Home Entertainment Kumkum Bhagya Fame Sanchita Ugale Case Anchal Khurana Big Revelations Tv Industry

‘સમાધાન નહીં કરો તો રિપ્લેસ કરી દેશે’ : 'કુમકુમ ભાગ્ય' ફેમ સંચિતા ઉગલેના મોત બાદ મોટો ખુલાસો! આ અભિનેત્રીએ ખોલ્યા ચોંકાવનારા રહસ્યો

Sanchita Ugale, Aanchal Khurana, TV Industry New
Image Credit: ai
Published by: Nirali Gohil
Last Updated: Jun 16, 2026, 10:23 AM IST

Entertainment News: ટીવી અને મનોરંજન જગત ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવ્યું છે. માત્ર 22 વર્ષની ઉંમરે અભિનેત્રી સંચિતા ઉગલેના મોતના બનાવે સમગ્ર ઇન્ડસ્ટ્રીને હચમચાવી દીધી છે. સંચિતાના અચાનક નિધન બાદ ટીવી ઇન્ડસ્ટ્રીની કાર્યપ્રણાલી, કલાકારો પરનું માનસિક દબાણ અને કામકાજના વાતાવરણને લઈને ગંભીર ચર્ચાઓ શરૂ થઈ છે. આ ઘટનાની વચ્ચે જાણીતી ટીવી અભિનેત્રી આંચલ ખુરાનાએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરીને ઇન્ડસ્ટ્રીના કેટલાક કડવા અનુભવો જાહેર કર્યા છે. તેમના નિવેદન બાદ ટીવી ઇન્ડસ્ટ્રીમાં કલાકારોને મળતી વર્તણૂક અને તેમના પર પડતા દબાણ અંગે ફરી એકવાર સવાલો ઊભા થયા છે.

આંચલ ખુરાનાએ ઇન્ડસ્ટ્રી પર લગાવ્યા ગંભીર આરોપ

ઇન્સ્ટાગ્રામ પર શેર કરાયેલા વીડિયોમાં આંચલ ખુરાનાએ કહ્યું કે, એક અભિનેતાના જીવનની પાછળની વાસ્તવિકતા ઘણી વખત લોકો સમજી શકતા નથી. ચેનલોને માત્ર ટી.આર.પી.ની ચિંતા હોય છે, પ્રોડ્યુસર્સ બજેટ બચાવવા માંગે છે અને દર્શકો મનોરંજન ઈચ્છે છે, પરંતુ કલાકાર કઈ પરિસ્થિતિમાંથી પસાર થાય છે તેની ચર્ચા બહુ ઓછી થાય છે. આંચલે દાવો કર્યો કે, ઘણી વખત નાની-નાની બાબતોમાં કલાકારોને કામમાંથી રિપ્લેશ કરી દેવામાં આવે છે. કોઈ સાથે મતભેદ થાય, પોતાની વાત રાખે અથવા આત્મસન્માન સાથે સમાધાન ન કરે તો પણ તેને રિપ્લેસમેન્ટનો સામનો કરવો પડે છે.

‘1000 રૂપિયા માટે પણ કલાકારોને રિજેક્ટ કરવામાં આવે છે’

આંચલ ખુરાનાએ પોતાના અનુભવનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે, ઇન્ડસ્ટ્રીમાં ક્યારેક પ્રતિભા કરતાં અન્ય બાબતોને વધુ મહત્વ આપવામાં આવે છે. તેમણે કહ્યું કે, એક સારો પર્ફોર્મર હોવા છતાં કલાકારોને ખૂબ નાની બાબતો માટે પણ રિજેક્ટ કરવામાં આવે છે. તેમણે એવો પણ આક્ષેપ કર્યો કે, કેટલાક લોકો સામે પોતાની શરતો પર ઊભા રહો અથવા અનુકૂળતા ન દાખવો તો તમને સરળતાથી કામમાંથી બહાર કરી દેવામાં આવે છે. તેમના આ નિવેદન બાદ સોશિયલ મીડિયા પર પણ ચર્ચા શરૂ થઈ છે.

આ પણ વાંચો: 'કુમકુમ ભાગ્ય' ફેમ સંચિતા ઉગલેનું અવસાન: 22 વર્ષની ઉંમરે દુનિયાને કહ્યું અલવિદા, 19 કલાક પહેલાં શેર કર્યો હતો વીડિયો

મુશ્કેલ સમયમાં પરિવારનો સહારો લેવાની સલાહ

વીડિયોમાં આંચલે ખાસ કરીને યુવા કલાકારોને સંદેશ આપતાં કહ્યું કે, જો જીવનમાં મુશ્કેલ સમય ચાલી રહ્યો હોય તો પોતાના પરિવાર અને નજીકના લોકોનો સહારો લેવો જોઈએ. તેમણે જણાવ્યું કે, તેઓ પોતે પણ ડિપ્રેશન અને માનસિક તણાવમાંથી પસાર થઈ ચૂક્યા છે અને આવા સમયે કામ કરતાં પરિવારનો સાથ વધુ મહત્વનો સાબિત થાય છે. તેમણે કલાકારોને કોઈપણ પરિસ્થિતિમાં એકલા ન પડી જવાની સલાહ આપી હતી.

