સુરત: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના રણમેદાનમાં કયા પક્ષનો વિજય થશે અને કોની હાર, તેનો આજે મંગળવારે અંતિમ નિર્ણય થવા જઈ રહ્યો છે. રાજ્યભરની 15 મહાનગરપાલિકાઓ, 84 નગરપાલિકાઓ, 34 જિલ્લા પંચાયતો અને 260 તાલુકા પંચાયતોની ચૂંટણી માટે યોજાયેલા મતદાન બાદ આજે સવારથી જ મતગણતરી કેન્દ્રો પર ભારે ચહલપહલ જોવા મળી રહી છે. સવારે 9 વાગ્યાથી સત્તાવાર રીતે મતગણતરી શરૂ કરી દેવામાં આવી છે અને બપોર સુધીમાં રાજ્યનું સ્થાનિક રાજકીય ચિત્ર સ્પષ્ટ થઈ જવાની પૂરેપૂરી શક્યતા છે.
આ ચૂંટણીમાં રાજ્યભરમાં કુલ 10 હજારથી વધુ બેઠકો માટે જંગ જામ્યો હતો. જે પૈકી 738 બેઠકો પર અગાઉથી જ ઉમેદવારો બિનહરીફ જાહેર થઈ ચૂક્યા છે, જ્યારે બાકીની બેઠકો માટે આજે ઈવીએમ (EVM) ના સીલ ખુલતાની સાથે જ ઉમેદવારોના હૃદયના ધબકારા વધી ગયા છે. સુરત શહેર અને જિલ્લામાં ખાસ કરીને ત્રિપાંખિયો જંગ જોવા મળી રહ્યો છે, ત્યારે સૌની નજર સુરતના પરિણામો પર ટકી છે.

સુરતમાં 1308 ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ
સુરત શહેર અને જિલ્લાની વાત કરીએ તો અહીં કુલ 1308 ઉમેદવારો મેદાનમાં છે. જેમાં સુરત મહાનગરપાલિકાના 30 વોર્ડ માટે 483 ઉમેદવારોનું નસીબ આજે નક્કી થશે. આ ઉપરાંત જિલ્લાની ચાર મહત્વની નગરપાલિકાઓ જેવી કે બારડોલી, કડોદરા, માંડવી અને તરસાડીમાં 224 ઉમેદવારો વચ્ચે સ્પર્ધા છે. ગ્રામીણ વિસ્તારોમાં જિલ્લા પંચાયતની 32 બેઠકો માટે 88 ઉમેદવારો અને તાલુકા પંચાયતની વિવિધ બેઠકો માટે 513 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. આ પરિણામો માત્ર સ્થાનિક સત્તા જ નહીં, પરંતુ આગામી વિધાનસભા ચૂંટણી માટે પણ પક્ષોનો પાયો મજબૂત કરશે.
આ પણ વાંચો: રાજ્યની આ 3 બેઠકો પર ફરીથી ચૂંટણી થશે! : જાણો ક્યાં અને શા કારણોસર રદ થઈ હતી ચૂંટણી? જુઓ આખું શેડ્યૂલ
સુરતમાં ક્યાં થશે મતગણતરી? જાણો વ્યવસ્થા
સુરત મહાનગરપાલિકાની મતગણતરી માટે મજૂરા ગેટ સ્થિત ગાંધી એન્જિનિયરિંગ કોલેજ ખાતે મજબૂત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. સમગ્ર કેન્દ્રને સીસીટીવી કેમેરા અને પોલીસ સુરક્ષાથી સજ્જ કરવામાં આવ્યું છે. તે જ રીતે જિલ્લા અને તાલુકા પંચાયત માટે ચોર્યાસી, ઓલપાડ, કામરેજ, પલસાણા, બારડોલી, મહુવા, માંડવી, માંગરોળ અને ઉમરપાડાના નિર્ધારિત કેન્દ્રો પર ગણતરી હાથ ધરવામાં આવી રહી છે. દરેક રાઉન્ડના અંતે સત્તાવાર આંકડાઓ જાહેર કરવામાં આવશે.

રાજકીય સમીકરણોમાં ફેરફારની આશંકા
સ્થાનિક સ્વરાજ્યની આ ચૂંટણીના પરિણામો રાજ્યના રાજકારણમાં મોટા ફેરફારો લાવી શકે છે. શહેરી વિસ્તારોમાં ભાજપનો ગઢ જળવાય છે કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (AAP) ગાબડું પાડે છે તે જોવું રસપ્રદ રહેશે. બીજી તરફ, ગ્રામીણ વિસ્તારોમાં જિલ્લા અને તાલુકા પંચાયતના પરિણામો પરથી ખેડૂતો અને ગ્રામીણ મતદારોનો ઝુકાવ કઈ તરફ છે તેનો અંદાજ આવશે. મતદાન બાદ સીલ કરવામાં આવેલા EVM માંથી આજે વિજયનો ગુલાલ કોણ ઉડાડશે તે જાણવા માટે લોકોમાં ભારે ઉત્સુકતા છે.





