Home Gujarat Mahisagar Khanupur Bjp President Shows P C Baranda

'શિક્ષણથી વંચિત, સિંચાઈથી પણ વંચિત, 8 કિમી વિદ્યાર્થીઓ ચાલે...' : પ્રભારી મંત્રીની અધ્યક્ષતામાં યાજાયેલી બેઠકમાં ખાનપુર ભાજપ પ્રમુખે 'વિકાસનો અરીસો' બતાવ્યો!

'શિક્ષણથી વંચિત, સિંચાઈથી પણ વંચિત, 8 કિમી વિદ્યાર્થીઓ ચાલે...'
Play Video
Published by: OBS Bureau
Last Updated: Dec 13, 2025, 12:09 PM IST

મહીસાગર જિલ્લામાં ભાજપના નેતાઓ તેમનો વિસ્તાર વિકાસથી વંચિત રહ્યો હોય તેવી વાત કરતા રાજકીય ગણગણાટ શરૂ થયો છે. ખાનપુર તાલુકાના ભાજપ પ્રમુખ વિનોદ માલીવાડે પ્રભારી મંત્રી પી સી બરંડા સમક્ષ કરેલી ખુલ્લી રજૂઆતનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેના કારણે રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા શરૂ થઈ ગઈ છે. ખાસ વાત એ છે કે ભાજપના જ તાલુકા પ્રમુખે ભાજપ સરકાર અને તંત્ર સામે વિકાસના મુદ્દાઓ પર ખુલ્લેઆમ પ્રશ્નો ઉઠાવ્યા છે.

વણઉકેલા પ્રશ્નોની વણઝાર રજૂ કરી

મહીસાગરના લુણાવાડામાં યોજાયેલી ભાજપની બૃહદ બેઠક દરમિયાન ખાનપુર ભાજપ પ્રમુખ વિનોદ માલીવાડે સ્પષ્ટ શબ્દોમાં પોતાની વાત રજૂ કરી હતી. તેમણે પ્રભારી મંત્રી પી.સી. બરંડા સામે ખાનપુર તાલુકાના લાંબા સમયથી વણઉકેલે રહેલા પ્રશ્નોની વણઝાર રજૂ કરી હતી. તાલુકામાં કોલેજની સુવિધાનો અભાવ, ગામડાઓમાં પૂરતી બસ વ્યવસ્થા ન હોવી તેમજ સિંચાઈના અધૂરા પડેલા કામોને લઈ તેમણે નારાજગી વ્યક્ત કરી હતી.

આદિજાતિ દાખલા મામલે નારાજગી વ્યક્ત કરી

સૌથી મોટો આક્રોશ તેમણે આદિજાતિ દાખલાના મુદ્દે વ્યક્ત કર્યો હતો. વિનોદ માલીવાડે જણાવ્યું હતું કે, આદિજાતિ સમાજને લગતા પ્રશ્નોમાં નેતાઓ માત્ર વાયદા કરીને જતાં રહે છે, પરંતુ જમીન પર કોઈ વાસ્તવિક કામગીરી થતી નથી. આ મુદ્દે તેમની રજૂઆતમાં સ્પષ્ટ અસંતોષ જોવા મળ્યો હતો. ભાજપના હોદ્દેદાર દ્વારા મંત્રી સમક્ષ કરવામાં આવેલી આવી ખુલ્લી રજૂઆતનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં જ મહીસાગર ભાજપમાં આંતરિક અસંતોષ ખુલ્લો પડી ગયો છે. આ ઘટનાએ જિલ્લાના રાજકારણમાં ગરમાવો પેદા કર્યો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now