Home Gujarat Man Selling Ghugra Live Lost After Municipal Corporation Hoarding Fell In Surat Trees Fell Everywhere In The City

મિની વાવાઝોડાએ સુરતને ઘમરોળ્યું : મનપાનું હોર્ડિંગ પડતા ઘૂઘરા વેચતા પ્રોઢનું કમકમાટીભર્યું મોત, શહેરમાં ઠેર-ઠેર વૃક્ષો ધરાશાયી

મિની વાવાઝોડાએ સુરતને ઘમરોળ્યું
Published by: OBS Bureau
Last Updated: Mar 20, 2026, 04:28 AM IST

સુરત: ડાયમંડ સિટી સુરતમાં આજે સાંજના સમયે કુદરતે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. અચાનક વાતાવરણમાં આવેલા પલટા અને ફૂંકાયેલા અતિશય વેગીલા પવનને કારણે શહેરના અનેક વિસ્તારોમાં તારાજીના દ્રશ્યો સર્જાયા હતા. આ મિની વાવાઝોડાએ એક નિર્દોષ નાગરિકનો ભોગ લીધો છે. પર્વત પાટિયા વિસ્તારમાં સુરત મહાનગરપાલિકાનું એક વિશાળ લોખંડનું બોર્ડ પડતા ત્યાં મજૂરી કરી ગુજરાન ચલાવતા એક પ્રોઢનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. ભારે પવન અને ધૂળની ડમરીઓને કારણે સમગ્ર શહેરમાં વિઝિબિલિટી ઘટી ગઈ હતી, જેના લીધે વાહનચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. માત્ર ગણતરીની મિનિટોમાં આવેલા આ વાવાઝોડાએ શહેરના પોશ વિસ્તારોથી લઈને કોમર્શિયલ હબ સુધી બધે જ નુકસાન પહોંચાડ્યું છે. ક્યાંક પતરા ઉડ્યા છે તો ક્યાંક વર્ષો જૂના વટવૃક્ષો ધરાશાયી થયા છે. આ કુદરતી આફત બાદ પાલિકાની પ્રી-મોન્સૂન કામગીરી અને હોર્ડિંગ્સની મજબૂતી સામે પણ સવાલો ઉભા થયા છે.

મનપાનું બોર્ડ કાળ બનીને ત્રાટક્યું: પરિવારનો આધાર છીનવાયો

આ દુર્ઘટનાની સૌથી કરૂણ ઘટના પર્વત પાટિયા વિસ્તારના શાયોના પ્લાઝા પાસે બની હતી. મૂળ કારગિલ ચોકની ત્રિવેણી સંગમ સોસાયટીમાં રહેતા 48 વર્ષીય નીતિનભાઈ જયંતિભાઇ વાજા દરરોજની જેમ ફૂટપાથ પર ટેબલ નાખીને ઘૂઘરા વેચી રહ્યા હતા. અચાનક ફૂંકાયેલા વાવાઝોડામાં મનપાનું ભારેભરખમ લોખંડનું બોર્ડ ઉખડીને સીધું તેમના પર પડ્યું હતું. લોખંડના એન્ગલ અને બોર્ડના વજન નીચે દબાતા નીતિનભાઈને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેમણે સ્થળ પર જ દમ તોડ્યો હતો. નીતિનભાઈ ઘૂઘરા વેચીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા, જેમના અવસાનથી પરિવાર પર આભ તૂટી પડ્યું છે.

શહેરના અનેક વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી, વાહનો દબાયા

વાવાઝોડાની તીવ્રતા એટલી વધુ હતી કે, શહેરના વીઆઈપી રોડથી લઈને કોટ વિસ્તાર સુધી વૃક્ષો પડવાની હારમાળા સર્જાઈ હતી:

  • નાનપુરા: અહીં એક વિશાળ વૃક્ષ કાર પર પડતા કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.

  • પીપલોદ: શારદાયતન સ્કૂલ પાસે વૃક્ષ પડતા ટ્રાફિક જામ થયો હતો.

  • ઉમરા ગામ: રસ્તાની વચ્ચે મોટું ઝાડ પડતા તંત્રને તાત્કાલિક અસરથી રસ્તો બંધ કરવાની ફરજ પડી હતી.

  • સીટી લાઈટ: નારિયેળીનું ઝાડ પાર્ક કરેલા વાહનો પર પડતા મોટું નુકસાન થયું છે.

લગ્ન મંડપથી લઈને શોપિંગ સેન્ટર સુધી નુકસાન

માત્ર વૃક્ષો જ નહીં, પરંતુ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને પણ વ્યાપક અસર થઈ છે. એરપોર્ટ રોડ પર આવેલા પાર્ટી પ્લોટમાં લગ્નના ભવ્ય સેટઅપને નુકસાન પહોંચ્યું હતું. પૂણા લેન્ડમાર્ક પાસે લોખંડનો પોલ ધરાશાયી થયો હતો, જ્યારે કતારગામ-ડભોલી વિસ્તારમાં એક કોમર્શિયલ શોપિંગ સેન્ટરના ત્રીજા માળેથી આખેઆખો પતરાનો શેડ ઉડીને નીચે ખાબક્યો હતો. સિંગણપોરની શાક માર્કેટમાં તોતિંગ વૃક્ષ પડતા ખરીદી કરવા આવેલા લોકોમાં ભારે નાસભાગ મચી ગઈ હતી.

તંત્ર એક્શન મોડમાં: ફાયર બ્રિગેડની કામગીરી શરૂ

ઘટનાની ગંભીરતા જોતા સુરત ફાયર બ્રિગેડ અને મહાનગરપાલિકાની વિવિધ ટીમો તાત્કાલિક એક્શનમાં આવી હતી. શહેરના અલગ-અલગ વિસ્તારોમાં રસ્તા પર પડેલા વૃક્ષો અને હોર્ડિંગ્સ હટાવવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે જેથી વાહનવ્યવહાર ફરી પૂર્વવત કરી શકાય. સદનસીબે, અન્ય કોઈ સ્થળે જાનહાનિના સમાચાર મળ્યા નથી, પરંતુ માલમિલકતને મોટું નુકસાન થયું હોવાનો અંદાજ છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now