Home Gujarat Mahila Jan Sunavani Program Organized By National Commission For Women Chairperson Vijaya Rahatkar At Circuithouse

વડોદરા મહાનગરપાલિકામાં યુગ બદલાયો! : મહિલાલક્ષી કલ્યાણકારી યોજનાઓ-સુરક્ષા અંગે યોજાઈ સમીક્ષા બેઠક, રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષ રહ્યા હાજર

વડોદરા મહાનગરપાલિકામાં યુગ બદલાયો!
Published by: OBS Bureau
Last Updated: Mar 10, 2026, 02:44 PM IST

Vadodara News: રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષ વિજયા રહાટકરે તેમના વડોદરા પ્રવાસ દરમિયાન મહિલાઓના ઉત્કર્ષ અને સુરક્ષાની સ્થિતિનો તાગ મેળવવા માટે ઉચ્ચ સ્તરીય બેઠકો યોજી હતી. પોલીસ ભવન ખાતે જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ સાથે યોજાયેલી આ બેઠકમાં મહિલાલક્ષી કલ્યાણકારી યોજનાઓ અને કાયદો-વ્યવસ્થાની સર્વગ્રાહી સમીક્ષા કરવામાં આવી હતી.

વહીવટી તંત્રની કામગીરીની સરાહના

બેઠકના પ્રારંભમાં વિજયા રહાટકરે ગુજરાતની કાર્યશૈલીની પ્રશંસા કરી હતી. જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયા પાસેથી તેમણે 'બેટી બચાઓ બેટી પઢાઓ' અને 'પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના' જેવી મહત્વની યોજનાઓના અમલીકરણની વિગતો મેળવી હતી. મહિલાઓના શિક્ષણ અને સ્વાસ્થ્ય માટે વડોદરા જિલ્લા પ્રશાસન દ્વારા કરવામાં આવેલી કામગીરીને તેમણે બિરદાવી હતી.

સુરક્ષા અને જાગૃતિ પર વિશેષ ભાર

કાર્યસ્થળ પર મહિલાઓની સુરક્ષા અંગે ચર્ચા કરતા અધ્યક્ષએ જણાવ્યું હતું કેઅસંગઠિત ક્ષેત્રમાં શ્રમ કરતી મહિલાઓ પોતાના અધિકારો અને સુરક્ષા માટેની 'લોકલ સમિતિ' વિશે માહિતગાર થાય તે અત્યંત અનિવાર્ય છે." તેમણે જિલ્લા કલેક્ટરને અસંગઠિત ક્ષેત્રમાં જાગૃતિ અભિયાન વેગવંતુ કરવા અને મહિલાઓને સુરક્ષિત વાતાવરણ પૂરું પાડવા માટે સંવેદનશીલ પ્રયાસો કરવા અનુરોધ કર્યો હતો. આ ઉપરાંત, વન સ્ટોપ સેન્ટર અને વર્કિંગ વિમેન્સ હોસ્ટેલ જેવી સુવિધાઓની જમીની હકીકતોની પણ તેમણે સમીક્ષા કરી હતી.

પોલીસ વિભાગ સાથે કાયદો-વ્યવસ્થાની ચર્ચા

શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર અને રેન્જ આઈજી સંદિપસિંઘે પોલીસ વિભાગની કામગીરીનો ચિતાર રજૂ કર્યો હતો. બેઠકમાં દહેજ પ્રથા, ઘરેલુ હિંસા, અને બાળલગ્ન જેવા સામાજિક દૂષણોને ડામવા માટે લેવાયેલા પગલાઓની સમીક્ષા કરવામાં આવી હતી. પોક્સો એક્ટના અમલીકરણમાં આવતા પડકારો અને પીડિતોને ત્વરિત ન્યાય મળે તે માટે પોલીસની સક્રિયતા અંગે અધ્યક્ષશ્રીએ સંતોષ વ્યક્ત કર્યો હતો.

જનપ્રતિનિધિઓ સાથે સંવાદ

પોલીસ ભવનની બેઠક બાદ, વિજયા રહાટકરે સર્કિટ હાઉસ ખાતે ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ સાથે પણ મહત્વપૂર્ણ સંવાદ સાધ્યો હતો. તેમણે પ્રતિનિધિઓને મહિલાઓના સામાજિક-આર્થિક ઉત્થાન માટે વધુ સંવેદનશીલ બની કાર્ય કરવા પ્રોત્સાહિત કર્યા હતા.

ઉપસ્થિત મહાનુભાવો

આ બેઠકોમાં જિલ્લા વિકાસ અધિકારી મમતા હિરપરા, જિલ્લા પોલીસ વડા સુશીલ અગ્રવાલ, નર્મદા અને ભરૂચના એસ.પી., જિલ્લા પંચાયત પ્રમુખ ગાયત્રીબા મહીડા અને પૂર્વ મેયર પિન્કીબેન સોની સહિતના ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now