Home Gujarat Marriage Of A Daughter From A Shelter Home Forwomen Farewell To The Daughter With Melodious Melodies Of The Sharanai

સાચી સમાજસેવા અને સંવેદનાની પ્રેરક મિસાલ : સંવેદનાનો સંગમ! વડોદરાના નારી સંરક્ષણ ગૃહની દીકરી દીપાના લગ્ન, શરણાઈના સૂર સાથે કરાઈ ભાવભરી વિદાય

સાચી સમાજસેવા અને સંવેદનાની પ્રેરક મિસાલ
Published by: OBS Bureau
Last Updated: Mar 11, 2026, 03:01 PM IST

Vadodara News: સમાજમાં જ્યારે કોઈ નિરાધાર બને છે, ત્યારે સરકાર અને તંત્ર કઈ રીતે 'પરિવાર' બનીને ઊભું રહી શકે છે તેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ વડોદરાના નિઝામપુરા સ્થિત નારી સંરક્ષણ ગૃહમાં જોવા મળ્યું. જ્યાં છેલ્લા ૧૪ વર્ષથી આશ્રિત એવી દીકરી દીપાના લગ્ન પ્રસંગે વાજતે-ગાજતે શરણાઈના સૂર ગુંજી ઉઠ્યા હતા.

સંઘર્ષથી સુખદ સફર સુધી

વડોદરાનું આ નારી સંરક્ષણ ગૃહ માત્ર એક સરકારી ઇમારત નથી, પણ ત્યજી દેવાયેલી અને નિરાધાર મહિલાઓ માટે હૂંફનું સરનામું છે. દીપા જેવી અનેક દીકરીઓ અહીં પરિવાર જેવી છત્રછાયામાં ઉછરે છે અને આત્મનિર્ભર બને છે. જ્યારે દીપાના લગ્નનો અવસર આવ્યો, ત્યારે સમગ્ર ગૃહમાં દિવાળી જેવો માહોલ સર્જાયો હતો. દીકરીના ચહેરા પરનું સ્મિત અને ભીની આંખો સરકારના માનવતાભર્યા અભિગમની સાક્ષી પૂરતી હતી.

ચોકસાઈભરી પસંદગી અને પ્રક્રિયા

નારી સંરક્ષણ ગૃહમાં આશ્રિત દીકરીના લગ્ન માટે તંત્ર અત્યંત ગંભીરતાથી કાર્ય કરે છે. ઉચ્ચ અધિકારીઓની સમિતિ દ્વારા યોગ્ય વરની પસંદગી કરવામાં આવે છે. યુવકના પરિવારની પૃષ્ઠભૂમિ, કેરેક્ટર સર્ટિફિકેટ, મેડિકલ ટેસ્ટ અને પોલીસ વેરિફિકેશન જેવી કડક પ્રક્રિયાઓ હાથ ધરાય છે. વર-કન્યા બંનેની પરસ્પર સંમતિ બાદ જ લગ્નનો નિર્ણય લેવાય છે.

સરકાર તરફથી 'કન્યાદાન'ની ભેટ

આ દીકરીને સાસરે વળાવતી વખતે તેને કોઈ ખામી ન રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા ઉદાર હાથે સહાય કરવામાં આવે છે..

વિગત

સહાયની રકમ

લગ્નનો કુલ ખર્ચ

₹ 50,000

સોનાના ઘરેણાં

₹ 50,000

નેશનલ સેવિંગ્સ બોન્ડ

₹ 50,000

નારી સંરક્ષણ ગૃહમાં માત્ર આશ્રય જ નથી મળતો, પણ એક નવી જિંદગી જીવવાનું બળ મળે છે. દીપાના લગ્ન એ સાબિત કરે છે કે જો સરકાર અને સમાજ સાથે મળે તો કોઈ દીકરી ક્યારેય અનાથ નથી."

નવા જીવનની શરૂઆત

વૈદિક મંત્રોચ્ચાર અને સંપૂર્ણ શાસ્ત્રોક્ત વિધિ સાથે દીપાના લગ્ન સંપન્ન થયા. અધિકારીઓ અને કર્મચારીઓએ પિતા અને ભાઈની ભૂમિકા ભજવી દીકરીને સન્માનભેર સાસરે વિદાય આપી. આ પ્રસંગ માત્ર એક લગ્ન નહોતો, પરંતુ સમાજમાં સંવેદના અને સેવાના મધુર સમન્વયની એક પ્રેરક મિસાલ હતી.

