Mercedes-AMG A45 S Aero Track Edition : મર્સિડીઝ-બેન્ઝે ભારતીય બજારમાં પોતાની લોકપ્રિય AMG લાઇન-અપમાં એક નવો ઉમેરો કર્યો છે. કંપનીએ તેની શક્તિશાળી હેચબેક કાર 'Mercedes-AMG A45 S Aero Track Edition' લોન્ચ કરી છે. આ કારની કિંમત 87 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) રાખવામાં આવી છે. ખાસ વાત એ છે કે, આ મોડલ દ્વારા લગભગ ત્રણ વર્ષ પછી ભારતમાં ફરી એકવાર A45 બેજની એન્ટ્રી થઈ છે.
પાવરફૂલ એન્જિન અને દમદાર પાવર
આ સ્પેશિયલ એડિશન કારમાં 2.0-લિટરનું ચાર-સિલિન્ડર ટર્બો-પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યું છે. આ એન્જિન 421hp નો પાવર અને 500Nm નો ટોર્ક જનરેટ કરવાની ક્ષમતા ધરાવે છે. આ કારમાં મર્સિડીઝની ખાસ 4MATIC+ ઓલ-વ્હીલ-ડ્રાઇવ સિસ્ટમ અને ઓટોમેટિક ટ્રાન્સમિશનનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે ડ્રાઇવિંગના એક્સપિરિયન્સને વધુ દમદાર બનાવે છે.
હાઇ સ્પીડ અને પરફોર્મન્સ
પરફોર્મન્સની વાત કરીએ તો, મર્સિડીઝ-AMG નો દાવો છે કે, આ કાર માત્ર 3.9 સેકન્ડમાં 0 થી 100 કિમી પ્રતિ કલાકની સ્પીડ પકડી શકે છે. કારની ટોપ સ્પીડ 270 કિમી પ્રતિ કલાક સુધી સીમિત રાખવામાં આવી છે. આ આંકડાઓ દર્શાવે છે કે, એરો ટ્રેક એડિશનમાં મિકેનિકલ ફેરફારોને બદલે તેની સ્ટાઇલિંગ અને એરોડાયનેમિક્સ પર વધુ ધ્યાન આપવામાં આવ્યું છે.
આકર્ષક એરોડાયનેમિક ડિઝાઇન
આ કારને સામાન્ય મોડલથી અલગ પાડવા માટે તેમાં 'AMG એરોડાયનેમિક્સ પેકેજ' આપવામાં આવ્યું છે. જેમાં હાઇ-સ્પીડ પર કારની સ્થિરતા જાળવી રાખવા માટે ફિક્સ્ડ રીઅર વિંગ, નવું ફ્રન્ટ સ્પ્લિટર અને સુધારેલ રીઅર ડિફ્યુઝર સામેલ છે. આ તમામ ફેરફારો વિન્ડ ટનલ ટેસ્ટિંગ દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે, જે તેને ટ્રેક પર વધુ સચોટ બનાવે છે.
આ પણ ખાસ વાંચો : Mercedes એ લોન્ચ કરી નવી AMG GLE Coupe Performance Edition કાર! : લક્ઝરી અને પરફોર્મન્સનું અદભૂત કોમ્બિનેશન હવે ભારતમાં
સ્પોર્ટી એક્સટીરિયર લુક
કારના બાહ્ય દેખાવને વધુ આક્રમક બનાવવા માટે 'AMG નાઇટ પેકેજ' નો ઉપયોગ થયો છે. તેમાં ગ્લોસ-બ્લેક ડિટેલિંગ, મેટ બ્લેક ફિનિશમાં 19-ઇંચના AMG ફોર્જ્ડ એલોય વ્હીલ્સ અને લાલ રંગના બ્રેક કેલિપર્સ આપવામાં આવ્યા છે. આ ફીચર્સ કારને એક પરફેક્ટ સ્પોર્ટ્સ કારનો લુક આપે છે.
કિંમતમાં મોટો ઘટાડો
નવી એરો ટ્રેક એડિશનની એક ખાસ વાત તેની કિંમત છે. અગાઉની પરફોર્મન્સ હેચબેકની કિંમત 92.50 લાખ રૂપિયા હતી, જેની સરખામણીએ આ નવી એડિશનની કાર 87 લાખ રૂપિયામાં ઉપલબ્ધ થશે. આ સાથે જ કંપનીએ ભારતમાં Mercedes-AMG GLE Coupe Performance Edition પણ લોન્ચ કર્યું છે, જેની કિંમત 1.52 કરોડ રૂપિયા છે.





