Home Gujarat Mehsana Ats Case 10 Accused Sent To Central Jail

મહેસાણા ATS કેસમાં મોટી કાર્યવાહી : 10 શંકાસ્પદ આરોપીઓને કડી કોર્ટથી મધ્યસ્થ જેલ ખસેડાયા, કુલ 13 આરોપીઓ હવે જેલમાં

આરોપીઓને કડી કોર્ટમાંથી કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે મધ્યસ્થ જેલ લઈ જવામાં આવી રહ્યા છે
Published by: Prashant Doshiyar
Last Updated: Jul 24, 2026, 10:23 AM IST

મહેસાણા જિલ્લામાં ગુજરાત આતંકવાદ વિરોધી દળ (ATS) દ્વારા ઝડપાયેલા શંકાસ્પદ આતંકવાદી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા આરોપીઓના કેસમાં મહત્વપૂર્ણ કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસ રિમાન્ડ પૂર્ણ થતાં કુલ 10 આરોપીઓને શુક્રવારે કડી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટમાં જરૂરી કાર્યવાહી પૂર્ણ થયા બાદ તમામ આરોપીઓને ન્યાયિક કસ્ટડી હેઠળ મધ્યસ્થ જેલમાં મોકલી દેવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. આ કેસમાં ATS દ્વારા અલગ-અલગ તબક્કામાં ધરપકડ કરવામાં આવી હતી. શરૂઆતમાં ઝડપાયેલા આઠ શંકાસ્પદ પૈકી પાંચ આરોપીઓને પૂછપરછ માટે પોલીસ રિમાન્ડ પર લેવામાં આવ્યા હતા, જ્યારે ત્રણ આરોપીઓને કોર્ટના આદેશ બાદ સબજેલમાં મોકલવામાં આવ્યા હતા. ત્યારબાદ વધુ પાંચ શંકાસ્પદોની ધરપકડ કરવામાં આવી હતી અને તેમની પણ પોલીસ રિમાન્ડ મેળવીને પૂછપરછ હાથ ધરવામાં આવી હતી.

રિમાન્ડ પૂર્ણ થતાં કોર્ટમાં રજૂઆત

તમામ આરોપીઓના પોલીસ રિમાન્ડ પૂર્ણ થતાં ATS દ્વારા કુલ 10 આરોપીઓને કડી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન એકત્ર કરવામાં આવેલા પુરાવા, ડિજિટલ માહિતી, પૂછપરછમાંથી મળેલી વિગતો અને અન્ય તપાસના આધારે કોર્ટ સમક્ષ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. કોર્ટના આદેશ બાદ તમામ 10 આરોપીઓને ન્યાયિક કસ્ટડીમાં મોકલવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ દરમિયાન અગાઉ સબજેલમાં રાખવામાં આવેલા ત્રણ આરોપીઓને પણ અમદાવાદ સ્થિત સાબરમતી મધ્યસ્થ જેલમાં ખસેડવામાં આવ્યા છે. આમ, આજે કોર્ટમાં રજૂ કરાયેલા 10 આરોપીઓ સહિત કુલ 13 આરોપીઓને હવે મધ્યસ્થ જેલમાં રાખવામાં આવશે.

તપાસ હજુ ચાલુ, એજન્સીઓ તમામ પાસાઓ ચકાસી રહી છે

આ સમગ્ર કેસમાં ATS અને અન્ય તપાસ એજન્સીઓ દ્વારા તપાસ હજુ યથાવત રાખવામાં આવી છે. આરોપીઓના સંભવિત સંપર્કો, ડિજિટલ નેટવર્ક, નાણાકીય વ્યવહારો, મોબાઇલ અને અન્ય ઇલેક્ટ્રોનિક ઉપકરણોમાંથી મળેલી માહિતીનું વિશ્લેષણ કરવામાં આવી રહ્યું છે. તપાસ દરમિયાન સામે આવતા દરેક તથ્યની કાયદેસર ચકાસણી કરવામાં આવી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર તપાસ એજન્સીઓ આ કેસના આંતરરાજ્ય અથવા અન્ય સંભવિત કનેક્શનની પણ તપાસ કરી રહી છે. જોકે, તપાસની સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને અધિકૃત રીતે વધુ વિગતો જાહેર કરવામાં આવી નથી.

સરકારી વકીલે કોર્ટ કાર્યવાહી અંગે આપી માહિતી

કડી કોર્ટમાં કાર્યવાહી પૂર્ણ થયા બાદ સરકારી વકીલ પી.આર. દંતાણીએ મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે તમામ આરોપીઓના પોલીસ રિમાન્ડ પૂર્ણ થતાં તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટના આદેશ અનુસાર આરોપીઓને ન્યાયિક કસ્ટડી હેઠળ મધ્યસ્થ જેલમાં મોકલવામાં આવ્યા છે. તેમણે જણાવ્યું કે કેસની તપાસ હજુ ચાલુ છે અને કાયદાકીય પ્રક્રિયા મુજબ આગામી તબક્કાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

આ પણ વાંચો: અમદાવાદમાં જળબંબાકાર વચ્ચે CMએ પરિસ્થિતિનો મેળવ્યો હતો તાગ : ઉચ્ચ અધિકારીઓ સાથે યોજી સમીક્ષા બેઠક

આગામી કાર્યવાહી પર સૌની નજર

આ કેસ હવે ન્યાયિક પ્રક્રિયાના આગામી તબક્કામાં પ્રવેશ્યો છે. તપાસ એજન્સીઓ દ્વારા એકત્ર કરાયેલા પુરાવાઓના આધારે આગળની કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. જરૂરિયાત મુજબ ચાર્જશીટ દાખલ કરવી, પુરાવાઓ રજૂ કરવા તેમજ કેસની આગામી સુનાવણી દરમિયાન વિવિધ મુદ્દાઓ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now