Mahisagar News: લગ્નપ્રસંગોમાં આનંદ અને ઉત્સાહ હોવો સ્વાભાવિક છે, પરંતુ ક્યારેક આ ઉત્સાહ અતિઉત્સાહમાં બદલાઈ જાય ત્યારે તે જીવલેણ સાબિત થઈ શકે છે. મહીસાગર જિલ્લામાંથી સોશિયલ મીડિયા પર એક એવો જ ચોંકાવનારો વીડિયો વાયરલ થયો છે, જેમાં જાનૈયાઓ કાયદા અને પોતાના જીવની પરવા કર્યા વગર ભરબપોરે જોખમી સ્ટંટ કરતા જોવા મળી રહ્યા છે. આ વીડિયો વાયરલ થતાં જ સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
ડીજેના તાલે ચાલુ કારના બોનેટ પર ડાન્સ
વાયરલ થઈ રહેલા વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે બે ગાડીઓના બોનેટ પર યુવકો સવાર છે. ચાલુ કારના બોનેટ પર ડીજેના તાલે ડાન્સ કરતા બે યુવકોના આ જોખમી દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. ભરબપોરે જાહેર રોડ પર ફિલ્મી સ્ટાઈલમાં થઈ રહેલા આ સ્ટંટને કારણે અન્ય વાહનચાલકો માટે પણ મોટો ખતરો ઊભો થયો હતો.
વીરપુરના સરાડીયા ગામની જાન હોવાની અટકળો
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આ વીડિયો વીરપુર તાલુકાના સરાડીયા ગામની જાનનો હોવાની પ્રબળ અટકળો સેવાઈ રહી છે. લગ્નની ખુશીમાં ભાન ભૂલેલા આ જાનૈયાઓએ રસ્તા પરથી પસાર થતી વખતે ટ્રાફિકના નિયમોના લીધેલીરા ઉડાડ્યા હતા. વીડિયો સોશિયલ મીડિયા પર વાયુવેગે વાયરલ થતાં જ લોકો આ બેજવાબદાર વર્તનની આકરી ટીકા કરી રહ્યા છે.
જનતામાં ભારે રોષ: ઉઠ્યા ગંભીર સવાલો
આ વીડિયો સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર યુઝર્સ અને સામાન્ય જનતામાં ભારે આક્રોશ છે. લોકો તંત્ર અને સ્ટંટબાજો સામે ગંભીર સવાલો ઉઠાવી રહ્યા છે. જો ચાલુ કારે બ્રેક મારવામાં આવી હોત કે યુવક નીચે પટકાયો હોત અને કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ હોત, તો તેની જવાબદારી કોની રહેત? જાહેર રોડ પર આ પ્રકારે કાયદાની ઐસીતૈસી કરીને સ્ટંટ કરનારાઓ સામે પોલીસ ક્યારે લાલ આંખ કરશે? સોશિયલ મીડિયા પર પુરાવા સામે આવ્યા બાદ હવે ટ્રાફિક પોલીસ આ સ્ટંટબાજોને ઝડપી પાડીને કોઈ દાખલારૂપ કડક કાર્યવાહી કરશે ખરી?
લગ્ન અને ખુશીના માહોલમાં આવા જોખમી સ્ટંટ માત્ર સ્ટંટ કરનાર માટે જ નહીં, પરંતુ રસ્તા પર ચાલતા અન્ય નિર્દોષ લોકો માટે પણ જીવનું જોખમ ઊભું કરે છે. હવે જોવાનું એ રહેશે કે મહીસાગર પોલીસ આ વાયરલ વીડિયોના આધારે ગાડીના નંબર મેળવીને આ જોખમી સવારી કરનારા યુવકો સામે શું પગલાં લે છે.





