ભારતમાં ઇલેક્ટ્રિક વાહનોના વપરાશને પ્રોત્સાહન આપવા માટે કિઆ ઇન્ડિયાએ એક મોટું પગલું ભર્યું છે. કંપનીએ ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (BPCL) સાથે હાથ મિલાવીને પોતાના EV ચાર્જિંગ નેટવર્કને 15000 થી વધુ પોઈન્ટ્સ સુધી વિસ્તરણ કરવાની જાહેરાત કરી છે. આ વ્યૂહાત્મક ભાગીદારીને કારણે ઉત્તરથી દક્ષિણ અને પૂર્વથી પશ્ચિમ સુધીના તમામ રાજ્યોમાં કિઆના ઇલેક્ટ્રિક કાર ધારકોને ચાર્જિંગની ઉત્તમ સુવિધા મળી રહેશે. આ પ્રોજેક્ટ હેઠળ લખનૌ, પટના, પુણે અને કોચી જેવા મોટા શહેરો સહિત દેશના ખૂણેખૂણે ચાર્જિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત કરવામાં આવશે.
ગ્રાહકોની રેન્જની ચિંતા દૂર થશે
કિઆ ઇન્ડિયાનો મુખ્ય ઉદ્દેશ્ય ઇલેક્ટ્રિક કાર ખરીદનારા ગ્રાહકોને ચાર્જિંગ બાબતે સંપૂર્ણ નિશ્ચિંત કરવાનો છે. જ્યારે દેશભરમાં વ્યાપક પ્રમાણમાં ચાર્જિંગ સ્ટેશન્સ ઉપલબ્ધ હશે, ત્યારે ગ્રાહકોને રેન્જની ચિંતા (Range Anxiety) ઓછી થશે અને તેઓ વધુ આત્મવિશ્વાસ સાથે લોન્ગ ડ્રાઈવ પર જઈ શકશે. BPCL ના પબ્લિક ચાર્જિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને કિઆના K-Charge પ્લેટફોર્મમાં સામેલ કરવાથી યુઝર્સ માટે શહેરો, હાઈવે અને નાના નગરોમાં પણ મુસાફરી ટેન્શન ફ્રી બની જશે.
ડિજિટલ પ્લેટફોર્મ પર તમામ સુવિધાઓ ઉપલબ્ધ
આ સમજૂતી અંતર્ગત BPCL ના 3000 થી વધુ ચાર્જિંગ પોઈન્ટ્સને કિઆના K-Charge પ્લેટફોર્મ સાથે જોડવામાં આવશે. ગ્રાહકો My Kia App અથવા કિઆ ઇન્ડિયાની વેબસાઈટ દ્વારા સરળતાથી આ સુવિધાનો લાભ લઈ શકશે. આ ડિજિટલ પ્લેટફોર્મની મદદથી યુઝર્સ નજીકનું ચાર્જિંગ સ્ટેશન શોધી શકશે, ત્યાં પહોંચવા માટે નેવિગેશન મેળવી શકશે અને ચાર્જિંગ માટેનું પેમેન્ટ પણ ઓનલાઈન કરી શકશે. બધી જ સુવિધાઓ એક જ એપમાં મળવાથી ગ્રાહકોનો સમય અને મહેનત બચશે.
કિઆનું ઇલેક્ટ્રિક કાર પોર્ટફોલિયો
ભારતીય બજારમાં કિઆની ઇલેક્ટ્રિક કારોની લોકપ્રિયતા વધી રહી છે. ખાસ કરીને Carens Clavis EV જેવી 7 Seater કાર માસ માર્કેટમાં સારો પ્રતિસાદ મેળવી રહી છે. કંપની પ્રીમિયમ સેગમેન્ટમાં EV6 અને પોતાની ફ્લેગશિપ SUV EV9 પણ રજૂ કરી ચૂકી છે. આ કારો પોતાના આધુનિક લુક, હાઈટેક ફીચર્સ અને શક્તિશાળી બેટરી રેન્જ માટે જાણીતી છે. આગામી સમયમાં કિઆ અન્ય ઘણી નવી ઇલેક્ટ્રિક કારો પણ લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે, જેની માટે મજબૂત ચાર્જિંગ નેટવર્ક પાયાનું કામ કરશે.




















