Home Gujarat Major Action Under Surat Polices No Drugs In Surat City Campaign

સુરત પોલીસના ‘નો ડ્રગ્સ ઇન સુરત સીટી’ અભિયાન હેઠળ મોટી કાર્યવાહી : ઉધના પોલીસે 5 કિલો ગાંજા સાથે બે ભાઈઓને ઝડપ્યા

સુરત પોલીસના ‘નો ડ્રગ્સ ઇન સુરત સીટી’ અભિયાન હેઠળ મોટી કાર્યવાહી
Published by: OBS Bureau
Last Updated: Jan 03, 2026, 10:21 AM IST

Surat News: સુરત શહેરમાં નશા મુક્તિ માટે ચલાવવામાં આવી રહેલા સુરત પોલીસના “નો ડ્રગ્સ ઇન સુરત સીટી” અભિયાન અંતર્ગત ઉધના પોલીસે મહત્વપૂર્ણ કાર્યવાહી કરી છે. ઉધના પોલીસ સ્ટેશનની ટીમે ભાઠેના વિસ્તારમાંથી પાંચ કિલો ગાંજાનો જથ્થો સાથે બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. આરોપીઓ મોપેડ પર ગાંજો લઈ જઈ રહ્યા હતા ત્યારે પોલીસને મળેલી ચોક્કસ માહિતીના આધારે ધરપકડ કરવામાં આવી હતી.

પકડાયેલા આરોપીઓના નામ મોહમ્મદ સદ્દામ હુસૈન અને મોહમ્મદ નૂર હુસૈન હોવાનું સામે આવ્યું છે. બંને આરોપીઓ સગા ભાઈઓ હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. પોલીસ દ્વારા બંનેની અટકાયત કરી તેમની પાસેથી 5 કિલો ગાંજો, બે મોબાઈલ ફોન, રોકડા રૂપિયા અને મોપેડ સહિત કુલ અંદાજે 2.80 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

ઉધના પોલીસના જણાવ્યા અનુસાર, બંને શખ્સો ભાઠેના વિસ્તારમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે શંકાના આધારે ચેકિંગ કરવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન તેમની પાસે રહેલો ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. તાત્કાલિક બંનેને કાયદેસર રીતે ઝડપી લઈને NDPS એક્ટ હેઠળ ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

હાલ પોલીસ દ્વારા ગાંજાનો આ જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને સપ્લાય કરવામાં આવતો હતો તે દિશામાં સઘન તપાસ શરૂ કરવામાં આવી છે. સાથે સાથે આ નશા નેટવર્ક સાથે સંકળાયેલા અન્ય લોકો સુધી પહોંચવા માટે પણ તપાસ તેજ કરવામાં આવી છે.

સુરત પોલીસનું સ્પષ્ટ કહેવું છે કે શહેરને નશામુક્ત બનાવવા માટે આવા અભિયાન સતત ચાલુ રહેશે અને નશા સાથે સંકળાયેલા કોઈપણ તત્વોને બક્ષવામાં નહીં આવે. આ કાર્યવાહીથી નશા વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now