Car maintenance : ઘણીવાર આપણે જોઈએ છીએ કે નવી નક્કોર ગાડી પણ થોડા સમય પછી અચાનક 'દમ તોડવા' લાગે છે. પિકઅપ ઓછું થઈ જાય, એન્જિનમાંથી અવાજ આવે કે, માઇલેજ અડધું થઈ જાય. આવા સમયે આપણે ગભરાઈને વર્કશોપ પહોંચીએ છીએ અને મિકેનિક મોટું લિસ્ટ પકડાવી દે છે. પરંતુ મોટાભાગના કિસ્સામાં સમસ્યા કોઈ મોટી મશીનરીમાં નહીં, પણ એન્જિનમાં લાગેલા એક નાના 'MAF સેન્સર' માં છુપાયેલી હોય છે. જો તમે આ સેન્સર વિશે જાણી લો, તો તમે માત્ર તમારી ગાડીની લાઇફ જ નહીં, પણ તમારા ખિસ્સાના હજારો રૂપિયા પણ બચાવી શકો છો.
MAF સેન્સર શું છે અને તે કેવી રીતે કામ કરે છે?
MAF એટલે કે Mass Air Flow સેન્સર. આ સેન્સર એર ફિલ્ટર અને એન્જિનના ઇનલેટ મેનીફોલ્ડની વચ્ચે આવેલું હોય છે. તેનું મુખ્ય કામ એન્જિનમાં પ્રવેશતી હવાની માત્રા અને તેની ઘનતાને સતત માપવાનું છે. તમને જણાવી દઈએ કે, એન્જિનમાં પાવર જનરેટ કરવા માટે હવા અને ફ્યુઅલ (પેટ્રોલ કે ડીઝલ) નું કોમ્બિનેશન સળગવું જરૂરી છે. જો હવા ઓછી હોય તો ફ્યુઅલ બરાબર બળતું નથી, અને જો હવા વધારે હોય તો એન્જિન ગરમ થઈ શકે છે. MAF સેન્સર આ હવાનું સચોટ માપ ગાડીના મગજ એટલે કે ECU (Electronic Control Unit) ને મોકલે છે. ત્યારબાદ ECU નક્કી કરે છે કે, તે હવાની માત્રા મુજબ કેટલું ફ્યુઅલ ઇન્જેક્ટ કરવું જોઈએ. આ સંતુલન જ ગાડીને સ્મૂધ બનાવે છે.
સેન્સર કેવી રીતે ગંદુ થાય છે અને તેની શું અસર થાય છે?
સમસ્યા ત્યારે શરૂ થાય છે જ્યારે આ નાજુક સેન્સર પર બહારની ધૂળ, ઝીણી માટી અથવા એન્જિનનો તેલયુક્ત કાર્બન જામી જાય છે. જ્યારે આપણે પ્રદૂષણવાળા કે ધૂળિયા રસ્તા પર ગાડી ચલાવીએ છીએ, ત્યારે એર ફિલ્ટરમાંથી પસાર થતાં નાના કણો સેન્સરના વાયર પર ચોંટી જાય છે. ગંદુ સેન્સર ECU ને ખોટા સિગ્નલ મોકલવાનું શરૂ કરે છે. ઉદાહરણ તરીકે, જો એન્જિનમાં 10 લિટર હવા જતી હોય અને સેન્સર ગંદકીને કારણે માત્ર 5 લિટર જ બતાવે, તો ECU ઓછું ફ્યુઅલ મોકલશે, જેનાથી એન્જિનમાં પાવર નહીં બને. આનાથી વિપરીત સ્થિતિમાં, એન્જિન વધારે પડતું ફ્યુઅલ વાપરવા લાગે છે.
આ લક્ષણો દેખાય તો તરત ચેતજો
જો તમારી ગાડીમાં નીચે મુજબના ફેરફાર દેખાય, તો 90% શક્યતા છે કે, MAF સેન્સર ગંદુ છે:
એક્ઝોસ્ટમાંથી કાળો ધુમાડો : જ્યારે એન્જિન જરૂરત કરતાં વધારે ફ્યુઅલ બાળે છે, ત્યારે તે બરાબર સળગતું નથી અને પરિણામે સાયલેન્સરમાંથી ઘટ્ટ કાળો ધુમાડો નીકળે છે.
પિકઅપમાં નોંધપાત્ર ઘટાડો : તમે એક્સિલરેટર પૂરેપૂરું દબાવો છતાં ગાડી પહેલાની જેમ ઝડપ પકડતી નથી. એવું લાગે જાણે એન્જિન પર કોઈ ભારે વજન લદાયેલું હોય.
માઇલેજમાં અચાનક ઘટાડો : જો તમારી ગાડીની એવરેજ અચાનક જ 20-30% ઘટી ગઈ હોય, તો તે ખોટા ફ્યુઅલ ઇન્જેક્શનને કારણે હોઈ શકે છે.
ડેશબોર્ડ પર 'Check Engine' લાઇટ : આ સૌથી પહેલો અને મહત્વનો સંકેત છે. ECU જ્યારે જુએ છે કે, સેન્સરનો ડેટા મેચ થતો નથી, ત્યારે તે આ લાઇટ ચાલુ કરીને ડ્રાઇવરને ચેતવે છે.
એન્જિન વારંવાર બંધ થઈ જવું : ગાડી ઊભી હોય ત્યારે એન્જિનમાં ધ્રુજારી અનુભવાય અથવા લો ગિયરમાં ગાડી અચાનક બંધ થઈ જાય તે પણ ગંદા સેન્સરનું લક્ષણ છે.
નિવારણ અને જાળવણી : શું કરવું જોઈએ?
MAF સેન્સરને સાચવવું ખૂબ સરળ છે. સૌથી પહેલા, તમારી ગાડીનું એર ફિલ્ટર હંમેશા ક્લીન રાખવું જોઈએ. જો એર ફિલ્ટર ગંદુ હશે તો સેન્સર પણ જલ્દી ગંદુ થશે. બીજું, દર 20,000 થી 30,000 કિલોમીટરે MAF સેન્સરને સ્પેશિયલ 'MAF સેન્સર ક્લીનર' સ્પ્રેથી સાફ કરાવવું જોઈએ. યાદ રાખો કે, આ સેન્સર ખૂબ જ નાજુક હોય છે, તેથી તેને ક્યારેય કપડા કે બ્રશથી ઘસવું જોઈએ નહીં. માત્ર સ્પ્રે કરીને તેને કુદરતી રીતે સુકાવા દેવું જોઈએ.





