈરાન આનો બદલો લેવા માટે કોઈ મોટું પગલું ભરી શકે તેવી શક્યતા છે.
આ પણ વાંચો: માત્ર દુનિયામાં જ નહીં, હવે અમેરિકામાં પણ ટ્રમ્પની મજાક ઉડી! : અમેરિકી નેતાઓએ રાષ્ટ્રપતિને કેમ કહ્યા ‘પાગલ’?
અમેરિકા-ઈઝરાયેલનો શાંતિ પ્રસ્તાવ અને હોર્મુઝ સ્ટ્રેટનો વિવાદ
એક તરફ જ્યારે હુમલાઓ તેજ બન્યા છે, ત્યારે બીજી તરફ પડદા પાછળ શાંતિ સ્થાપવાના પ્રયાસો પણ તેજ થયા છે. અહેવાલો મુજબ, અમેરિકા અને ઈઝરાયેલ દ્વારા એક યુદ્ધવિરામ પ્રસ્તાવ તૈયાર કરવામાં આવ્યો છે. જો આ પ્રસ્તાવ પર સંમતિ સધાય, તો આગામી 15 થી 20 દિવસમાં યુદ્ધ અટકી શકે તેમ છે. જોકે, આ પ્રસ્તાવમાં 'હોર્મુઝ સ્ટ્રેટ' (Strait of Hormuz) ને ફરીથી ખોલવાની શરત મૂકવામાં આવી છે, જેનો ઈરાન વિરોધ કરી રહ્યું છે.




