Home Gujarat Liquor Party Was Held On A Rooftop In Alkapuri Vadodara Police Raided It And Arrested 8 People

રંગમાં ભંગ : ધાબા પર જામી હતી દારૂની મહેફિલ, પોલીસ ત્રાટકતા 8 નબીરા ઝડપાયા

રંગમાં ભંગ
Published by: OBS Bureau
Last Updated: Jan 31, 2026, 10:35 AM IST

વડોદરાના પોશ ગણાતા અલકાપુરી વિસ્તારમાં મોડી રાત્રે કાયદાના લીરેલીરા ઉડાડતી એક ઘટના સામે આવી છે. શહેરના 'હાઈ-પ્રોફાઈલ' ગણાતા આ વિસ્તારમાં એક બિલ્ડિંગના ધાબા પર દારૂની મહેફિલ જામી હતી, જ્યાં નબીરાઓ સંગીત અને શરાબના નશામાં ચૂર હતા. જોકે, અકોટા પોલીસની ટીમ બાતમીના આધારે ત્રાટકતા આ નબીરાઓનો નશો પળવારમાં ઉતરી ગયો હતો. શાંત ગણાતા રહેણાંક વિસ્તારમાં કાયદાનો ડર રાખ્યા વગર જાહેરમાં દારૂ પીતા 8 શખ્સોને પોલીસે રંગેહાથ ઝડપી પાડ્યા છે. આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે પોશ વિસ્તારોમાં 'સભ્ય' દેખાતા લોકો પણ કાયદાની અવગણના કરવામાં પાછળ નથી.

ગોલ્ડ ક્રાફટ કોમ્પ્લેક્સના ધાબા પર જામી હતી મહેફિલ

અકોટા પોલીસ સ્ટેશનની ટીમ જ્યારે રાત્રિ પેટ્રોલિંગમાં હતી ત્યારે કંટ્રોલ રૂમ દ્વારા ચોક્કસ માહિતી મળી હતી કે અલકાપુરીની વિશ્વાસ કોલોનીમાં આવેલા 'ગોલ્ડ ક્રાફટ કોમ્પ્લેક્સ' ના ધાબા પર દારૂની મહેફિલ ચાલી રહી છે. રાત્રે અંદાજે 12 વાગ્યાના સુમારે પોલીસે જ્યારે બિલ્ડિંગના ધાબા પર દરોડો પાડ્યો ત્યારે આઠ શખ્સો ગોળ કુંડાળું વળીને પ્લાસ્ટિકના ગ્લાસમાં શરાબની ચુસ્કીઓ લઈ રહ્યા હતા. પોલીસને અચાનક સામે જોઈને નબીરાઓમાં નાસભાગ મચી ગઈ હતી, પરંતુ પોલીસે કોઈને છટકવાની તક આપી નહોતી.

દારૂની બોટલ અને ચાખના સાથે 8 નબીરા ઝડપાયા

પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની બોટલ, ખાદ્ય સામગ્રી (ચાખના) અને દારૂ ભરેલા 8 પ્લાસ્ટિકના ગ્લાસ કબજે કર્યા છે. આ કાર્યવાહી દરમિયાન ઝડપાયેલા યુવાનો શહેરના જાણીતા વિસ્તારોના રહેવાસી હોવાનું બહાર આવ્યું છે. પકડાયેલા શખ્સોમાં દીવાળીપુરા, ભાયલી રોડ, તાંદળજા, તરસાલી, વડસર અને આજવા રોડ સહિત અમદાવાદ અને વાઘોડિયાના યુવાનોનો પણ સમાવેશ થાય છે. આ તમામ સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

પોશ વિસ્તારમાં કાયદાના ઉલ્લંઘનથી સ્થાનિકોમાં રોષ

અલકાપુરી જેવા વીઆઈપી વિસ્તારમાં રહેણાંક બિલ્ડિંગના ધાબા પર આ રીતે દારૂની પાર્ટી થતા સ્થાનિકોમાં પણ આશ્ચર્ય અને રોષ જોવા મળ્યો હતો. બિલ્ડિંગની સુરક્ષા વ્યવસ્થા હોવા છતાં આ નબીરાઓ કેવી રીતે ધાબા સુધી પહોંચ્યા તે પણ તપાસનો વિષય છે. અકોટા પોલીસે સ્પષ્ટ કર્યું છે કે શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે આવા અસામાજિક તત્વો સામે કોઈપણ પ્રકારની ઢીલાશ રાખવામાં આવશે નહીં.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now