આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ક્ષેત્રમાં સતત નવા પ્રયોગો કરી રહેલી Meta હવે યુઝર્સ માટે વધુ એક રસપ્રદ ટૂલ લઈને આવી છે. કંપનીએ Pocket નામનું નવું AI એપ રજૂ કર્યું છે, જેની મદદથી કોઈપણ વ્યક્તિ માત્ર ટેક્સ્ટ પ્રોમ્પ્ટ લખીને સરળતાથી નાની-મોટી ગેમ્સ બનાવી શકે છે. સૌથી ખાસ વાત એ છે કે આ માટે કોડિંગ શીખવાની જરૂર નથી. હાલ આ એપ અંગે Meta તરફથી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ ટેક્નોલોજી જગતમાં તે ચર્ચાનો વિષય બની ગયું છે.
Meta સતત AI આધારિત સેવાઓને વધુ સ્માર્ટ બનાવી રહી છે. કંપનીના નવા Pocket એપનો હેતુ સામાન્ય યુઝર્સને પણ ગેમ ડેવલપમેન્ટ જેવી પ્રક્રિયાથી જોડવાનો છે. અત્યાર સુધી ગેમ બનાવવા માટે પ્રોગ્રામિંગ અને કોડિંગનું જ્ઞાન જરૂરી માનવામાં આવતું હતું, પરંતુ હવે AIની મદદથી માત્ર પોતાના વિચારને શબ્દોમાં વ્યક્ત કરીને ગેમ તૈયાર કરી શકાશે.
આ એપમાં યુઝર પોતાની પસંદગી મુજબ ટેક્સ્ટ પ્રોમ્પ્ટ લખે છે અને AI તે આધારે એક નાની ગેમ તૈયાર કરી આપે છે. એટલે કે ગેમ ડિઝાઇનિંગ હવે માત્ર ડેવલપર્સ પૂરતું મર્યાદિત નહીં રહે, પરંતુ સામાન્ય લોકો પણ પોતાના વિચારોને ગેમના સ્વરૂપમાં રજૂ કરી શકશે.
શું છે Pocket એપ અને કેવી રીતે કરે છે કામ?
મીડિયા અહેવાલો અનુસાર, Pocket એક AI આધારિત ક્રિએટિવ એપ છે, જેમાં યુઝર્સ પોતાના વિચારો મુજબ નવી ગેમ્સ બનાવી શકે છે. એપમાં એક સ્ક્રોલિંગ ફીડ પણ આપવામાં આવ્યો છે, જ્યાં અન્ય યુઝર્સ દ્વારા બનાવવામાં આવેલી ગેમ્સ અને AI ક્રિએશન્સ જોઈ શકાય છે, તેને રમી શકાય છે અને અન્ય લોકો સાથે શેર પણ કરી શકાય છે.
Metaએ આ AI દ્વારા તૈયાર થતી ક્રિએશન્સને Gizmos નામ આપ્યું છે. કંપનીના જણાવ્યા મુજબ, આ એક એવું પ્લેટફોર્મ છે જ્યાં લોકો પોતાની AI આધારિત રચનાઓ બનાવી શકે છે અને તેને કમ્યુનિટી સાથે શેર કરી શકે છે.
આ સુવિધા ખાસ કરીને એવા લોકો માટે ઉપયોગી બની શકે છે, જેઓ પાસે ગેમ માટે સર્જનાત્મક વિચારો છે પરંતુ ટેક્નિકલ જ્ઞાન નથી. AI તેમની કલ્પનાને થોડા જ સમયમાં ગેમમાં ફેરવી શકે છે.
Gizmo ટેક્નોલોજી પર આધારિત છે Pocket
Pocket કોઈ સંપૂર્ણ નવી ટેક્નોલોજી નથી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તે Gizmo નામના AI ગેમિંગ પ્લેટફોર્મની ટેક્નોલોજી પર આધારિત છે, જેને Metaએ અગાઉ પોતાના કબજામાં લીધું હતું.
Gizmoમાં પણ યુઝર્સ ટેક્સ્ટ પ્રોમ્પ્ટ લખતા હતા અને AI તે મુજબ ગેમ તૈયાર કરી આપતું હતું. હવે Pocketમાં આ જ ટેક્નોલોજીને વધુ સરળ અને યુઝર-ફ્રેન્ડલી બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. તેના કારણે સામાન્ય યુઝર પણ ઝડપથી AI ગેમ બનાવી શકે છે.
આ ઉપરાંત Pocketમાં સોશિયલ શેરિંગનો વિકલ્પ પણ આપવામાં આવ્યો છે, જેના કારણે યુઝર્સ પોતાની રચનાઓ અન્ય લોકો સુધી પહોંચાડી શકે છે અને અન્ય લોકોની AI ગેમ્સનો અનુભવ પણ મેળવી શકે છે.
હજુ સુધી Metaએ કરી નથી સત્તાવાર જાહેરાત
રસપ્રદ વાત એ છે કે Metaએ હજુ સુધી Pocket એપ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી. કંપનીએ મીડિયા દ્વારા પૂછાયેલા પ્રશ્નોના પણ સ્પષ્ટ જવાબ આપ્યા નથી.
ટેક નિષ્ણાતોનું માનવું છે કે એપ હાલમાં ટેસ્ટિંગ ફેઝમાં હોઈ શકે છે અને આગામી સમયમાં તેમાં અનેક નવા ફીચર્સ ઉમેરવામાં આવી શકે છે. કોઈ મોટા પ્રચાર વિના એપ ઉપલબ્ધ કરાવવામાં આવી હોવાથી એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે કે Meta પહેલા યુઝર્સનો પ્રતિસાદ મેળવવા માંગે છે.
જો Pocketને સારો પ્રતિસાદ મળશે તો ભવિષ્યમાં તે AI આધારિત ગેમ ક્રિએશન માટેનું લોકપ્રિય પ્લેટફોર્મ બની શકે છે. AI ટેક્નોલોજીના ઝડપી વિકાસ વચ્ચે આ પ્રકારની એપ્સ સામાન્ય યુઝર્સને પણ સર્જનાત્મકતા વ્યક્ત કરવાની નવી તક આપી શકે છે.





