Karnataka Congress Leadership Change: કર્ણાટક કોંગ્રેસમાં મોટા રાજકીય ફેરફારના સંકેતો જોવા મળી રહ્યા છે. રાજ્યના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાના નેતૃત્વમાં પરિવર્તનની પ્રક્રિયા હવે અંતિમ તબક્કામાં પહોંચી હોવાની ચર્ચા રાજકીય વર્તુળોમાં જોરશોરથી ચાલી રહી છે. મળતી માહિતી અનુસાર, કોંગ્રેસ હાઈકમાન્ડ હવે સિદ્ધારમૈયાને સન્માનજનક રીતે રાજ્યસભામાં મોકલીને નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમારને રાજ્યની કમાન સોંપવાની તૈયારીમાં છે. છેલ્લા કેટલાક દિવસોથી દિલ્હીથી લઈને બેંગલુરુ સુધી રાજકીય ચર્ચાઓનું કેન્દ્ર કર્ણાટક કોંગ્રેસ બની છે. પાર્ટીના ટોચના નેતાઓ વચ્ચે થયેલી બેઠક બાદ હવે નેતૃત્વ પરિવર્તનના અહેવાલો વધુ મજબૂત બન્યા છે.
6 કલાકથી વધુ ચાલેલી મેરેથોન બેઠકમાં શું ચર્ચાયું?
સૂત્રોના જણાવ્યા અનુસાર, તાજેતરમાં દિલ્હીમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, લોકસભાના વિપક્ષ નેતા રાહુલ ગાંધી, કોંગ્રેસ મહાસચિવ કેસી વેણુગોપાલ અને કર્ણાટક પ્રભારી રણદીપ સુરજેવાલાની હાજરીમાં એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અને નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમાર પણ હાજર રહ્યા હતા. લગભગ 6 કલાકથી વધુ સમય સુધી ચાલેલી આ બેઠકમાં કર્ણાટકના નેતૃત્વ પરિવર્તનનો મુદ્દો ચર્ચાના કેન્દ્રમાં રહ્યો હતો. nસૂત્રોનો દાવો છે કે પાર્ટી હાઈકમાન્ડે રાજ્યમાં આગામી રાજકીય સંતુલન અને ચૂંટણીને ધ્યાનમાં રાખીને નેતૃત્વમાં ફેરફાર અંગે ગંભીર ચર્ચા કરી છે.
રાહુલ ગાંધી સાથેની ચર્ચા બાદ સિદ્ધારમૈયા નરમ પડ્યા?
રાજકીય સૂત્રો મુજબ, બેઠક દરમિયાન રાહુલ ગાંધીએ સિદ્ધારમૈયાને પાર્ટીમાં રાષ્ટ્રીય સ્તરે વધુ મોટી ભૂમિકા ભજવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. શરૂઆતમાં સિદ્ધારમૈયા મુખ્યમંત્રી પદ છોડવા માટે તૈયાર ન હોવાનું કહેવાય છે, પરંતુ લાંબી ચર્ચા અને સમજાવટ બાદ તેઓ આ પ્રસ્તાવ અંગે સકારાત્મક બન્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. માહિતી મુજબ, સિદ્ધારમૈયા હવે રાજ્યસભામાં જવા માટે સંમત થયા છે, જોકે બદલામાં નવા મંત્રીમંડળમાં અને રાજ્યસભાના અન્ય નામાંકનમાં તેમની પસંદગીને મહત્વ આપવામાં આવશે. કોંગ્રેસ માટે આ નિર્ણય સરળ નહોતો, કારણ કે વિધાનસભામાં હજુ પણ સિદ્ધારમૈયાના સમર્થક ધારાસભ્યોની સંખ્યા નોંધપાત્ર માનવામાં આવે છે.
