Home Gujarat Ahmedabad Local Body Elections 2026 Picture Clear 10 Thousand Seats Today Congress Candidates Underground

ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી : 10 હજાર બેઠકો પર આજે ચિત્ર થશે સ્પષ્ટ, 'ખેલ' પડવાના ડરે કોંગ્રેસના ઉમેદવારો અંડરગ્રાઉન્ડ

Local body elections 2026
Published by: Nirali Gohil
Last Updated: Apr 15, 2026, 05:31 AM IST

Gujarat Local Polls: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ હવે નિર્ણાયક તબક્કે પહોંચ્યો છે. રાજ્યની 15 મહાનગરપાલિકા, 34 જિલ્લા પંચાયત, 84 નગરપાલિકા અને 260 તાલુકા પંચાયતની આશરે 10 હજાર જેટલી બેઠકો માટે આજે 15 એપ્રિલ, ફોર્મ ખેંચવાનો છેલ્લો દિવસ છે. આજે બપોર બાદ ચિત્ર સ્પષ્ટ થઈ જશે કે મેદાનમાં કેટલા મુરતિયાઓ બાકી રહ્યા છે. જોકે, આ અંતિમ ઘડીએ કોઈ રાજકીય ઉલટફેર ન થાય તે માટે કોંગ્રેસે અત્યંત સાવધ વલણ અપનાવ્યું છે. ભાજપ દ્વારા ઉમેદવારોને તોડવાના કે ફોર્મ પરત ખેંચાવવાના ડરને કારણે કોંગ્રેસે તેના મોટાભાગના ઉમેદવારોને સુરક્ષિત અને ગુપ્ત સ્થળે ખસેડી દીધા છે.

રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે ભાજપ વધુમાં વધુ બેઠકો બિનહરીફ કરવાના પ્રયાસો કરી રહ્યું છે, જેના જવાબમાં કોંગ્રેસે પોતાના સભ્યોના ફોન સ્વીચ ઓફ કરાવી 'વાડાબંધી' શરૂ કરી દીધી છે. ગઈકાલથી જ અનેક જિલ્લાઓમાં ઉમેદવારો સંપર્ક વિહોણા બનતા રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. પ્રદેશ નેતૃત્વના આદેશ બાદ ઉમેદવારોને હોટલો કે ખાનગી ફાર્મ હાઉસ પર રાખવામાં આવ્યા હોવાની અટકળો તેજ બની છે.

ભાજપ પર 30 લાખની લાલચ અને ધાકધમકીના આક્ષેપો

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અમિત ચાવડાએ ભાજપ પર ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું છે કે, સત્તાધારી પક્ષ કોંગ્રેસના ઉમેદવારોને રૂ. 20થી 30 લાખની લાલચ આપીને ખરીદવાનો પ્રયાસ કરી રહ્યો છે. તેમણે વધુમાં આરોપ લગાવ્યો કે, ઉમરગામના ચૂંટણી અધિકારીના આપઘાત પાછળ પણ ભાજપના નેતાઓ દ્વારા ફોર્મ રદ કરાવવા માટે કરાયેલું દબાણ જવાબદાર છે. કોંગ્રેસના મતે, ભાજપ લોકશાહીના મૂલ્યોને બાજુ પર મૂકીને માત્ર સત્તા મેળવવા માટે કોઈપણ હદ સુધી જવા તૈયાર છે.

આ પણ વાંચો: અમદાવાદમાં નકલી ચલણી નોટોના મોટા રેકેટનો પર્દાફાશ : ક્રાઇમ બ્રાન્ચે ગેંગને ઝડપી પાડી, લાખો રૂપિયાની નકલી કરન્સી જપ્ત

વડોદરાના વોર્ડ-11માં સસ્પેન્સ: કનુભાઈ પ્રજાપતિ ગાયબ

વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નંબર 11માં રસાકસીભરી સ્થિતિ સર્જાઈ છે. શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોષીના જણાવ્યા અનુસાર, તેમના ઉમેદવાર કનુભાઈ પ્રજાપતિ છેલ્લા કેટલાક સમયથી સંપર્ક વિહોણા છે. કોંગ્રેસને ડર છે કે ભાજપના ઉમેદવાર ઉપેન્દ્ર પ્રજાપતિને બિનહરીફ કરવા માટે કનુભાઈ પર દબાણ લાવવામાં આવી રહ્યું છે. વડોદરામાં અન્ય વોર્ડના ઉમેદવારોને પણ ધાકધમકી મળતી હોવાની ફરિયાદો ઉઠી છે, જેના પગલે તેમને સલામત સ્થળે ખસેડવાની તજવીજ હાથ ધરાઈ છે.

ધનકુબેર ઉમેદવારો અને જ્ઞાતિનું સમીકરણ

વડોદરામાં જે બેઠક પર વિવાદ ચાલી રહ્યો છે ત્યાં ભાજપના ઉમેદવાર ઉપેન્દ્ર ઉર્ફે વિષ્ણુ પ્રજાપતિના પિતા દલસુખ પ્રજાપતિ પાસે ગુજરાતમાં સૌથી વધુ જમીન હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આ આર્થિક શક્તિના જોરે ભાજપ ચૂંટણી જીતવા મથી રહ્યું હોવાનો આક્ષેપ કોંગ્રેસ કરી રહી છે. સામે પક્ષે કોંગ્રેસના ઉમેદવાર પણ તે જ જ્ઞાતિના હોવાથી સામાજિક દબાણ લાવવાના નુસખા પણ અજમાવાઈ રહ્યા છે. જો આજે કનુભાઈ ફોર્મ પરત ખેંચશે તો ભાજપના ઉમેદવાર માટે બિનહરીફ થવાનો માર્ગ મોકળો થઈ શકે છે.

આ પણ વાંચો: ગોધરા રાયોટિંગ કેસમાં મુખ્ય આરોપીની પોલીસે કરી 'ટાંટિયાતોડ સર્વિસ'! : ઘરે પોલીસની તપાસ, જાણો શું છે સમગ્ર મામલો

26 એપ્રિલે મતદાન: ત્રિપાંખિયો જંગ જામશે?

આજે ફોર્મ ખેંચવાની સમયમર્યાદા પૂર્ણ થયા બાદ જે ઉમેદવારો મેદાનમાં રહેશે, તેમના ભાગ્યનો ફેંસલો આગામી 26 એપ્રિલે જનતા કરશે. આ વખતે ભાજપ અને કોંગ્રેસની સાથે આમ આદમી પાર્ટી (AAP) પણ જોરશોરથી મેદાનમાં હોવાથી અનેક બેઠકો પર ત્રિપાંખિયો જંગ જોવા મળી શકે છે. ચૂંટણી પંચ દ્વારા પણ મતદાનની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે અને આજે સાંજ સુધીમાં આખરી ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now