Kia : દક્ષિણ કોરિયાની દિગ્ગજ કાર નિર્માતા કંપની Kia એ ભારતીય બજાર માટે તેની લાંબા ગાળાની વ્યૂહરચના જાહેર કરી દીધી છે. 'Kia CEO Investor Day 2026' માં કંપનીએ સ્પષ્ટ કર્યું છે કે, ભારત તેમના માટે સૌથી મહત્વનું બજાર છે. કંપની હવે માત્ર સામાન્ય કારો જ નહીં, પરંતુ હાઇબ્રિડ અને ઇલેક્ટ્રિક વાહનો (EV) પર મોટો દાવ લગાવવા જઈ રહી છે. આગામી વર્ષોમાં આપણને ભારતીય રસ્તાઓ પર Sorento અને Carnival જેવા પ્રીમિયમ મોડલ જોવા મળશે.
વૈશ્વિક લક્ષ્ય અને રોકાણ
કિયાએ 2030 સુધીમાં વિશ્વભરમાં વાર્ષિક 41.3 લાખ કાર વેચવાનું લક્ષ્ય રાખ્યું છે. આ માટે કંપની આગામી પાંચ વર્ષમાં અંદાજે 49 ટ્રિલિયન KRW (દક્ષિણ કોરિયન વોન) નું જંગી રોકાણ કરશે. આ રોકાણનો મોટો હિસ્સો ભવિષ્યની ટેકનોલોજી જેવી કે ઓટોનોમસ ડ્રાઇવિંગ, રોબોટિક્સ અને ઇલેક્ટ્રિક પ્લેટફોર્મ વિકસાવવા માટે વપરાશે.
ભારત માટે વેચાણ ટાર્ગેટ
ભારતમાં કિયા પોતાનો દબદબો વધારવા માંગે છે. કંપનીએ 2030 સુધીમાં ભારતમાં વાર્ષિક 4.1 લાખ યુનિટ વેચવાનું લક્ષ્ય રાખ્યું છે. હાલમાં કિયાનો બજાર હિસ્સો આશરે 6% છે, જેને વધારીને 7.6% સુધી લઈ જવાની યોજના છે. Seltos અને Sonet જેવી લોકપ્રિય SUV ના વેચાણને વધુ વેગ આપવામાં આવશે.
નવી કારોનું લાઇનઅપ
કિયા ભારત માટે 10 નવા મોડલ લાવવાની તૈયારીમાં છે, જેમાં 8 ઇલેક્ટ્રિફાઇડ (EV અને હાઇબ્રિડ) વાહનો હશે. આ લાઇનઅપમાં સૌથી મોટું આકર્ષણ Syros EV, Sorento Hybrid અને Carnival Hybrid રહેશે. કંપની પોતાના ડીલર નેટવર્કને પણ વધારીને 800 શહેરો સુધી પહોંચાડશે.
Syros EV અને Sorento હાઇબ્રિડ
કિયાની નવી ઇલેક્ટ્રિક કાર Syros EV નું પરીક્ષણ ભારતમાં શરૂ થઈ ગયું છે અને તે 2026-27 ના સમયગાળામાં લોન્ચ થઈ શકે છે. બીજી તરફ, Sorento એક લક્ઝરી 3-રો SUV છે, જેની કિંમત આશરે 30 લાખ રૂપિયાની આસપાસ હોઈ શકે છે. તે પ્રીમિયમ ફીચર્સ અને હાઇબ્રિડ એન્જિન સાથે આવશે.
નવી Carnival હાઇબ્રિડ
ભારતમાં હાલમાં ડીઝલ એન્જિન સાથે વેચાતી Carnival હવે હાઇબ્રિડ અવતારમાં જોવા મળશે. 2030 પહેલા આ લક્ઝરી MPV ભારતમાં લોન્ચ થશે. તેની અંદાજિત કિંમત 75 લાખ રૂપિયા હોઈ શકે છે, જે માર્કેટમાં Toyota Vellfire જેવી પ્રીમિયમ કારોને ટક્કર આપશે.





