Home Gujarat Kinjal Dev Hits Out At Community Leaders Over Social Boycott

'બે ચાર અસમાજિક તત્વો નક્કી કરશે કે...' : સામાજિક બહિષ્કાર મામલે કિંજલ દવેએ સમાજના આગેવાનો પર કર્યા આકરા પ્રહાર

'બે ચાર અસમાજિક તત્વો નક્કી કરશે કે...'
Play Video
Published by: OBS Bureau
Last Updated: Dec 15, 2025, 06:27 AM IST

Kinjal Dave family social boycott : લોકપ્રિય ગુજરાતી ગાયિકા કિંજલ દવેના પરિવારનો ઔદિચ્ય બ્રાહ્મણ સમાજ દ્વારા સામાજિક બહિષ્કાર કરવાના નિર્ણય બાદ હવે આ મામલે કિંજલ દવેએ પોતાની પ્રતિક્રિયા આપી છે. કિંજલ દવેએ એક વીડિયો જાહેર કરીને સમાજના અગ્રણીઓ અને ટીકા કરનારાઓને ખુલ્લો જવાબ આપ્યો છે.

'એક દીકરી તરીકે મારાથી સહન ન થયું...'

કિંજલ દવેએ વીડિયોમાં જણાવ્યું હતું કે, “મારા જીવનના નવા પડાવ માટે જેમણે મને આશીર્વાદ આપ્યા છે તે તમામનો હું દિલથી આભાર માનું છું. મને લઈને ઘણા સમયથી અનેક તર્ક-વિતર્ક ચાલતા હતા, જેને લઈને હું અત્યાર સુધી મૌન હતી, કારણ કે વાત મારા પુરતી સીમિત હતી. પરંતુ હવે જ્યારે વાત મારા પરિવાર સુધી અને ખાસ કરીને મારા પિતા સુધી પહોંચી છે, ત્યારે એક દીકરી તરીકે મારાથી સહન ન થયું અને મને બોલવું પડ્યું.”

'બે-ચાર અસામાજિક તત્વો કેવી રીતે નક્કી કરી શકે કે...'

તેમણે વધુમાં કહ્યું હતું કે, “મને એક બ્રાહ્મણ કન્યા અને એક બ્રાહ્મણ દીકરી હોવાનો ગર્વ છે. આજે દીકરીઓ તેજસ જેવા પ્લેન ઉડાવી રહી છે, તો પછી બે-ચાર અસામાજિક તત્વો કેવી રીતે નક્કી કરી શકે કે એક દીકરી તેનો લાઈફ પાર્ટનર કેવી રીતે પસંદ કરશે? આવા તત્વો દીકરીઓની પાંખો કાપવાની વાતો કરે છે.”

'ઘૂઘટ પ્રથા જેવી બાબતો સમાજમાંથી દૂર કરો'

કિંજલ દવેએ સમાજમાં ચાલતા જૂના કુરિવાજો પર પણ કડક પ્રહાર કર્યો હતો. તેમણે જણાવ્યું કે, “આ 17મી અને 18મી સદીના કુરિવાજો છે, જે હવે દૂર કરવાની જરૂર છે. બાળવિવાહ, સાટા પ્રથા જેવી પ્રથાઓ, જેની પીડિત હું પોતે પણ રહી છું, અને ઘૂઘટ પ્રથા જેવી બાબતો સમાજમાંથી દૂર થવી જોઈએ.”

કિંજલ દવેએ ધ્રુવિન શાહ સાથે કર્યા લગ્ન

ઉલ્લેખનીય છે કે કિંજલ દવેએ 6 ડિસેમ્બર 2025ના રોજ એક્ટર ધ્રુવિન શાહ સાથે સગાઈ કરી હતી. આ સગાઈ બાદ કાંકરેજના શિહોરી ખાતે પાંચ પરગણા ઔદિચ્ય બ્રાહ્મણ સમાજના પંચોએ કિંજલ દવેના પરિવારનો સામાજિક બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો હતો. આ નિર્ણય બાદ હવે કિંજલ દવેએ સમાજના અગ્રણીઓને સીધો જવાબ આપ્યો છે.

કિંજલ દવે અને પવન જોષીની વર્ષ 2023માં સગાઈ તૂટી હતી

આ પહેલા વર્ષ 2018માં કિંજલ દવેની પવન જોષી સાથે સગાઈ થઈ હતી, પરંતુ વર્ષ 2023માં તે સગાઈ તૂટી ગઈ હતી. સાટા પ્રથાને કારણે પવન અને કિંજલની સગાઈ તૂટી હોવાની વિગતો પણ તે સમયે સામે આવી હતી.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now