અમદાવાદના વટવા વિસ્તારમાં આવેલા વટવા તળાવમાં પાસે આજે સવારથી મેગા ડિમોલિશન કામગીરી શરૂ કરવામાં આવી છે. રાજ્ય સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના હસ્તગત તળાવોને દબાણમુક્ત કરીને વિકાસ કરવાની યોજના હેઠળ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વટવા તળાવની આસપાસ લાંબા સમયથી થયેલા દબાણોને દૂર કરીને તળાવનું સંરક્ષણ અને વિકાસ કરવાનો હેતુ રાખવામાં આવ્યો છે.
430 રહેણાંક અને 30 કોમર્શિયલ દબાણો દૂર કરવામાં આવશે
આ ડિમોલિશન અભિયાન હેઠળ તળાવ વિસ્તારમાં આવેલા કુલ 430 રહેણાંક અને 30 કોમર્શિયલ દબાણો દૂર કરવામાં આવશે. કામગીરીને સુચારુ રીતે પૂર્ણ કરવા માટે સમગ્ર વિસ્તારને 4 ઝોનમાં વહેંચવામાં આવ્યો છે અને 4 ફેઝમાં 8 ટીમો દ્વારા ડિમોલિશન કરવામાં આવી રહ્યું છે. તંત્રનું કહેવું છે કે બપોર સુધીમાં મોટાભાગની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવશે.
10 હિટાચી મશીન, 5 JCB મશીન
સ્થાનિક રહેવાસીઓને અસુવિધા ન થાય તે માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે. રસોડાવાળી જગ્યાઓમાં બપોર બાદ જ દબાણ હટાવવામાં આવશે જેથી લોકોનો પ્રસંગ ન બગડે. સાથે સાથે વર્ષ 2010 પહેલા અહીં વસવાટ કરતા લોકોને વૈકલ્પિક વ્યવસ્થા પૂરી પાડવાની ખાતરી તંત્ર દ્વારા આપવામાં આવી છે. ધાર્મિક સ્થળોને બાદ કરીને અન્ય તમામ દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે. ડિમોલિશન કામગીરી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે 6 પોલીસ સ્ટેશનના અંદાજે 500 પોલીસ જવાનો તહેનાત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત મ્યુનિસિપલ કોર્પોરેશનના 300 અધિકારીઓ અને કર્મચારીઓ પણ સમગ્ર કામગીરીમાં જોડાયા છે. દબાણો દૂર કરવા માટે 10 હિટાચી મશીન, 5 JCB મશીન તેમજ મોટી સંખ્યામાં શ્રમિકોની મદદ લેવામાં આવી રહી છે.
પોલીસ બંદોબસ્ત
ડિમોલિશન શરૂ થતાં જ વિસ્તારમાં સ્થાનિક લોકો મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા, જોકે ભારે પોલીસ બંદોબસ્તને કારણે કોઈ અનિચ્છનીય બનાવ બન્યો નથી. તંત્રનું કહેવું છે કે આ કાર્યવાહી શહેરના તળાવોના સંરક્ષણ અને વિકાસ માટે જરૂરી છે અને ભવિષ્યમાં તળાવને સુંદર રીતે વિકસિત કરવામાં આવશે.





