વડોદરા શહેરના નિઝામપુરા વિસ્તારમાં આવેલ નારી સંરક્ષણ ગૃહમાં ઉછરેલી દીકરીના આજે આનંદભેર લગ્ન યોજાયા હતા. આ પ્રસંગે ધારાસભ્ય કેયુર રોકડિયાએ પિતા બની કન્યાદાન કરીને દીકરીને નવા જીવન માટે આશીર્વાદ આપ્યા હતા. લગ્ન સમયે દીકરી અને સંસ્થાના સભ્યો ભાવુક બની ગયા હતા. માહિતી અનુસાર, દીપા નામની આ દીકરી પાંચ મહિનાની વયે નિઝામપુરા બસ ડેપો પાસે મળી આવી હતી. ત્યારબાદ તેને સરકારી સંસ્થાની દેખરેખ હેઠળ ઉછેરવામાં આવી હતી. 18 વર્ષની ઉંમર સુધી તેનું સંભાળ બાલ સંભાળ ગૃહમાં રાખવામાં આવ્યું હતું અને ત્યારપછી તે નારી સંરક્ષણ ગૃહમાં આશ્રિત તરીકે રહેતી હતી.

લગ્નયોગ્ય ઉંમર થતાં સંસ્થાએ તેની માટે યોગ્ય જીવનસાથી શોધવાની પ્રક્રિયા શરૂ કરી હતી. આ માટે કુલ 100 જેટલા બાયોડેટા મળ્યા હતા. સંસ્થાની ટીમે છોકરાના શિક્ષણ, પરિવારિક પરિસ્થિતિ અને આર્થિક સ્થિરતા જેવા મુદ્દાઓ ધ્યાનમાં રાખીને કેટલાક ઉમેદવારોની છટણી કરી હતી. અંતે અમદાવાદમાં સિવિલ ઈજનેર તરીકે કાર્યરત જતીન પટેલ સાથે દીપાના લગ્ન નક્કી કરવામાં આવ્યા હતા. લગ્નના દિવસે વરરાજા પરિવાર સાથે વડોદરા આવ્યા હતા અને નારી સંરક્ષણ ગૃહ ખાતે પરંપરાગત રીતરિવાજ સાથે લગ્નવિધિ પૂર્ણ કરવામાં આવી હતી. વરરાજા જતીન પટેલે જણાવ્યું હતું કે સંસ્થાએ તમામ માહિતીની યોગ્ય તપાસ કર્યા બાદ બંનેને મળવાની તક આપી હતી. પરસ્પર ચર્ચા અને સહમતિ પછી આ સંબંધ નક્કી થયો હતો.

ધારાસભ્ય કેયુર રોકડિયાએ જણાવ્યું હતું કે બાળપણથી સંસ્થામાં ઉછરેલી દીકરી માટે પિતા બની કન્યાદાન કરવાનો અવસર મળવો ગૌરવની બાબત છે. તેમણે ઉમેર્યું કે ભવિષ્યમાં દીકરીને કોઈ પણ પ્રકારની જરૂર પડશે તો તેઓ સહાય માટે હંમેશા તૈયાર રહેશે. મહિલા અને બાળ અધિકારી શૈલેષ અંબારિયાએ જણાવ્યું હતું કે છેલ્લા છ મહિનાથી લગ્નની પ્રક્રિયા ચાલી રહી હતી અને રાજ્ય સરકારની મંજૂરી બાદ આજે આ શુભ પ્રસંગ યોજાયો છે. સંસ્થાનું માનવું છે કે દીકરીને પરિવાર સાથે સમાજમાં નવી શરૂઆત કરવાની તક મળે ત્યારે જ તેનું સાચું પુનઃસ્થાપન કહેવાય. અગાઉ પણ સંસ્થાએ આવી રીતે બે દીકરીઓના લગ્ન કરાવ્યા હોવાનું તેમણે ઉમેર્યું.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now