આ પણ વાંચો: આસારામને રાજસ્થાન હાઈકોર્ટનો મોટો ઝટકો: સામૂહિક દુષ્કર્મના આરોપમાંથી મુક્તિ પણ આજીવન કેદની સજા યથાવત્
ત્રણ વર્ષ જૂનો સત્તા ફોર્મ્યુલા હવે થશે અમલમાં?
કર્ણાટક કોંગ્રેસ સરકારની રચના વખતે એવી ચર્ચા થઈ હતી કે સિદ્ધારમૈયા અને ડીકે શિવકુમાર વચ્ચે અઢી-અઢી વર્ષની સત્તા વહેંચણીનો ફોર્મ્યુલા નક્કી થયો હતો. જોકે અત્યાર સુધી આ અંગે સત્તાવાર રીતે ક્યારેય કોઈ પુષ્ટિ થઈ નહોતી, પરંતુ હવે ત્રણ વર્ષ બાદ આ ફોર્મ્યુલા અમલમાં મૂકવાનો રસ્તો લગભગ સાફ થયો હોવાનું રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે. તાજેતરમાં બંને નેતાઓ પોતાના સમર્થક ધારાસભ્યો સાથે દિલ્હી પહોંચ્યા હતા, જે બાદ આ ચર્ચાઓને વધુ વેગ મળ્યો છે.
કેસી વેણુગોપાલે શું કહ્યું?
મંગળવારે બેઠક પૂર્ણ થયા બાદ કોંગ્રેસ મહાસચિવ કેસી વેણુગોપાલે મીડિયા સાથે વાતચીત કરતાં નેતૃત્વ પરિવર્તનના દાવાઓને લઈને સાવચેત નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, "તમે જે પણ અંદાજ લગાવી રહ્યા છો તે માત્ર અંદાજ છે. આજે અમે માત્ર કર્ણાટકની રાજ્યસભા અને કાઉન્સિલ બેઠકો અંગે ચર્ચા કરી છે." તેમણે વધુમાં ઉમેર્યું કે ઉમેદવારોની સત્તાવાર જાહેરાત છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને રાજસ્થાનની બેઠકો સાથે કરવામાં આવશે.
શું ટૂંક સમયમાં રાજીનામું આપી શકે છે સિદ્ધારમૈયા?
જોકે કોંગ્રેસ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ વિશ્વસનીય સૂત્રોનો દાવો છે કે સિદ્ધારમૈયા આગામી થોડા દિવસોમાં મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી શકે છે. મહત્વપૂર્ણ વાત એ છે કે 1 જૂનથી રાજ્યસભા ચૂંટણી માટે જાહેરનામું બહાર પડવાનું છે, ત્યારબાદ ઉમેદવારી પ્રક્રિયા શરૂ થશે. nએવું પણ કહેવામાં આવી રહ્યું છે કે સિદ્ધારમૈયા રાજ્યસભા માટે ઉમેદવારી નોંધાવશે ત્યાર બાદ જ ડીકે શિવકુમારના મુખ્યમંત્રી તરીકે શપથગ્રહણની પ્રક્રિયા શરૂ થઈ શકે છે.
હવે સૌની નજર કોંગ્રેસના અંતિમ નિર્ણય પર
કર્ણાટકમાં સત્તા પરિવર્તનની આ ચર્ચાઓએ રાજ્યની રાજનીતિમાં ભારે ઉત્સુકતા ઉભી કરી છે. જો આ ફેરફાર થાય છે, તો કોંગ્રેસ માટે તે માત્ર નેતૃત્વ બદલાવ નહીં પરંતુ 2028ની ચૂંટણી માટેનું રાજકીય સમીકરણ પણ બની શકે છે. હવે સૌની નજર કોંગ્રેસ હાઈકમાન્ડના અંતિમ નિર્ણય પર ટકેલી છે કે કર્ણાટકમાં ખરેખર સત્તાનો નવો અધ્યાય શરૂ થશે કે પછી હાલની વ્યવસ્થા યથાવત રહેશે.





