Home Gujarat Khyanti Hospital Accused Sanjay Patodiya Arrested By Crime Branch Of Ahmedabad

ખ્યાતિકાંડનો સાતમો આરોપી સકંજામાં : ખ્યાતિકાંડના આરોપી ડો. સંજય પટોળિયાની ધરપકડ, ગોતામાં મિત્રના ઘરે આવ્યો અને ક્રાઇમ બ્રાન્ચે દબોચ્યો

ખ્યાતિકાંડનો સાતમો આરોપી સકંજામાં
Published by: OBS Bureau
Last Updated: Dec 04, 2024, 11:23 AM IST

સરકારી યોજનામાંથી પૈસા ખંખેરવા સ્વસ્થ લોકોના ઓપરેશન કરી મોતને ઘાટ ઉતારનાર ખ્યાતિ હોસ્પિટલની તપાસમાં ક્રાઇમ બ્રાન્ચે વધુ એક આરોપીની ધરપકડ કરી છે.અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ખ્યાતિ હોસ્પિટલના CEO આરોપી સંજય પટોળિયાની ધરપકડ કરી છે. રાજ્યમાં ચકચાર મચાવનાર ખ્યાતિકાંડના કેટલાક આરોપી હજી પણ પોલીસની પકડની બહાર છે. તેવામાં ખ્યાતિ હોસ્પિટલ સામે ફરિયાદ નોંધાયા બાદ નાસતા ફરતા આરોપી ડૉ. સંજય પટોળિયાને ક્રાઇમબ્રાન્ચે દબોચી લીધો છે. અગાઉ સંજય પટોળિયાએ ગ્રામ્ય કોર્ટમાં આગોતરા જામીન અરજીઓ કરી હતી. જે કોર્ટે ફગાવી દીધી હતી. આમ છતાં પોલીસ સમક્ષ હાજર ન થયેલો સંજય પટોળિયા આખરે પોલીસ સકંજામાં આવ્યો છે. ખ્યાતિ હોસ્પિટલની તપાસ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને સોંપાયા બાદ અત્યાર સુધીમાં કુલ સાત આરોપીઓની ધરપકડ કરાઇ છે. જ્યારે કાર્તિક પટેલ અને રાજશ્રી કોઠારી હજી પણ પોલીસ પકડથી દૂર છે.

‘હું નિર્દોષ છું, મારે કોઇ લેવાદેવા નથી’ 

ક્રાઇમબ્રાન્ચે ઝડપેલા આરોપી સંજય પટોળિયાએ વકીલો મારફતે આગોતરા જામીન માટે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં અરજી કરી હતી. જેમાં તેણે જણાવ્યું હતું કે, હું નિર્દોષ છું, મારે આ કેસ સાથે કોઇ જ લેવા દેવા નથી, મને ખોટી રીતે ફસાવી દેવામાં આવ્યો છે, હું ક્યાંય નાસી કે ભાગી જાઉં તેમ નથી, કોર્ટ પાસે જામીન આપવાની સત્તા છે અને કોર્ટ જામીન આપે તો તમામ શરતોનું પાલન કરવા તૈયાર છું. તેથી જામીન પર મુક્ત કરવો જોઇએ.’

‘સંજય પટોળિયાએ ગુનાહિત કાવતરું રચ્યું’

જો કે ગુનાની ગંભીરતા જાણી અમદાવાદ ગ્રામ્ય કોર્ટે ડૉ. સંજય પટોળિયાના આગોતરા જામીન રદ કર્યા હતા. સંજય પટોળિયાની જામીન અરજી સામે દલીલ કરનાર સરકારી વકીલ વિજય બારોટે એવી દલીલ કરી હતી કે, આરોપીઓએ પીએમજેએવાય યોજનાનો ખોટી રીતે આર્થિક લાભ લેવા માટે પૂર્વ આયોજીત કાવતરું રચ્યું હતું. ખ્યાતિકાંડના આરોપી ડૉ. સંજય પટોળિયા રાજકોટમાં છુપાયો હતો અને અમદાવાદના ગોતામાં મિત્રને મળવા આવ્યો ત્યારે તેને લોકેશનના આધારે ઝડપી પાડવામાં આવ્યો હોવાનો દાવો કરી રહી છે. ડૉ. સંજય પટોળિયા સામે ગુનો નોંધાયાના 24 દિવસ બાદ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ડૉ. સંજય પટોળિયા સામે રેડ કોર્નર નોટિસ ઇસ્યુ કરવાની તૈયારી હતી જો કે  હવે આરોપી અમદાવાદ શહેરમાંથી જ ઝડપાય છે. ડૉ. સંજય પટોળિયાના મંગળવારે આગોતરા જામીન રદ થયાના બીજા દિવસે જ તેની ધરપકડ કરવામાં આવી છે. જેને લઇને ધરપકડની ટાઇમિંગને લઇને અનેક સવાલો ઉઠી રહ્યા છે.




joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now