ઉત્તરપ્રદેશની પાવનભૂમિમા 45 દિવસ માટે મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું છે. 13 જાન્યુઆરી એટલે કે પોષ પૂર્ણિમાએ પંચ દશનામ અખાડાના નાગા સાધુઓના અમૃત સ્નાન સાથે કુંભની શરૂઆત થઈ. તે બાદ બીજા દિવસે જ મકરસક્રાંતિ પર્વ પર બીજુ સ્નાન યોજાયું. લાખો સાધુ-સંતો અને કરોડો શ્રદ્ધાળુઓએ સંગમમાં ત્રિવેણી ઘાટ પર આસ્થાની ડૂબકી લગાવી. આમ તો મહાકુંભમાં 6 અમૃત સ્નાનનું સવિશેષ મહત્વ હોય છે, પરંતુ કરોડો દર્શનાર્થીઓનો ધસારો રહેવાના કારણે ત્રિવેણી ઘાટ પર દરરોજ સ્નાન થાય છે. દર્શનાર્થીઓ આ દિવસોમાં કરેલા સ્નાન પર પણ અમૃત સ્નાન કર્યાની અનુભૂતિ કરે છે. શું નેતાઓ અને શું સામાન્ય જનતા... કુંભના રંગે તો દેશવાસીઓ રંગાયા છે.
થોડા દિવસ અગાઉ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સંગમ ત્રિવેણી ઘાટ પર સ્નાન કર્યું. તે બાદ યૂપીના પૂર્વ મુખ્યમંત્રી અને સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવે પણ ડૂબકી લગાવી હતી. હવે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ કુંભની મુલાકાત લઈને સ્નાન કર્યું, અને અમૃત સ્નાનની દિવ્ય અનુભૂતિ મેળવી. અમિત શાહની સાથે યોગી આદિત્યનાથ, યોગગુરુ બાબા રામદવે અને અન્ય સંતો પણ ઉપસ્થિત રહે છે...
એકતરફ જ્યા ઉત્તર પ્રદેશમાં ગૃહમંત્રી અમિત શાહ પરિવાર સાથે કુંભમાં સામેલ થાય છે, સંગમમાં ડૂબકી લગાવે છે. ત્યા મધ્ય પ્રદેશના મહૂમાં આયોજિત સંવિધાન રેલીમાં મલ્લિકાર્જુન ખડગે એક નિવેદન આપે છે. જે બાદ વિવાદોનો મધપૂડો છંછેડાય છે. ખડગે કોઈનું નામ લીધા વિના ભાજપ પર પ્રહાર કરતા કહે છે કે-
ગંગામાં ડૂબકી લગાવવાથી ગરીબી દૂર નહીં થાય, અને ભાજપના નેતાઓ ફોટોશૂટ માટે વારંવાર ડૂબકી લગાવે છે.
મલ્લિકાર્જુન ખડગે, રાષ્ટ્રીય અધ્યક્ષ, કોંગ્રેસ
મલ્લિકાર્જુન ખડગેના આ નિવેદન બાદ ભાજપ નેતાઓએ પલટવાર કર્યો છે. ભાજપના રાષ્ટ્રીય પ્રવકતા સંબિત પાત્રાએ કહ્યું કે- મહાકુંભ કરોડો વર્ષોથી આસ્થાનું પ્રતિક છે. કોંગ્રેસ આસ્થાનો મજાક બનાવી રહી છે. સંબિત પાત્રાએ મલ્લિકાર્જુન ખડગેને પડકાર આપતા કહ્યું કે- રાહુલ, પ્રિયંકા અને તમારામાં હિંમત હોય તો અન્ય ધર્મ પર ટીપ્પણી કરી બતાવો.
મહત્વનું છે કે મલ્લિકાર્જુન ખડગેએ આ નિવેદન આપ્યું તે સમયે પોતાના નિવેદન પર માફી પણ માગી હતી... કદાચ તેઓ એ વાતથી વાકેફ હશે કે તેમના આ નિવેદન પર રાજનીતિ થવાની જ છે..





