આજકાલ પાકિસ્તાનમાં આતંકવાદીઓમાં ડરનો માહોલ છે. આનું કારણ છે કે અજાણ્યા હુમલાખોરોએક પછી એક આતંકવાદીઓને નિશાન બનાવી રહ્યા છે. આ અજાણ્યા હુમલાખોરોએ આતંકવાદીઓમાં ભય પેદા કર્યો છે. તાજેતરમાં ભારતના વધુ એક દુશ્મનને ખતમ કરવામાં આવ્યો છે. આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા (એલઈટી) ની રાજકીય પાંખના વડા મૌલાના કાશિફ અલીની સોમવારે (17 ફેબ્રુઆરી, 2025) ગોળી મારીને હત્યા કરવામાં આવી.
આ ઘટના પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં બની છે. અજાણ્યા શખ્સોએ કાશિફ અલીના ઘર પર હુમલો કર્યો હતો. તે ભારતના મોસ્ટ વોન્ટેડ આતંકવાદી હાફિઝ સઈદનો સાળો હતો. મૌલાના કાશિફના સંબંધીઓએ જણાવ્યું હતું કે તેમને આ વિસ્તારમાં કોઈની સાથે કોઈ દુશ્મનાવટ નહોતી અને હત્યા પાછળનો હેતુ જાણી શકાયો નથી.
કાશીફ અલીનું હોસ્પિટલમાં અવસાન થયું.
પાકિસ્તાની મીડિયા અનુસાર જિલ્લા પોલીસ અધિકારી અઝહર ખાને જણાવ્યું હતું કે તથ્યોની ખાતરી કરવા માટે તપાસ ચાલી રહી છે. કાશિફની પત્નીએ FIR નોંધાવી છે. અજાણ્યા લોકો દ્વારા કરવામાં આવેલા ગોળીબારમાં તેનો પતિ ગંભીર રીતે ઘાયલ થયો હોવાનો આક્ષેપ છે. બાદમાં હોસ્પિટલમાં તેમનું મૃત્યુ થયું હતું, એમ તેમણે જણાવ્યું હતું.
લશ્કર-એ-તૈયબાને આગળ વધારવાનું કર્યું કામ
મૌલાના કાશિફ અલીએ પાકિસ્તાની રાજકારણમાં આ જૂથને કાયદેસર બનાવવાના ઉદ્દેશ્ય સાથે PMML દ્વારા લશ્કરની રાજકીય પ્રવૃત્તિઓને આગળ વધારવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. લશ્કર-એ-તૈયબાનું નામ 2008ના મુંબઈ હુમલા સહિત અનેક હાઈ-પ્રોફાઇલ આતંકવાદી હુમલામાં સામે આવ્યું છે. તેને ભારત અને અમેરિકા સહિત ઘણા દેશો દ્વારા આતંકવાદી સંગઠન જાહેર કરવામાં આવ્યું છે.





