Car Buying Tips : દરેક વ્યક્તિ પોતાની કાર રાખવાનું સપનું રાખે છે. જોકે, આજકાલ મોંઘવારીના સમયમાં નવી કાર ખરીદવાને બદલે ઘણા લોકો સેકન્ડ હેન્ડ એટલે કે, વપરાયેલી કાર ખરીદવાનું પસંદ કરે છે. આનો સૌથી મોટો ફાયદો એ છે કે, તમને ઓછી કિંમતમાં સારી કાર મળી શકે છે. પરંતુ, સેકન્ડ હેન્ડ કાર ખરીદતી વખતે સૌથી મોટો પ્રશ્ન એ થાય છે કે, કાર કેટલી જૂની હોવી જોઈએ? ફક્ત કારની ઉંમર જ નહીં, પણ તેની સ્થિતિ, માઇલેજ અને મેન્ટેનન્સ પણ એટલું જ મહત્વપૂર્ણ છે.
કાર કેટલા વર્ષ જૂની ખરીદવી જોઈએ?
સામાન્ય રીતે, 2 થી 5 વર્ષ જૂની કારને શ્રેષ્ઠ પસંદગી માનવામાં આવે છે. આનું કારણ એ છે કે, નવી કાર ખરીદતી વખતે તેનું મૂલ્ય ઝડપથી ઘટે છે. તેથી, થોડા વર્ષ જૂની કાર ખરીદવાથી ઓછી કિંમતે સારી, વિશ્વસનીય કાર મળે છે. આવી કાર ખરીદવાનો સૌથી મોટો ફાયદો એ છે કે, તેની કિંમત ઓછી હોય છે અને ફીચર્સ લગભગ નવા જ રહે છે, અને ઘણીવાર વોરંટી પણ હોય છે.
આ બાબતો વિશે જાણવું મહત્વપૂર્ણ
જો તમે ખૂબ જૂની કાર ખરીદો છો, તો તેના સમારકામ અને મેન્ટેનન્સનો ખર્ચ વધી શકે છે. જૂની કારના પાર્ટસ ઘણા ખરાબ હોય છે, તેથી ફક્ત તેની ઉંમરના આધારે કાર ખરીદવી એ સારો વિચાર નથી.
કાર ખરીદતી વખતે માત્ર તેની ઉંમર ન જુઓ. ક્યારેક એવું બને છે કે ઓછી ચાલેલી જૂની કાર, વધુ ચાલેલી નવી કાર કરતાં વધુ સારી હોય છે. તેથી, કાર ખરીદતા પહેલા તેનો Maintenance Record અચૂક ચેક કરવો જોઈએ. જો ગાડીનું સમયસર સર્વિસિંગ થયું હશે, તો તેની એન્જિન લાઈફ વધુ સારી હશે.
જૂની કારમાં નવીનતમ ટેકનોલોજી અને સેફટી ફીચર્સનો અભાવ પણ હોઈ શકે છે. ઉદાહરણ તરીકે, જો તમે 10 વર્ષથી વધુ જૂની કાર ખરીદો છો, તો તમને અદ્યતન એરબેગ્સ, લેન આસિસ્ટ અને એડેપ્ટિવ ક્રુઝ કંટ્રોલ જેવા મોડર્ન ફીચર્સ મળશે નહીં. તેથી, જો તમને નવીનતમ ટેકનોલોજી અને એડવાન્સ સેફટી ફીચર્સની જરૂર હોય, તો ખૂબ જૂની કાર ખરીદવી એ શ્રેષ્ઠ વિકલ્પ નથી.
વધુમાં, વપરાયેલી કારની સૌથી મોટી સમસ્યા તેનો મેન્ટેનન્સ ખર્ચ છે. જેમ જેમ કાર જૂની થાય છે, તેમ તેમ તેના પાર્ટસ ઝડપથી ઘસાઈ જાય છે અને તેને વારંવાર રીપેર કરાવવાની જરૂર પડે છે. તેથી, હંમેશા એવી કાર ખરીદો જેની સર્વિસ સારી હોય અને મેન્ટેનન્સ રેકોર્ડ પણ સારો હોય.





