Home Gujarat Mansukh Vasava Spoke After Meeting With The Collector

'કલેક્ટર સંજય મોદીએ સ્વીકાર્યું કે 75 લાખની માંગ ચૈતર વસાવાએ કરી હતી' : મનસુખ વસાવાએ કલેક્ટર સાથે બેઠક કર્યા બાદ શું બોલ્યા?

'કલેક્ટર સંજય મોદીએ સ્વીકાર્યું કે 75 લાખની માંગ ચૈતર વસાવાએ કરી હતી'
Play Video
Published by: OBS Bureau
Last Updated: Dec 26, 2025, 11:10 AM IST

Narmada News : નર્મદા જિલ્લામાં ચર્ચાસ્પદ બનેલા 75 લાખ રૂપિયાના તોડ કાંડ મામલે આજે મોટો વળાંક આવ્યો છે. આ મામલે જિલ્લા કલેક્ટર સંજય મોદીએ પોતાના અગાઉના નિવેદનથી યુ-ટર્ન લીધો હોવાનો દાવો ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ કર્યો છે. સાંસદના જણાવ્યા મુજબ, જિલ્લા કલેક્ટરે હવે તેમની વાત સ્વીકારી છે, જેના કારણે સમગ્ર પ્રકરણ ફરી એક વખત ચર્ચાના કેન્દ્રમાં આવ્યું છે.

કલેક્ટરે તોડની વાત સ્વીકારી?

આ મામલે આજે સાંસદ મનસુખ વસાવા જિલ્લા ભાજપ પ્રમુખ સહિતના કાર્યકર્તાઓ સાથે જિલ્લા કલેક્ટર કચેરી પહોંચ્યા હતા. ત્યાં આ મુદ્દે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન જિલ્લા કલેક્ટર સંજય મોદીએ સ્વીકાર્યું હતું કે 75 લાખ રૂપિયાની માંગ ચૈતર વસાવા દ્વારા કરવામાં આવી હતી. સાથે જ કલેક્ટરે એ વાત પણ માન્ય કરી હતી કે આ માહિતી માર્ગ અને મકાન વિભાગના ઇજનેર મોદી દ્વારા તેમને જણાવવામાં આવી હતી.

'રાજપીપળા ખાતે નહીં પરંતુ કેવડિયા હેલિપેડ ખાતે વાત થઈ'

ઉલ્લેખનીય છે કે, બે દિવસ અગાઉ સાંસદ મનસુખ વસાવાના આક્ષેપો બાદ ચૈતર વસાવા જિલ્લા કલેક્ટરને મળ્યા હતા. તે સમયે જિલ્લા કલેક્ટરે 75 લાખ રૂપિયાની માંગ અંગેની વાતને ખોટી ગણાવી હતી. જોકે આજે સ્પષ્ટતા કરતા જિલ્લા કલેક્ટરે જણાવ્યું કે આ વાત રાજપીપળા ખાતે નહીં પરંતુ કેવડિયા હેલિપેડ ખાતે થઈ હતી. આ સમગ્ર પ્રકરણ દરમિયાન સાંસદ મનસુખ વસાવાએ અગાઉ ખુલ્લેઆમ કહ્યું હતું કે જો તેમને ન્યાય નહીં મળે તો તેઓ ભાજપ પાર્ટી છોડશે.

'મારી સાથે ભાજપ પાર્ટી ઊભી છે'

આજે બેઠક બાદ સાંસદે મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, 'મારી સાથે ભાજપ પાર્ટી ઊભી છે. મને પાર્ટી પર વિશ્વાસ છે અને આજે જિલ્લા પ્રમુખ સહિતના કાર્યકર્તાઓ મારી સાથે આવ્યા છે'. મેં કહ્યું હતું કે 'ન્યાય નહીં મળે તો ભાજપ છોડી દઈશ, પરંતુ આજે જિલ્લા કલેક્ટરે પણ મારી વાતને સાચી માની છે, એટલે હવે હું પાર્ટી સાથે જ છું'

રાજકીય હલચલ તેજ

જો કે બેઠક પૂર્ણ થયા બાદ જિલ્લા કલેક્ટર સંજય મોદી તમામ સાથે વાતચીત કર્યા પછી પોતાની ઓફિસમાંથી બહાર નીકળી ગયા હતા અને મીડિયા સાથે વાત કરવાનું ટાળ્યું હતું. કલેક્ટરના આ વલણને કારણે સમગ્ર મામલો વધુ ચર્ચાસ્પદ બન્યો છે. નર્મદા જિલ્લામાં આ મુદ્દે રાજકીય હલચલ તેજ બની છે અને હવે આગળ શું પગલાં લેવાશે, કોણ સામે કાર્યવાહી થશે અને મામલો કઈ દિશામાં જશે તે તરફ તમામની નજર ટકી રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now