ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં આયોજિત મહાકુંભની વાતો જ દરેક દેશવાસીઓના મોઢે સાંભળવા મળી રહી છે. અત્યાર સુધી 45 કરોડથી વધુ દર્શનાર્થીઓએ પવિત્ર સ્નાન કરી લીધુ છે. હજી પણ કરોડો શ્રદ્ધાળુઓ દર્શન માટે આવી શકે છે. આ અગાઉ વર્ષ 2013માં પૂર્ણકુંભનું આયોજન કરાયુ હતું. તે સમયે સોશિયલ મીડિયાનું એટલો ક્રેઝ નહોંતો, મહદ અંશે સાધુ- સંતો અને સિનિયર સિટીઝનોમાં કુંભ જોવા માટેનો ઉત્સાહ વધારે રહેતો હતો. પરંતુ હવે સમય બદલાયો છે, ખૂબ જ મોટી સંખ્યામાં યુવાનો કુંભ જઈ રહ્યા છે અને સંગમમાં ડૂબકી લગાવીને પુણ્યનું ભાથુ મેળવી રહ્યા છે.
13 જાન્યુઆરીથી શરૂ થયેલો મહાકુંભ 26 ફેબ્રુઆરી મહાશિવરાત્રિ સુધી ચાલવાનો છે, દેશના ખૂણે ખૂણેથી ભકતો ઉમટી રહ્યા છે. ગુજરાતમાંથી પણ મોટી સંખ્યામાં લોકો કુંભની મુલાકાત લઈ રહ્યા છે... ગુજરાત સરકારે પણ પ્રયાગરાજ સુધી ST વોલ્વોબસો દોડાવી છે, તે માટે એડવાન્સ રજીસ્ટ્રેશન શરૂ કરવામાં આવ્યા હતા... તે સિવાય લાખો શ્રદ્ધાળુઓ ટ્રેનથી મુલાકાત લઈ રહ્યા છે, તો હજારો શ્રદ્ધાળુઓ રોડ મારફતે પ્રયાગરાજ પહોંચી રહ્યા છે.
જો તમે મહાકુંભની મુલાકાત લેવાના છો, તો ગુજરાત સરકારના માહિતી વિભાગે કેટલીક ગાઈડલાઈન્સ અને સૂચનો જાહેર કર્યા છે, તેનું ચોક્કસથી પાલન કરજો. ત્યારે નીચે કેટલાક સૂચનો છે, તેનું પાલન કરવાથી તમારી યાત્રા શાંતિમય રીતે પસાર થશે.
મહાકુંભની મુલાકાત લેવાના હોય તો આ બાબતોનું ધ્યાન રાખજો
1. 10થી 15 કિલોમીટર ચાલવાની તૈયારી રાખો
2. ગરમ કપડા સાથે રાખવા તેમજ ટોપી અને કાનમાં નાખવાના રૂ પણ રાખવા
3. જો રોડ મારફતે કુંભમાં જવાના હોવ તો વાહનમાં જરૂરી નાસ્તા-તેમજ પર્યાપ્ત પાણી રાખવું
4. આધારકાર્ડની ઝેરોક્ષ, સરનામું હોય તેવા આઈ ડી કાર્ડ અને ઘરના સભ્યનો ઈમરજન્સી નંબર
5. જરૂરી દવાઓ,પાવરબેન્ક, ટોર્ચ અને મીણબતી સાથે રાખવી
6. સંગમ ઘાટમાં જ સ્નાન કરવાની જીદ્દ ના રાખો, અન્ય ઘાટ પર સ્નાન કરી લેવું
7. પાર્કિંગથી પ્રયાગરાજ માટે ઈ-રક્ષા, બાઈક અને બસની વ્યવસ્થા યૂપી સરકારે કરી છે
8. ઘાટ પર સ્વચ્છતા જાળવવાની રહેશે, જ્યા ત્યા કચરો નાખવો નહીં
9. યૂપી સરકારે નિયત કરેલા માર્ગ અને વોક વેમાં ચાલવું, બેરિકેડ ઓળંગવા નહીં
10. રસ્તા કે ફૂટપાથની આસપાસ બેસવા કે સૂવાનું ટાળવું
11. સ્વજનો ગુમ થયાની સ્થિતિમાં ખોયાપાયા સેન્ટરનો સંપર્ક કરવો, જે દરેક સેકટરમાં કાર્યરત છે.





