તમિલનાડુના મુખ્યમંત્રી અને સુપરસ્ટાર વિજય ઉર્ફે થલાપતિ વિજય (Vijay) અને તેમની પત્ની સંગીતા સોરનાલિંગમ વચ્ચે ચાલી રહેલા છૂટાછેડાના કેસની સુનાવણી સોમવારે (15 June) ચેંગલપટ્ટુ જિલ્લાની મહિલા કોર્ટમાં થઈ હતી. જોકે, કોર્ટના સ્પષ્ટ આદેશ છતાં બંને પક્ષોમાંથી કોઈ વ્યક્તિગત રીતે હાજર રહ્યું ન હતું. આ હાઈ-પ્રોફાઈલ કેસની આગામી સુનાવણી હવે 7 August ના રોજ નિયત કરવામાં આવી છે.
ઓનલાઈન સુનાવણીની માંગણી કોર્ટે ફગાવી દીધી
આ કેસની પ્રથમ સુનાવણી 20 April ના રોજ થઈ હતી, જેમાં પણ સીએમ વિજય અને સંગીતા કોર્ટમાં ગેરહાજર રહ્યા હતા અને માત્ર તેમના વકીલો જ હાજર હતા. મીડિયા અહેવાલો અનુસાર, બંને પક્ષના વકીલોએ સીએમ વિજયની સુરક્ષા અને લોજિસ્ટિક્સ સમસ્યાઓનો હવાલો આપીને ઓનલાઈન (વીડિયો કોન્ફરન્સિંગ) દ્વારા સુનાવણી કરવાની પરવાનગી માંગી હતી. જોકે, કોર્ટે આ માંગણીને સખત શબ્દોમાં ફગાવી દીધી હતી અને બંનેને 15 June ના રોજ રૂબરૂ હાજર રહેવાનો આદેશ આપ્યો હતો. આમ છતાં, સોમવારે બંને કોર્ટમાં પહોંચ્યા ન હતા. સંગીતાએ 2026 ની શરૂઆતમાં વિજયથી અલગ થવા માટે કોર્ટમાં અરજી દાખલ કરી હતી.
સંગીતાએ લગાવ્યો એક્સ્ટ્રા મેરિટલ અફેરનો ગંભીર આરોપ
વિજય અને સંગીતાના લગ્ન 1999 માં થયા હતા અને તેમને બે બાળકો (જેસન સંજય અને દિવ્યા સાશા) છે. લગ્નના 27 વર્ષ બાદ સંગીતાએ દાખલ કરેલી છૂટાછેડાની અરજીમાં પતિ વિજય પર એક્સ્ટ્રા મેરિટલ અફેર અને માનસિક ત્રાસનો ગંભીર આરોપ લગાવ્યો છે. જોકે, આ અરજીમાં સંગીતાએ કોઈ અભિનેત્રીના નામનો સીધો ઉલ્લેખ કર્યો નથી, પરંતુ અહેવાલો અનુસાર, વિજયનું નામ છેલ્લા ઘણા સમયથી સાઉથની જાણીતી અભિનેત્રી ત્રિશા ક્રિષ્નન (Trisha) સાથે જોડાઈ રહ્યું છે.
ત્રિશા અને સીએમ વિજયની ડેટિંગની ચર્ચાઓએ પકડ્યું જોર
છેલ્લા કેટલાક મહિનાઓથી સોશિયલ મીડિયા પર વિજય અને ત્રિશાના સંબંધોની ચર્ચાએ જોર પકડ્યું છે. તાજેતરમાં જ સીએમ વિજયે તમિલનાડુમાં 3 વર્ષથી પ્રતિબંધિત એવા મોર્નિંગ શોના નિયમોમાં ઢીલ આપીને ત્રિશાની નવી ફિલ્મ ‘કરુપ્પુ’ (Karuppu) માટે સવારે 9 વાગ્યાના સ્પેશિયલ સ્ક્રીનિંગની વિશેષ મંજૂરી આપી હતી, જેની ઘણી ચર્ચા થઈ હતી (જોકે, પાછળથી નિર્માતાઓના આંતરિક કારણોસર સવારના શો રદ થયા હતા).
આ સિવાય, 4 May 2026 ના રોજ જ્યારે તમિલનાડુ વિધાનસભા ચૂંટણીના પરિણામો આવ્યા અને વિજયની પાર્ટી 'ટીવીકે' (TVK) નો મોટો વિજય થયો, ત્યારે તે જ દિવસે ત્રિશાનો 43 મો જન્મદિવસ હતો. ત્રિશા સીએમ વિજયના ઘરે પણ પહોંચી હતી. આ પહેલા 10 May ના રોજ સીએમ વિજયના શપથ ગ્રહણ સમારોહમાં પણ ત્રિશા આગળની હરોળમાં હાજર રહી હતી, જ્યાં વિજયની માતાએ તેને ગળે લગાવી હતી. જોકે, સીએમ વિજય કે ત્રિશાએ હજુ સુધી આ સંબંધો પર સત્તાવાર રીતે કંઈ પણ કહ્યું નથી. બીજી તરફ, ઇન્ડસ્ટ્રીમાં એવી પણ ચર્ચાઓ ચાલી રહી છે કે વિજયની માતા બંને વચ્ચે પેચ-અપ કરાવવાનો પ્રયાસ કરી રહી છે.





