Home Entertainment Kala Hiran First Look Salman Khan Blackbuck Case Film

સલમાન ખાનના અને બિશ્નોઈ ગેંગની કહાની ફરી ચર્ચામાં : કોર્ટરૂમ ડ્રામાથી લઇને અંગત અદાવત સુધી, 'Kala Hiran’ ફિલ્મનો ફર્સ્ટ લુક આવ્યો સામે

Kala Hiran Movie First Look
Image Credit: @Arysangwan
Published by: Nirali Gohil
Last Updated: Jun 12, 2026, 09:33 AM IST

Kala Hiran Movie First Look: બોલિવૂડ અભિનેતા સલમાન ખાન સાથે જોડાયેલા વર્ષો જૂના કાળા હિરણ શિકાર કેસને લઈને બનેલી વિવાદાસ્પદ ફિલ્મ ‘Kala Hiran: The Battle for Legacy’નો ફર્સ્ટ લુક જાહેર થતાં ફરી એકવાર આ સમગ્ર મામલો ચર્ચાના કેન્દ્રમાં આવી ગયો છે. ફિલ્મના ટીઝરમાં કાળા હિરણ શિકાર કેસ, કોર્ટરૂમ ડ્રામા, પોલીસ તપાસ અને બિશ્નોઈ સમાજ સાથે જોડાયેલા મુદ્દાઓને કેન્દ્રસ્થાને રાખવામાં આવ્યા હોવાનું જોવા મળે છે. લગભગ અઢી મિનિટના ફર્સ્ટ લુક વીડિયોમાં મુખ્ય પાત્રોનો પરિચય આપવામાં આવ્યો છે. ફિલ્મમાં અભિનેતા કાશિફ ઈકબાલ ખાને ‘અયાન ખાન’ નામના પાત્રની ભૂમિકા ભજવી છે, જેને સલમાન ખાનથી પ્રેરિત પાત્ર તરીકે રજૂ કરવામાં આવ્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે. ફિલ્મના જાહેર થયેલા દ્રશ્યોને લઈને સોશિયલ મીડિયા પર પણ ચર્ચાઓ તેજ બની છે.

કોર્ટરૂમથી શરૂ થાય છે ફિલ્મની કહાની

ફર્સ્ટ લુકની શરૂઆત કોર્ટના દ્રશ્યથી થાય છે, જ્યાં અયાન ખાન આરોપીના કઠઘરમાં ઉભો જોવા મળે છે. વીડિયોમાં વકીલ દ્વારા વર્ષ 1998ના કાળા હિરણ શિકાર કેસનો ઉલ્લેખ કરવામાં આવે છે અને આરોપ મૂકવામાં આવે છે કે અયાન ખાને બે કાળા હિરણનો શિકાર કર્યો હતો.

ફિલ્મમાં મુખ્ય પાત્રની સ્ટાઇલ, બોડી લેંગ્વેજ અને દેખાવ એવી રીતે રજૂ કરવામાં આવ્યા છે કે તે દર્શકોને સલમાન ખાનની યાદ અપાવે છે. જોકે નિર્માતાઓએ ફિલ્મને સીધી રીતે સલમાન ખાનની બાયોપિક ગણાવી નથી.

આ પણ વાંચો: અક્ષય કુમાર ક્યારે લેશે રિટાયરમેન્ટ?: સવાલ સાંભળતા જ આપ્યો એવો જવાબ કે ચાહકો પણ રહી ગયા દંગ

