Home Gujarat Man Attacks Psi On Bike While Carrying Foreign Liquor Near Khadpa In Ghoghamba

પંચમહાલમાં વિદેશી દારૂ લઈ જતાં ઇસમે PSI પર બાઇક ચઢાવી કર્યો હુમલો : પોલીસ અધિકારી ગંભીર રીતે ઇજાગ્રસ્ત, ખાનગી હોસ્પિટલમાં કરાયા એડમિટ

પંચમહાલમાં વિદેશી દારૂ લઈ જતાં ઇસમે PSI પર બાઇક ચઢાવી કર્યો હુમલો
Play Video
Published by: OBS Bureau
Last Updated: Jan 17, 2026, 01:20 PM IST

ઘોઘંબાના ખડપા વિસ્તારમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં વિદેશી દારૂ લઈ પસાર થતા એક ઇસમે વોચમાં ફરજ બજાવતા પોલીસ અધિકારી પર બાઇક ચઢાવી ગંભીર હુમલો કર્યો હતો. આ ઘટનામાં રાજગઢ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા PSI એસ. એમ. ડામોરને હાથ અને પગના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી છે.
મળતી માહિતી અનુસાર, ઘોઘંબાના ખડપા નજીક PSI એસ. એમ. ડામોર વોચમાં ઉભા રહી વાહન ચેકિંગ કરી રહ્યા હતા. તે દરમિયાન બાઇક પર પસાર થઈ રહેલા એક શખ્સને શંકાસ્પદ જણાતા તેમને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ વિદેશી દારૂનો જથ્થો લઈ જઈ રહેલા મહેશ એચ. રાઠવા નામના ઇસમે પોલીસ અધિકારીને ટક્કર મારતા બાઇક સીધી PSI પર ચઢાવી દીધી હતી.
આ હુમલામાં PSI એસ. એમ. ડામોર ગંભીર રીતે ઘાયલ થતા તેમને તાત્કાલિક સારવાર માટે ગોધરાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બીજી તરફ, પોલીસ અધિકારી પર હુમલો કરી ભાગવા પ્રયાસ કરતો આરોપી મહેશ રાઠવા બાઇક લઈને ઝાડ સાથે અથડાતા તે પણ ઇજાગ્રસ્ત થયો હતો. ઇજાગ્રસ્ત આરોપીને સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

સમગ્ર ઘટનાને લઈ રાજગઢ પોલીસે ઝડપી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ દ્વારા આરોપી પાસેથી અંદાજે એક લાખ રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો કબ્જે લેવામાં આવ્યો છે. વિદેશી દારૂની હેરાફેરી અંગે ગુનો નોંધવાની કાર્યવાહી ચાલી રહી છે, સાથે જ ફરજ પરના પોલીસ અધિકારી પર જીવલેણ હુમલો કરવા બદલ અલગથી ગંભીર કલમો હેઠળ ફરિયાદ નોંધવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now