અમેરિકાથી ભારતીય પ્રવાસીઓના એક જૂથને પનામા મોકલવામાં આવ્યું. વિદેશ મંત્રાલયે તેમના પરત ફરવા અંગે નિવેદન બહાર પાડ્યું છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે અમેરિકા દેશનિકાલ કરાયેલા લોકોની નાગરિકતાની ચકાસણી કરી રહ્યું છે, આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તેમને પરત લાવવાની વ્યવસ્થા કરવામાં આવશે.
પનામા શહેરમાં મોકલવામાં આવેલા લોકોમાં લગભગ 50 ભારતીયો હોવાનું કહેવાય છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે સાપ્તાહિક મીડિયા બ્રીફિંગમાં જણાવ્યું હતું કે, પનામામાં ભારતીય દૂતાવાસ ભારતીય નિર્વાસિત લોકોની ઓળખ ચકાસવા માટે સ્થાનિક અધિકારીઓ સાથે સંપર્કમાં છે. "મારી સમજ મુજબ, એકવાર અમને ખાતરી થઈ જશે કે તેઓ ભારતીય નાગરિક છે, તો તેમના ઘરે પાછા ફરવાની વ્યવસ્થા કરવામાં આવશે", તેમણે કહ્યું.
U.S. ઓપરેશન માટે આપશે ખર્ચો
જયસ્વાલે જણાવ્યું હતું કે અમેરિકા એક બ્રિજ અરેંજમેન્ટ અંતર્ગત પનામા અને કોસ્ટા રિકા માટે સ્થળાંતર ફ્લાઇટ્સનું સંચાલન કરી રહ્યું છે, જે અંતર્ગત મધ્ય અમેરિકા સ્થળાંતર કરનારાઓને સેવા આપવા માટે સંમત થયું છે, જ્યારે અમેરિકા ઓપરેશનનો સંપૂર્ણ ખર્ચ ઉઠાવશે.
જાણો શું છે સમગ્ર મામલો.
હકીકતમાં, પનામા સરકારે ભારતને અમેરિકાથી દેશનિકાલ કરાયેલા ભારતીય જૂથના સલામત આગમન અંગે જાણ કરી હતી. પનામામાં ભારતીય મિશન સ્થળાંતર કરનારાઓની સુખાકારી સુનિશ્ચિત કરવા માટે સ્થાનિક સરકાર સાથે કામ કરી રહ્યું છે. પનામા, કોસ્ટા રિકા અને નિકારાગુઆમાં ભારતીય દૂતાવાસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર આ માહિતી શેર કરી હતી
જોકે, તેમાં પનામા પહોંચેલા ભારતીયોની સંખ્યાનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. આ જૂથ યુએસ સરકાર દ્વારા પનામા મોકલવામાં આવેલા 299 ઇમિગ્રન્ટ્સનો ભાગ છે. રાષ્ટ્રપતિ જોસ રાઉલ મુલિનોની સંમતિ બાદ ભારતીય સ્થળાંતર કરનારાઓ ત્રણ વિમાનો દ્વારા પનામા પહોંચ્યા હતા. મુલિનો સંમત થયા હતા કે પનામા દેશનિકાલ કરનારાઓ માટે "બ્રિજ" ની ભૂમિકા ભજવશે. ટ્રમ્પ વહિવટીતંત્ર ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશતા લાખો લોકોને દેશનિકાલ કરવાની યોજના ધરાવે છે.