સંચિતા ઉગલેનું અચાનક નિધન

ટીવી સિરિયલ ‘કુમકુમ ભાગ્ય’ અને ‘વાગલે કી દુનિયા’થી જાણીતી બનેલી સંચિતા ઉગલેનું રવિવારે રાત્રે નિધન થયું હતું. પોલીસના જણાવ્યા અનુસાર, તેનો મૃતદેહ ઘરના રૂમમાં સીલિંગ ફેન સાથે લટકતી હાલતમાં મળી આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં કોઈ સુસાઈડ નોટ મળી આવી નથી. પોલીસના જણાવ્યા મુજબ, ઘટનાસ્થળેથી કોઈ શંકાસ્પદ પુરાવા પણ મળ્યા નથી અને હાલ સમગ્ર મામલે તપાસ ચાલુ છે.

ઘટના સમયે ઘરમાં એકલી હતી અભિનેત્રી

માહિતી અનુસાર, સંચિતા પોતાના માતા-પિતા સાથે મહારાષ્ટ્રના પાલઘરમાં રહેતી હતી. ઘટનાના દિવસે તેમની બહેન ઘરની બહાર ગઈ હતી અને તે સમયે સંચિતા ઘરે એકલી હતી. થોડીવાર બાદ પરિવારજનોને ઘટનાની જાણ થતાં તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, પરંતુ ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યા હતા. સંચિતાના નિધનના થોડા કલાકો પહેલાં જ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી એક રીલ પોસ્ટ કરવામાં આવી હતી. વીડિયોમાં તે લોકપ્રિય ગીત પર લિપસિંક કરતી જોવા મળી હતી. આ પોસ્ટ બાદ થયેલી ઘટનાએ તેના ચાહકોને પણ ચોંકાવી દીધા છે. સોશિયલ મીડિયા પર હજારો લોકો તેને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે અને તેના નિધન અંગે દુઃખ વ્યક્ત કરી રહ્યા છે.

આ પણ વાંચો: શું સંચિતા ઉગલેનું મૃત્યુ સુશાંત સિંહ રાજપૂત સાથે જોડાયેલું છે?: ભાઈના દાવાથી ઉઠ્યા નવા સવાલો, જાણો હકીકત

ટીવીથી લઈને ફિલ્મો સુધીની સફર

સંચિતા ઉગલે છેલ્લા કેટલાક વર્ષોમાં ટીવી ઇન્ડસ્ટ્રીમાં ઝડપથી ઓળખ બનાવી રહી હતી. તેણે ‘કુમકુમ ભાગ્ય’, ‘વાગલે કી દુનિયા’, ‘સાજન ઘર મેં’ અને ‘દિલવાલી દુલ્હા લે જાયેગી’ જેવા લોકપ્રિય શોમાં કામ કર્યું હતું. ટીવી ઉપરાંત તેણે ફિલ્મોમાં પણ પોતાની ઓળખ ઉભી કરી હતી. તાજેતરમાં જ આવેલી ફિલ્મ ‘છાવા’માં તેણે તારાબાઈનું પાત્ર ભજવ્યું હતું. આ ફિલ્મમાં વિકી કૌશલ અને અક્ષય ખન્ના મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા. આ ઉપરાંત તેણે મનોજ બાજપેયી સાથે ‘સાયલન્સ 2: ધ નાઈટ આઉલ બાર શૂટઆઉટ’માં પણ મહત્વની ભૂમિકા ભજવી હતી.

ઇન્ડસ્ટ્રીમાં માનસિક સ્વાસ્થ્ય અંગે ફરી ચર્ચા

સંચિતા ઉગલેના નિધન બાદ ફરી એકવાર મનોરંજન જગતમાં કલાકારોના માનસિક સ્વાસ્થ્ય, કામના દબાણ અને વ્યાવસાયિક અસુરક્ષાને લઈને ચર્ચા શરૂ થઈ છે. જોકે સંચિતાના મોત પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી અને પોલીસ તપાસ ચાલુ છે, તેમ છતાં આ ઘટનાએ સમગ્ર ઇન્ડસ્ટ્રીને વિચારવા મજબૂર કરી છે કે કલાકારોને વધુ સકારાત્મક અને સુરક્ષિત કાર્ય વાતાવરણ કેવી રીતે મળી શકે.


joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now