Surat News: સુરતની કામદાર વીમા હોસ્પિટલ (ESIC) ફરી એકવાર વિવાદના ઘેરામાં આવી છે. હોસ્પિટલમાં છેલ્લા 8 થી 9 વર્ષ જેવા લાંબા સમયથી હાઉસકિપિંગ (સફાઈ) વિભાગમાં ફરજ બજાવતા અંદાજે 20 જેટલા કર્મચારીઓને કોઈપણ જાતની પૂર્વ સૂચના કે લેખિત નોટિસ આપ્યા વિના જ અચાનક નોકરીમાંથી છૂટા કરી દેવામાં આવતા કર્મચારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
નવા કોન્ટ્રાક્ટરે લેખિત જાણ સુધી ન કરી
મળતી માહિતી મુજબ, હોસ્પિટલમાં તાજેતરમાં જ હાઉસકિપિંગનો નવો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. આ નવા કોન્ટ્રાક્ટર દ્વારા વર્ષોથી ઈમાનદારીથી કામ કરતા આ શ્રમિકોને કોઈ પણ પ્રકારની લેખિત જાણ કે નોટિસ આપ્યા વગર સીધા જ કામ પર આવવાની મનાઈ ફરમાવી દેવામાં આવી છે. જેને પગલે આક્રોશિત કર્મચારીઓએ હોસ્પિટલ પરિસરમાં પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.
CNGના વધેલા ભાવ સામે સુરતમાં રિક્ષા ચાલકોનો વિરોધ : ડિંડોલી વિસ્તારમાં હડતાળથી મુસાફરો પરેશાન
પગાર કાપની રજૂઆતનો રાખ્યો દ્વેષભાવ?
કર્મચારીઓએ કોન્ટ્રાક્ટર પર ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું છે કે, નિયમ મુજબ તેમનો પગાર ₹17,000 થતો હતો, પરંતુ તેની સામે તેમને માત્ર ₹10,000 જ ચૂકવવામાં આવતા હતા. આ આર્થિક શોષણ સામે કર્મચારીઓએ ભૂતકાળમાં ઉચ્ચ કક્ષાએ ન્યાય માટે લેખિત રજૂઆત કરી હતી. કર્મચારીઓનો આક્ષેપ છે કે આ રજૂઆતનો દ્વેષભાવ (અદાવત) મનમાં રાખીને જ નવા કોન્ટ્રાક્ટ આવતાની સાથે જ તેમને કિન્નાખોરી રાખીને નોકરીમાંથી તગડી મૂકવામાં આવ્યા છે. એક ભોગ બનનાર કર્મચારીએ જણાવ્યું હતું કે, અમે 8-9 વર્ષથી અહીં લોહી-પાણી એક કરીને કામ કરીએ છીએ. અમારો હક માંગ્યો એટલે અમને કાઢી મૂકવામાં આવ્યા. હવે આ મોંઘવારીના જમાનામાં અમારે ઘરનું ભરણ-પોષણ કેવી રીતે કરવું?"
પરિવારોના ભરણપોષણ પર સંકટ
અચાનક જ રોજીરોટી છીનવાઈ જતાં આ તમામ 20 પરિવારો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. ઘરનું ભાડું, બાળકોની સ્કૂલની ફી અને રોજિંદો ખર્ચ કેવી રીતે કાઢવો તે ચિંતા શ્રમિકોને સતાવી રહી છે. આ મામલે હવે કામદારો ન્યાય માટે શ્રમ વિભાગ (લેબર કોર્ટ) અને ઉચ્ચ અધિકારીઓ સુધી લડત ચલાવવાની તૈયારી કરી રહ્યા છે. હવે જોવાનું એ રહેશે કે તંત્ર આ ગરીબ શ્રમિકોની વહારે આવે છે કે પછી કોન્ટ્રાક્ટરોની આવી જોહુકમી સામે આંખ આડા કાન કરે છે.





