After France This Countries in line : વિશ્વમાં અત્યારે ડિજિટલ સ્વાયત્તતા એટલે કે, પોતાની ટેકનોલોજી પર પોતાનું નિયંત્રણ રાખવાનો ટ્રેન્ડ ઝડપથી વધી રહ્યો છે. ફ્રાન્સ સરકારે હાલમાં લીધેલા એક ક્રાંતિકારી નિર્ણયથી અમેરિકાની મોટી ટેક કંપનીઓને મોટો ફટકો પડવાની શક્યતા છે. ફ્રાન્સ હવે તેની સરકારી સિસ્ટમમાં Microsoft Windows ને બદલે ઓપન-સોર્સ Linux ઓપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું છે. આ નિર્ણય બાદ હવે વિયેતનામ, બ્રાઝિલ અને સાઉથ આફ્રિકા જેવા દેશો પણ આ દિશામાં આગળ વધી રહ્યા છે.
ફ્રાન્સનો વિન્ડોઝ છોડવાનો નિર્ણય
ફ્રાન્સના મંત્રી ડેવિડ એમિયલે જણાવ્યું હતું કે, આ પરિવર્તન ફ્રાન્સના ડિજિટલ ભવિષ્ય પર ફરીથી નિયંત્રણ મેળવવા અને અમેરિકન ટેક કંપનીઓ પરની નિર્ભરતા ઘટાડવાનો એક પ્રયાસ છે. ટ્રેડ-વોર અને અમેરિકામાં રાજકીય અસ્થિરતાને જોતાં ફ્રાન્સ હવે પોતાનો ડેટા અને ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુરક્ષિત રાખવા માંગે છે.
યુરોપિયન રસ્તે ફ્રાન્સ
ફ્રાન્સનો આ નિર્ણય યુરોપિયન યુનિયનના વલણને અનુસરે છે. યુરોપિયન કમિશને પણ વિદેશી ટેક પ્રોવાઇડર્સ પરની નિર્ભરતા ઘટાડવાની હિમાયત કરી છે. અગાઉ ફ્રાન્સે Microsoft Teams ને બદલે તેનું પોતાનું ઓપન-સોર્સ ટૂલ 'Visio' અપનાવવાની જાહેરાત કરી હતી. હવે તેઓ ઓપરેટિંગ સિસ્ટમમાં પણ મોટો ફેરફાર કરી રહ્યા છે.
વિયેતનામ : ઉભરતું ટેક પાવરહાઉસ
વિયેતનામ હાલમાં ટેકનોલોજી ક્ષેત્રે ખૂબ જ ઝડપથી પ્રગતિ કરી રહ્યું છે. ત્યાંની સરકાર પોતાની સિસ્ટમોને Linux પર શિફ્ટ કરવાની યોજના બનાવી રહી છે. વિયેતનામ પોતાની સ્થાનિક ટેલેન્ટનો ઉપયોગ કરીને પોતાના જ એપ્સ અને ક્લાઉડ પ્લેટફોર્મ વિકસાવવા પર ધ્યાન આપી રહ્યું છે.
સાઉથ આફ્રિકા : ખર્ચ ઘટાડવાનો લક્ષ્યાંક
સાઉથ આફ્રિકા માટે Linux તરફ વળવાનું મુખ્ય કારણ ખર્ચ અને એક્સેસિબિલિટી છે. મોંઘા વિદેશી સોફ્ટવેર લાયસન્સ ખરીદવાને બદલે ઓપન-સોર્સ ટેકનોલોજી અપનાવીને તેઓ શિક્ષણ અને સરકારી ક્ષેત્રમાં ટેકનોલોજીને સસ્તી બનાવવા માંગે છે. જોકે, ત્યાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કેટલાક પડકારો હજુ પણ છે.
બ્રાઝિલ : આત્મનિર્ભરતા તરફ પ્રયાણ
બ્રાઝિલ પણ ધીમે ધીમે ઓપન-સોર્સ સોફ્ટવેર તરફ આગળ વધી રહ્યું છે. ડેટા સોવરનેટી એટલે કે, દેશનો ડેટા દેશની અંદર જ રહે તે માટે બ્રાઝિલ પોતાના ડેટા સેન્ટર્સ અને સરકારી ક્લાઉડ સેવાઓ પર કામ કરી રહ્યું છે. બ્રાઝિલનો મુખ્ય હેતુ વિદેશી લાયસન્સના ખર્ચમાં ઘટાડો કરવાનો અને સ્થાનિક IT ક્ષેત્રને મજબૂત બનાવવાનો છે.





