Gujarat Weather: ઉત્તર ભારતમાં ફૂંકાતા કાતિલ-સૂકા ઠંડા પવનની અસરને કારણે રાજ્યમાં હાડ થીજવતી ઠંડીનો અહેસાસ લોકો કરી રહ્યા છે. આજે સમગ્ર રાજ્યમાં કોલ્ડવેવ ફરી વળી હોય તેમ રાજ્યના મોટા ભાગના શહેરના લઘુતમ તાપમાન 13 ડિગ્રીની આસપાસ પહોંચી રહ્યું હતું.
હવામાન વિભાગ દ્વારા કચ્છમાં કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે. તો બીજી તરફ અમદાવાદમાં સિઝનમાં પહેલીવાર લઘુતમ તાપમાન 11.8 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે ગુજરાતનું કાશ્મીર ગણાતા નલિયામાં તાપમાનનો પારો 6.5 ડિગ્રીએ પહોંચ્યો છે.
સૌરાષ્ટ્રમાં ઠંડીમાં વધારો થશે
હવામાન વિભાગ રાજ્યમાં હવામાન અંગેની આગાહી કરતા જણાવ્યું કે, સમગ્ર રાજ્યમાં આગામી સાત દિવસ શુષ્ક હવામાન રહેશે. આ સાથે પાંચ દિવસ હવામાનમાં કોઈપણ ફેરફાર થવાની આગાહી કરવામાં નથી આવી. જ્યારે દક્ષિણ ગુજરાતમાં લઘુત્તમ તાપમાનમાં થોડો વધારો નોંધાશે. જો કે, ઉત્તર ગુજરાત તથા સૌરાષ્ટ્ર અને કચ્છમાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડો જોવા મળી શકે છે.
કચ્છમાં કોલ્ડવેવની આગાહી
હવામાન વિભાગ દ્વારા આજે કચ્છમાં કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે. નોંધનીય છે કે, ગુજરાતમાં ઠંડી વધવાની સાથે વહેલી સવારે ધુમ્મસ પણ છવાયું હતું. જેના કારણે રાજ્યના વિવિધ ધોરી માર્ગો પર સવારે 200 મીટર દૂરનું દૃશ્ય સ્પષ્ટ ન દેખાતા વાહન ચાલકોએ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
અમદાવાદમાં પહેલીવાર તાપમાન 11.8 પહોચ્યું
અમદાવાદ અને ગાંધીનગરમાં સિઝનમાં પહેલીવાર લઘુતમ તાપમાન આટલું નીચે પહોંચ્યું છે. અમદાવાદમાં 11.8 ડિગ્રી અને ગાંધીનગરમાં 9 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. આ સાથે વડોદરામાં 12.2, સુરતમાં 15.4, દમણમાં 13, રાજકોટમાં 10.8 અને કેશોદમાં 12.4 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે.
'ગુજરાતીઓને અભણ કહેતા પહેલા ઇતિહાસ જાણી લેવો જોઈએ': ખડગેના નિવેદન પર માયાભાઈ આહીરનો જડબાતોડ જવાબ






