Explosion in Mexico: મેક્સીકન શહેર હર્મોસિલોમાં એક સુપરમાર્કેટમાં ભયંકર વિસ્ફોટ પછી લાગેલી આગમાં 23 લોકોના મોત થયા છે. મૃતકોમાં ચાર બાળકોનો પણ સમાવેશ થાય છે. આ અકસ્માત 'ડે ઓફ ધ ડેડ ફેસ્ટિવલ' દરમિયાન થયો હતો. રાષ્ટ્રપતિ શેનબૌમે શોક વ્યક્ત કર્યો છે, અને સોનોરાના ગવર્નરે તપાસના આદેશ આપ્યા છે. સોનોરા રેડ ક્રોસ સોસાયટીએ પોલીસ સાથે મળીને બચાવ કામગીરી હાથ ધરી હતી. 40 રેડ ક્રોસ સ્વયંસેવકો, પોલીસ અને 10 એમ્બ્યુલન્સ સાથે, ઘાયલોને હોસ્પિટલમાં પહોંચાડ્યા હતા.
તહેવારનો આનંદ ફેરવાઈ ગયો શોકમાં
સોનોરા સ્ટેટ એટર્ની જનરલ ગુસ્તાવો સલાસે અકસ્માતની પુષ્ટિ કરી અને કહ્યું કે ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવી લીધો છે. દેશભરમાં 'ડે ઓફ ધ ડેડ' ઉજવવામાં આવી રહ્યો છે. લોકો તેમના મૃત પ્રિયજનોની યાદમાં આ તહેવાર ઉજવે છે, તેમના પ્રિયજનોને શ્રદ્ધાંજલિ આપવા માટે સરઘસ કાઢે છે. આ સમય દરમિયાન, હર્મોસિલો શહેરમાં એક સુપરમાર્કેટમાં અચાનક વિસ્ફોટ થયો અને ભીષણ આગ ફાટી નીકળી. 4 બાળકો સહિત 23 લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે, જ્યારે 10 થી વધુ લોકો ઘાયલ થયા છે.
ઝેરી ગેસના કારણે લોકોનો શ્વાસ રૂંધાવા લાગ્યો
એટર્ની જનરલે જણાવ્યું હતું કે આગથી ઉત્પન્ન થતા ઝેરી વાયુઓના ગૂંગળામણને કારણે મૃત્યુ થયા હતા. આગ એટલી તીવ્ર હતી કે ધુમાડો ઝડપથી આખા સ્ટોરમાં ફેલાઈ ગયો. કાચની દિવાલો અને સિંગલ એક્ઝિટ ગેટને કારણે, ધુમાડો બહાર નીકળી શક્યો નહીં, અને લોકો શ્વાસ લેવામાં તકલીફને કારણે બેભાન થઈ ગયા. તેમને બચાવી લેવામાં આવ્યા ત્યાં સુધીમાં તેઓ મૃત્યુ પામ્યા હતા. ફોરેન્સિક ટીમોએ પુરાવા એકત્રિત કર્યા છે અને મૃતદેહોની તપાસ કરી છે. વિસ્ફોટ અને આગ ઇલેક્ટ્રિકલ ખામીને કારણે થઈ શકે છે.
સોનોરાના ગવર્નર અલ્ફોન્સો દુરાઝોએ જણાવ્યું હતું કે હર્મોસિલો નગરપાલિકાએ આતંકવાદી હુમલો થવાની શક્યતાને નકારી કાઢી છે. તેમણે વિસ્ફોટ અને આગનું ચોક્કસ કારણ નક્કી કરવા માટે સંપૂર્ણ તપાસના આદેશ આપ્યા છે. તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરેલા એક વીડિયોમાં પીડિતો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. દેશના રાષ્ટ્રપતિ ક્લાઉડિયા શેનબૌમે પણ તેમના X હેન્ડલ પર એક પોસ્ટમાં આ ઘટના પર શોક વ્યક્ત કર્યો હતી.






