Home Gujarat Man Commits Suicide By Jumping From Terrace Of Chandkheda Police Station In Ahmedabad

અમદાવાદમાં કરુણાંતિકા : પુત્રએ પોલીસ ફરિયાદ કરતા પિતાને લાગી આવ્યું, પોલીસ સ્ટેશનના ધાબેથી લગાવી મોતની છલાંગ

અમદાવાદમાં કરુણાંતિકા
Play Video
Published by: OBS Bureau
Last Updated: Dec 01, 2025, 12:24 PM IST

અમદાવાદ શહેરના ચાંદખેડા વિસ્તારમાં એક હચમચાવી દેતી ઘટના સામે આવી છે જેમાં પારિવારિક કલેશનું પરિણામ અત્યંત દુખદ આવ્યું છે. સામાન્ય બોલાચાલી બાદ મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો જ્યાં એક પિતાએ પોતાની વિરુદ્ધ પુત્ર દ્વારા ફરિયાદ થતા લાગી આવતા પોલીસ સ્ટેશનના ધાબા પરથી પડતું મૂકીને જીવન ટૂંકાવી લીધું છે. આ ઘટનાને પગલે પોલીસ બેડામાં અને સ્થાનિક વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે.

બનાવની વિગતો એવી છે કે ચાંદખેડામાં આવેલા વેલજીભાઈના કૂવા નજીક સુરેશભાઈ બદાણી તેમના પરિવાર સાથે રહેતા હતા. શનિવારે બપોરના સમયે સુરેશભાઈ અને તેમના પત્ની વચ્ચે કોઈ ઘરેલુ બાબતે ઉગ્ર તકરાર થઈ હતી. ઝઘડો એટલો વધી ગયો હતો કે વાત મારામારી સુધી પહોંચતા તેમના પુત્ર પિયુષભાઈએ પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરીને મદદ માંગી હતી. પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને પરિસ્થિતિ થાળે પાડવા માટે સુરેશભાઈ તેમના પત્ની અને બંને પુત્રોને લઈને પોલીસ સ્ટેશન આવી હતી.

પોલીસ સ્ટેશનમાં સમજાવટ ચાલી રહી હતી ત્યારે પણ દંપતી વચ્ચેનો ઝઘડો શાંત પડ્યો ન હતો અને ફરીથી ઉગ્ર બોલાચાલી શરૂ થઈ ગઈ હતી. આ દરમિયાન પુત્રએ પિતા વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ નોંધાવવાની તૈયારી બતાવી હતી. પોતાના જ સંતાનો પોતાની વિરુદ્ધ પોલીસ કાર્યવાહી કરાવવા તૈયાર થયા છે તે વાત સુરેશભાઈને ખૂબ જ આઘાતજનક લાગી હતી. આ વાતનું મનમાં દુખ થવાથી તેઓ કોઈની નજર ચૂકવીને પોલીસ સ્ટેશનના ઉપરના માળે ધાબા પર પહોંચી ગયા હતા.

ક્ષણિક આવેશમાં આવીને સુરેશભાઈએ પોલીસ સ્ટેશનના ધાબા પરથી સીધો નીચે કૂદકો માર્યો હતો. ધડાકાભેર કોઈ નીચે પડવાનો અવાજ આવતા ફરજ પરના પોલીસકર્મીઓ દોડીને બહાર આવ્યા હતા. તેમણે જોયું તો સુરેશભાઈ લોહીલુહાણ હાલતમાં જમીન પર પડ્યા હતા. પોલીસે સમય બગાડ્યા વગર તેમને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જોકે ગંભીર ઈજાઓને કારણે સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું. હાલમાં ચાંદખેડા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now