Home National Mamata Banerjee Lawyer Look Calcutta High Court Post Poll Violence Case

ચૂંટણીમાં હાર બાદ બંગાળમાં નવી બબાલ : અચાનક કેમ વકીલનો કોટ પહેરીને કોર્ટ પહોંચી ગયા મમતા બેનર્જી?

Mamata Banerjee
Published by: Aryan Shah
Last Updated: May 14, 2026, 08:50 AM IST

Mamata Banerjee : પશ્ચિમ બંગાળના રાજકારણમાં અત્યારે એક અત્યંત રોમાંચક અને ઐતિહાસિક વળાંક જોવા મળી રહ્યો છે. રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને તૃણમૂલ કોંગ્રેસ (TMC) ના પ્રમુખ મમતા બેનર્જી હવે રાજકીય મંચ છોડીને કાયદાકીય લડાઈના મેદાનમાં ઉતર્યા છે. સામાન્ય રીતે સાદી સફેદ સાડી અને હવાઈ ચંપલમાં જોવા મળતા મમતા બેનર્જી ગુરુવારે એક અલગ જ અંદાજમાં, વકીલના કાળા કોટ અને વેશભૂષામાં કલકત્તા હાઇકોર્ટ પહોંચ્યા હતા. ચૂંટણી પછી થયેલી હિંસાના ગંભીર કેસમાં તેઓ પોતે વકીલ તરીકે હાજર રહીને પક્ષ રાખશે તે વાત વાયુવેગે ફેલાઈ ગઈ છે.

કોર્ટમાં મમતાનો નવો અંદાજ

મમતા બેનર્જીએ હાઇકોર્ટના ચીફ જસ્ટિસ સુજોય પાલની અધ્યક્ષતાવાળી બેન્ચ સમક્ષ હાજર થઈને દલીલો રજૂ કરવાનો મહત્વનો નિર્ણય લીધો છે. આ મામલો પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પછી ફાટી નીકળેલી હિંસા સાથે જોડાયેલી એક જાહેર હિતની અરજી (PIL) નો છે. કોર્ટ રૂમમાં હાજર રહેલા લોકો માટે આ દ્રશ્ય અચરજભર્યું હતું. એવી ચર્ચા છે કે, મમતા બેનર્જી માત્ર દલીલો જ નહીં કરે, પરંતુ અત્યાર સુધી થયેલી તપાસની પ્રક્રિયા અને તેમાં રહેલી ખામીઓ પર અનેક તીખા સવાલો પણ ઉઠાવશે. તેઓ પોતાની આક્રમક શૈલીમાં કાયદાકીય પાસાઓની રજૂઆત કરીને વિરોધ પક્ષોને ઘેરવાની તૈયારીમાં છે.

જૂનો અનુભવ અને શિક્ષણ

ઘણા લોકોને નવાઈ લાગી શકે છે કે, એક રાજનેતા વકીલ તરીકે કેવી રીતે દલીલ કરી શકે, પરંતુ મમતા બેનર્જી પાસે કાયદાનું મજબૂત શિક્ષણ અને અનુભવ બંને છે. તેમણે વર્ષ 1982 માં કોલકાતાની વિખ્યાત જોગેશ ચંદ્ર કોલેજ ઓફ લોમાંથી કાયદાની ડિગ્રી મેળવી હતી. આ પહેલીવાર નથી કે, તેઓ કોર્ટમાં વકીલ તરીકે હાજર રહ્યા હોય. અગાઉ પણ તેઓ 'એસઆઈઆર' (SIR) ના મહત્વના મુદ્દે સુપ્રીમ કોર્ટમાં વકીલ તરીકે ઊભા રહી ચૂક્યા છે. તૃણમૂલ નેતા કલ્યાણ બંદોપાધ્યાયના પુત્ર દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં પણ તેમણે પોતાની વકીલાતની કળા બતાવી હતી, જે દર્શાવે છે કે, તેઓ કાયદાની બારીકીઓથી સારી રીતે વાકેફ છે.

મમતાની વર્ષો જૂની ખુરશીને લાત મારીને કેમ સુવેન્દુએ મંગાવી નવી ખુરશી?: CM ચેમ્બરમાં થયો એવો ફેરફાર કે દેશભરમાં શરૂ થઈ ગઈ ચર્ચા!

રાજકીય ઉથલપાથલની પૃષ્ઠભૂમિ

આ સમગ્ર કાયદાકીય હિલચાલ પાછળ હાલના વિધાનસભા ચૂંટણી પરિણામો જવાબદાર છે. પશ્ચિમ બંગાળમાં આ વખતે મોટો રાજકીય ફેરફાર થયો હતો, જેમાં ભારતીય જનતા પાર્ટીએ 207 બેઠકો જીતીને ઐતિહાસિક સફળતા મેળવી હતી. તેની સામે મમતા બેનર્જીની પાર્ટી TMC માત્ર 80 બેઠકો પર જ સમેટાઈ ગઈ હતી. ચૂંટણીમાં મળેલી આ કારમી હાર બાદ 9 મે ના રોજ સુવેન્દુ અધિકારીએ મુખ્યમંત્રી તરીકેના શપથ લીધા હતા. આ પરિણામો બાદ મમતા બેનર્જીએ જાહેરમાં આક્ષેપ કર્યો હતો કે, ભાજપે છેતરપિંડી કરીને 100 જેટલી બેઠકો 'લૂંટી' લીધી છે, અને આ લડાઈ હવે તેઓ કોર્ટમાં લડવા માંગે છે.

શુવેન્દુ કેબિનેટનો ફરી એક નવો નિર્ણય: મમતા સરકારના તમામ નામાંકિત અધિકારીઓને હટાવાયા

હિંસા અને કાયદાકીય લડાઈ

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પછી થયેલી હિંસાનો મુદ્દો રાષ્ટ્રીય સ્તરે ગાજ્યો છે. વિરોધ પક્ષો અને અનેક પીઆઈએલમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, રાજ્યમાં લોકશાહીનું હનન થયું છે. મમતા બેનર્જી આ બાબતે પોતાની અને પોતાની પાર્ટીની છબી સાફ કરવા તેમજ ભાજપના શાસન સામે સવાલો ઉઠાવવા માટે આતુર છે. હવે જ્યારે તેઓ પોતે વકીલનો ડ્રેસ પહેરીને મેદાનમાં ઉતર્યા છે, ત્યારે કાયદાકીય નિષ્ણાતોનું માનવું છે કે, આ કેસમાં આવનારા દિવસોમાં નવા વળાંકો આવી શકે છે. મમતા બેનર્જીની આ મુવને તેમની રાજકીય પુનઃસ્થાપના માટેના પ્રયાસ તરીકે પણ જોવામાં આવી રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now