Mansukh Vasava Letter bomb: નર્મદા જિલ્લાના સાંસદ મનસુખ વસાવા ફરી એકવાર પોતાના આકરા વલણ અને 'લેટર બોમ્બ'ને કારણે ચર્ચામાં આવ્યા છે. આ વખતે તેમણે સીધો રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીને પત્ર લખીને નર્મદા જિલ્લાની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. સાંસદે પત્રમાં આક્ષેપ કર્યો છે કે જિલ્લામાં રાજકીય આગેવાનો અને પોલીસની મિલીભગતથી દારૂ અને જુગારના અડ્ડાઓ બેરોકટોક ચાલી રહ્યા છે, જેના કારણે જિલ્લાનું યુવાધન બરબાદ થઈ રહ્યું છે. સાંસદ મનસુખ વસાવાએ પત્રમાં ચોક્કસ વિગતો સાથે દાવો કર્યો છે કે મહારાષ્ટ્રની બોર્ડર પરથી મોટા પાયે વિદેશી દારૂનો જથ્થો ગુજરાતમાં ઘુસાડવામાં આવી રહ્યો છે. આ આખો ખેલ પોલીસના આશીર્વાદ વગર શક્ય નથી, તેમ જણાવતા તેમણે અનેક પોલીસ કર્મચારીઓના નામ પણ પત્રમાં આપ્યા છે. આ ઘટસ્ફોટ બાદ સ્થાનિક વહીવટી તંત્રમાં ભારે હડકંપ મચી ગયો છે.
પોલીસ સ્ટેશનોની મિલીભગત અને આમલેથાનું નામ
સાંસદે પત્રમાં ગંભીર આક્ષેપ કરતા લખ્યું છે કે, દારૂના સપ્લાયમાં જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનના PSI ની સંડોવણી હોવાની શક્યતા છે. તેમણે ખાસ કરીને 'આમલેથા પોલીસ સ્ટેશન'નો ઉલ્લેખ કરીને તેને આ દારૂના નેટવર્કનું કેન્દ્રબિંદુ ગણાવ્યું છે. આ દારૂનો જથ્થો માત્ર નર્મદા સુધી જ સીમિત નથી, પરંતુ તે ઉમલ્લા, રાજપારડી, કરજણ અને શિનોર સુધી પહોંચાડવામાં આવે છે, જે પોલીસની કામગીરી સામે મોટા પ્રશ્નો ઉભા કરે છે.
આ પણ વાંચો: રાજ્યસભાની 24 બેઠકો માટે 18 જૂને મતદાન: ગુજરાતની 4 બેઠકો પર નજર
'યુવાધન બચાવી લેજો સાહેબ': સાંસદની આજીજી
પોતાના પત્રમાં સાંસદ મનસુખ વસાવા એકદમ ભાવુક અને ચિંતિત જણાયા હતા. તેમણે ગૃહમંત્રીને અપીલ કરી છે કે, "આપણા જિલ્લાનું યુવાધન દારૂના કારણે ખતમ થઈ રહ્યું છે, મહેરબાની કરીને આ યુવાધનને બચાવી લો." ગાંધીના ગુજરાતમાં ખુલ્લેઆમ દારૂની રેલમછેલ થઈ રહી હોવાનો આક્ષેપ ભાજપના જ સાંસદ દ્વારા કરવામાં આવતા રાજકીય વર્તુળોમાં પણ ભારે ચર્ચાઓ જાગી છે.
એસ.પી.ને પણ રૂબરૂમાં આપ્યો પત્ર
સાંસદે આ મામલાની ગંભીરતાને જોતા માત્ર ગૃહમંત્રીને જ નહીં, પરંતુ નર્મદા જિલ્લાના એસ.પી.ને પણ રૂબરૂ મળીને પુરાવા સાથેનો પત્ર સુપરત કર્યો છે. તેઓ માગે છે કે આ નેટવર્કમાં સામેલ તમામ જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે. હવે જોવાનું એ રહે છે કે સાંસદના આ 'લેટર બોમ્બ' બાદ પોલીસ તંત્ર અને ગૃહ વિભાગ દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવે છે કે નહીં.






