Home Gujarat Kheda Nadiad Bjp Jagdish Vishwakarma Election Speech

"'કાળો પંજો' ગુજરાતની તિજોરી પર હાથ મારવા મથી રહ્યો છે" : જાહેરસભામાં જગદીશ વિશ્વકર્માના કોંગ્રેસ પર આકરા પ્રહાર

જગદીશ વિશ્વકર્મા
Published by: Chintan Chavda
Last Updated: Apr 22, 2026, 10:00 AM IST

ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા એ ખેડા જિલ્લાના માતર અને નડિયાદ ખાતે ભાજપા ઉમેદવારો ના સમર્થનમાં જાહેરસભાઓને સંબોધન કર્યું હતું.

આ પ્રસંગે કાર્યકર્તાઓ અને જનમેદનીને સંબોધન કરતા જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, ભારતની આઝાદીના ઇતિહાસમાં માતર મહત્વનો પાયો નાખનાર સ્થાન રહ્યું છે. નડિયાદની ભૂમિએ આપણને લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ આપ્યા છે. નડિયાદમાં મહાનગરપાલિકાની પ્રથમ ચુંટણી યોજાવા જઈ રહી છે. સરદાર સાહેબની આ ભૂમિ પર પ્રથમ વખત નગરસેવક તરીકે ચુંટાવવુ એ ગર્વનો વિષય છે. તેમણે નડિયાદ મનપાના 13 વોર્ડના ભાજપાના તમામ 52 ઉમેદવારોના તેમજ ખેડા જિલ્લાના સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટેના ભાજપાના સૌ ઉમેદવારોના ભવ્ય વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

તેઓએ જણાવ્યું કે, વર્ષ 2000ની આસપાસ જ્યારે ગુજરાત કુદરતી હોનારતો અને પાણીની તંગીથી ઝઝૂમતું હતું, ત્યારે તત્કાલીન મુખ્યમંત્રી અને આજના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતની ધુરા સંભાળી હતી. તેમણે જ્ઞાતિવાદ, જાતિવાદ અને પ્રાંતવાદના રાજકારણને તિલાંજલિ આપીને વિકાસની રાજનીતિનો નવો યુગ શરૂ કર્યો હતો. નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આજે ગુજરાત જ નહીં, પણ દેશના 19 રાજ્યોમાં અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોમાં ભાજપા અને NDA ની સરકારો જનસેવા કરી રહી છે. ગુજરાતની જનતાએ છેલ્લા 30 વર્ષથી ભાજપા અને મોદીજી પર અતુટ વિશ્વાસ મૂક્યો છે, જેના કારણે આજે કમળની મહેક વિકાસ સ્વરૂપે પ્રસરી રહી છે.

તેમણે કહ્યું કે, આઝાદી બાદ 60 વર્ષ સુધી કોંગ્રેસનું શાસન રહ્યું પણ કોંગ્રેસ માટે સત્તા માત્ર પરિવારવાદ અને જનતાના શોષણનું સાધન રહી છે. વિશ્વકર્માએ ઉમેર્યું કે, કોંગ્રેસે ભારતીયોને મજૂરી કરતા વર્ગ તરીકે જોયા અને જ્ઞાતિવાદ અને જાતિવાદની રાજનીતિ કરી. પરિવારવાદી પાર્ટીએ સતત જનતાનું લોહી ચૂસવાનું જ કામ કર્યું છે. ભાજપ માત્ર ચૂંટણી સમયે દેખાતી પાર્ટી નથી, પરંતુ 50 હજારથી વધુ બૂથ પર કાર્યકર્તાઓ સતત પ્રજા વચ્ચે રહી સેવા અને સમર્પણ ના ભાવ સાથે કાર્ય કરે છે.

કાળો પંજો' ગુજરાતની તિજોરી પર હાથ મારવા મથી રહ્યો છે

કોંગ્રેસના શાસનકાળના કાળા દિવસો યાદ અપાવતા પ્રદેશ અધ્યક્ષએ કહ્યું કે, એક સમયે ગુજરાત ગુંડાતત્વો, કરફ્યુ અને રમખાણો માટે ઓળખાતું હતું. 19 માર્ચ 1987 ના એ કાળા દિવસને યાદ કરતા તેમણે કહ્યું કે, જે રીતે આજે પંજાબમાં ખેડૂતો પર લાઠીચાર્જ થાય છે, તેવી જ રીતે કોંગ્રેસે ગુજરાતમાં 19 નિર્દોષ ખેડૂતો પર ગોળીઓ ચલાવી તેમને કોંગ્રેસે નિર્દયી રીતે શહીદ કર્યા હતા. આજે એ જ 'કાળો પંજો' ગુજરાતની તિજોરી પર હાથ મારવા મથી રહ્યો છે, પરંતુ જનતાએ તેમને સચોટ જવાબ આપી ઘરભેગા કરી દીધા છે. આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ ભાજપાના સૌ ઉમેદવારો વિકાસકાર્યો માટેની સંકલ્પબદ્ધતા સાથે સતત જનતા વચ્ચે રહી કાર્ય કરવાની કટિબદ્ધતા સાથે ચૂંટણીના મેદાનમાં ઉતર્યા છે.

સરકારની કામગીરી અંગે વાત કરતા વિશ્વકર્માએ જણાવ્યું કે, વડાપ્રધાન બનતાની સાથે જ નરેન્દ્ર મોદીએ માત્ર 17 દિવસમાં સરદાર સરોવર ડેમના દરવાજા મૂકવાની મંજૂરી આપી ગુજરાતની વર્ષો જૂની પાણીની સમસ્યાનો અંત આણ્યો. આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર ખેડૂતોને અતિવૃષ્ટિમાં 10 હજાર કરોડની સહાય, ટેકાના ભાવે 15 હજાર કરોડની ખરીદી અને ટ્રેક્ટર ખરીદી માટે સહાય આપી રહી છે. ખેડૂતો કોંગ્રેસના શાસનમાં અંધકારમાં જીવતા હતા, વાળું સમયે પણ વીજળી નહોતી મળતી. આજે ગુજરાતમાં 24 કલાક વીજળી ઉપલ્બધ છે અને ખેડૂતોને ખેતી માટે દિવસે વીજળી મળે તેની વ્યવસ્થા કરાઇ છે.

આ પણ વાંચો: "કોંગ્રેસની એક પણ 'ચૌદશ' ન આવવી જોઈએ, નહીં તો..." : હર્ષ સંઘવીએ વિપક્ષને આડે હાથ લીધું, નવરાત્રી પર શું બોલ્યા?

કોંગ્રેસની હલકી માનસિકતા

તેમણે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ ખડગે દ્વારા વારંવાર કરવામાં આવતા ગુજરાતીઓના અપમાન અંગે રોષ વ્યક્ત કરતા કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાતનું અપમાન દેશની જનતા ક્યારેય સહન નહીં કરે. ગુજરાતીઓના અપમાન બાદ હવે મોદીને ખડગેએ આતંકવાદી કહ્યા છે તે કોંગ્રેસની હલકી માનસિકતા દર્શાવે છે. કોંગ્રેસની નૌકા ડૂબી રહી છે. જે પક્ષ પોતાના મેન્ડેટ આપેલા ઉમેદવારોને નથી બચાવી શકતો, તે દેશ અને રાજ્યનું શું ભલું કરશે? તેમણે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોની બિનહરીફ જીતને વધાવી, આગામી 26 તારીખે જંગી મતદાન કરી 'વિકાસના કમળ'ને વધુ મજબૂત કરવા જનતાને આહ્વાન કર્યું હતું.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now