Home Gujarat Mahesh Vasava Joins Congress

મહેશ વસાવા કોંગ્રેસમાં જોડાયા : 9 મહિનામાં જ ભાજપમાંથી આપ્યું હતું રાજીનામું, 'પંજા' સાથે નવી રાજકીય ઈનિંગ કરી શરૂ

મહેશ વસાવા કોંગ્રેસમાં જોડાયા
Play Video
Published by: OBS Bureau
Last Updated: Jan 06, 2026, 01:23 PM IST

દેડીયાપાડાના પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાએ અંતે ભાજપનો સાથ છોડીને કોંગ્રેસનો હાથ પકડી લીધો છે. દાહોદમાં યોજાયેલી કોંગ્રેસની જન આક્રોશ યાત્રા દરમિયાન તેમણે સત્તાવાર રીતે કોંગ્રેસ પાર્ટીમાં જોડાણ કર્યું હતું. આ પ્રસંગે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિરોધ પક્ષના નેતા તુષાર ચૌધરી સાથે મહેશ વસાવા કાળીમહુડીના સભા સ્થળે પહોંચ્યા હતા, જ્યાં તેમના કોંગ્રેસમાં જોડાવાની જાહેરાત કરવામાં આવી હતી.

9 મહિના પહેલા ભાજપ છોડ્યું હતું

ઉલ્લેખનીય છે કે મહેશ વસાવાએ લગભગ 9 મહિના પહેલાં જ ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલને પોતાનું રાજીનામું મોકલી દીધું હતું. જોકે, તે સમયે તેઓ કોઈ પાર્ટીમાં જોડાયા નહોતા. હવે જાહેર રીતે કોંગ્રેસમાં જોડાતા તેમની રાજકીય દિશા સ્પષ્ટ બની છે. મહેશ વસાવા ડેડીયાપાડા વિધાનસભા બેઠક પરથી વર્ષ 2012 અને 2017માં ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા અને તેઓ લાંબા સમયથી આદિવાસી રાજકારણમાં સક્રિય રહ્યા છે.

છોટુ વસાવાના પુત્ર

મહેશ વસાવા પ્રખ્યાત આદિવાસી નેતા છોટુ વસાવાના પુત્ર છે. છોટુ વસાવાએ વર્ષોથી ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં મજબૂત રાજકીય પ્રભાવ જાળવી રાખ્યો છે અને રાજકારણ મહેશ વસાવાને વારસામાં મળ્યું હોવાનું માનવામાં આવે છે. જોકે, વર્ષ 2024માં મહેશ વસાવાએ BTP છોડીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાનો નિર્ણય લીધો હતો. તે સમયે ગાંધીનગર સ્થિત કમલમ ખાતે 500થી વધુ કાર્યકરો સાથે તેમણે BJPમાં પ્રવેશ કર્યો હતો, જે તેમના પિતા છોટુ વસાવાની રાજકીય લાઇનથી વિપરીત નિર્ણય માનવામાં આવ્યો હતો.

પંજો પકડી નવી રાજકીય ઇનિંગ શરૂ કરી

BJPમાં જોડાયા બાદ એક વર્ષ પણ પૂરું થાય તે પહેલાં જ મહેશ વસાવાએ પાર્ટીની વિચારધારા અને કામકાજની શૈલીથી અસંતોષ વ્યક્ત કર્યો હતો અને અંતે રાજીનામું આપી દીધું હતું. હવે તેમણે કોંગ્રેસ પાર્ટીનો પંજો પકડી નવી રાજકીય ઇનિંગ શરૂ કરી છે. મહેશ વસાવાના આ પગલાંથી દક્ષિણ ગુજરાત અને આદિવાસી વિસ્તારોના રાજકારણમાં નવી ચર્ચા અને ગતિવિધિ શરૂ થઈ છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now