Home Gujarat Kidnapping And Extortion Case Solved In Ahmedabad

અમદાવાદમાં અપહરણ અને ખંડણીનો ગુનો ઉકેલાયો : ક્રાઈમ બ્રાન્ચે ત્રણ આરોપીઓને ઝડપી ભોગ બનનારને કરાવ્યો મુક્ત

અમદાવાદમાં અપહરણ અને ખંડણીનો ગુનો ઉકેલાયો
Published by: OBS Bureau
Last Updated: Jan 02, 2026, 10:47 AM IST

અમદાવાદ શહેરમાં અપહરણ અને ખંડણીની ગંભીર ઘટનાનો અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ઝડપી ભેદ ઉકેલવામાં આવ્યો છે. ગત તા. 30 ડિસેમ્બર 2025 ના રોજ બપોરે અંદાજે 1 વાગ્યે બનાસકાંઠા જિલ્લાના પાથાવાડા ગામના રહેવાસી છગનનાથ જોગનાથનું ગીતામંદિર બસ સ્ટેન્ડ પાસે રાજવાડી ચાની હોટલ આગળથી ત્રણ અજાણ્યા ઇસમોએ બળજબરીપૂર્વક રિક્ષામાં બેસાડી અપહરણ કર્યું હતું.

આરોપીઓએ અપહરણ બાદ રૂ. 4 લાખની ખંડણી માંગીને પૈસા ન આપે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે ફરિયાદ નોંધાતા કાગડાપીઠ પોલીસ સ્ટેશન ખાતે ભારતીય ન્યાય સંહિતા (BNS) 2023 ની કલમ 140(2) અને 54 હેઠળ ગુનો નોંધાયો હતો.

ક્રાઈમ બ્રાન્ચના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ટીમે CCTV ફૂટેજ, હ્યુમન સોર્સીસ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ શરૂ કરી. તપાસ દરમિયાન ખુલ્યું કે અપહરણ હરેશ ચતુરભાઈ ઠાકોર, નરેશ ચતુરભાઈ ઠાકોર અને તલાજી વરસંગજી ઠાકોર દ્વારા કરવામાં આવ્યું હતું. આરોપીઓએ ભોગ બનનારને પોતાના કબજામાં રાખી પીરોજપુરા ગામ (તા. શંખેશ્વર, જી. પાટણ) ખાતે રાખ્યો હતો.

આ માહિતીના આધારે ક્રાઈમ બ્રાન્ચે પીરોજપુરા ગામે દરોડો પાડી ત્રણેય આરોપીઓને ઝડપી લઈ ભોગ બનનારને સલામત રીતે મુક્ત કરાવ્યો. સઘન પુછપરછમાં આરોપીઓએ કબૂલાત કરી કે આર્થિક મુશ્કેલીઓ અને પારિવારિક નડતર દૂર કરવા માટે ભોગ બનનારના સસરા પાસે અગાઉ કરાવેલી વીધી નિષ્ફળ જતા નારાજગી રાખી અપહરણ કરી ખંડણી માગી હતી.

આરોપીઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી પૂર્ણ કરી વધુ તપાસ માટે કેસ ફરીથી કાગડાપીઠ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ઝડપી કામગીરીને કારણે અપહરણનો ભેદ ઉકેલાયો અને એક નિર્દોષ વ્યક્તિનો જીવ બચી ગયો.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now