બિશ્નોઈ ગેંગ અને રંજિશનો એંગલ

ટીઝરમાં બિશ્નોઈ ગેંગ સાથેની દુશ્મની અને ધમકીઓના દ્રશ્યો પણ દર્શાવવામાં આવ્યા છે. ફિલ્મમાં ‘લાયન બિશ્નોઈ’ નામના પાત્રને શક્તિશાળી અને પ્રભાવશાળી રૂપમાં રજૂ કરવામાં આવ્યું છે. કથાનક અનુસાર, કાળા હિરણના શિકારથી નારાજ બિશ્નોઈ સમુદાય સાથે જોડાયેલા લોકો અયાન ખાન સામે વેરભાવ રાખે છે અને તેના પર અનેક હુમલાના પ્રયાસો થાય છે. પોલીસ અને ગેંગ વચ્ચેની અથડામણ તેમજ તપાસના દ્રશ્યો પણ ફર્સ્ટ લુકમાં સામેલ કરવામાં આવ્યા છે. એક સંવાદમાં પોલીસ અધિકારી એવું કહેતા જોવા મળે છે કે, બિશ્નોઈ ગેંગને પૈસાની જરૂર નથી, પરંતુ તેઓ અયાન ખાન સામે બદલો લેવા માંગે છે. આ ડાયલોગ બાદ ફિલ્મને લઈને વધુ ચર્ચાઓ શરૂ થઈ છે.

ગુરુ જંભેશ્વર ભગવાન અને બિશ્નોઈ સમાજને સમર્પિત

ફિલ્મના ફર્સ્ટ લુકમાં સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે આ ફિલ્મ બિશ્નોઈ પંથના સ્થાપક અને પર્યાવરણપ્રેમી સંત ગુરુ જંભેશ્વર ભગવાન તેમજ સમગ્ર બિશ્નોઈ સમાજને સમર્પિત છે. ફિલ્મનું નિર્દેશન ભરત એસ. શ્રીનેતે કર્યું છે, જ્યારે તેની વાર્તા અને નિર્માણ અમિત જાનીએ સંભાળ્યું છે. ફિલ્મમાં કાશિફ ઈકબાલ ખાન ઉપરાંત મુકેશ તિવારી, રાજેશ દહિયા અને ઋષભ અરોરા જેવા કલાકારો પણ મહત્વપૂર્ણ ભૂમિકામાં જોવા મળશે.

આ પણ વાંચો: કોમેડી કે અભદ્રતા?: ₹ 370 બિરયાની મામલે સોશિયલ મીડિયા પર હોબાળો, રશ્મિ દેસાઈએ પ્રણીત મોરેને આડે હાથ લીધા

ફિલ્મની જાહેરાતથી જ શરૂ થયો હતો વિવાદ

‘કાળા હિરણ’ ફિલ્મ તેની જાહેરાત બાદથી જ વિવાદોમાં ઘેરાઈ ગઈ હતી. અહેવાલો મુજબ સલમાન ખાનની ટીમે ફિલ્મના નિર્માતાઓને કાનૂની નોટિસ મોકલી હતી અને ફિલ્મની રજૂઆત અંગે વાંધો વ્યક્ત કર્યો હતો. જોકે નિર્માતા અમિત જાનીએ જાહેરમાં જણાવ્યું હતું કે તેઓ કોઈ દબાણ હેઠળ આવવાના નથી અને કોર્ટમાં પોતાનો પક્ષ રજૂ કરશે. તેમણે દાવો કર્યો હતો કે ફિલ્મ સલમાન ખાનની બાયોપિક નથી અને તેથી કાનૂની કાર્યવાહીનો કોઈ આધાર નથી.

રિલીઝ પહેલાં જ ચર્ચામાં ફિલ્મ

ફર્સ્ટ લુક સામે આવ્યા બાદ ફિલ્મ ફરી એકવાર ચર્ચામાં આવી ગઈ છે. એક તરફ સલમાન ખાન સાથે જોડાયેલા કેસના કારણે ફિલ્મ પર સૌની નજર છે, તો બીજી તરફ બિશ્નોઈ સમાજ અને લોરેન્સ બિશ્નોઈ સાથે જોડાયેલા સંદર્ભોને કારણે પણ ફિલ્મને લઈને ઉત્સુકતા વધી રહી છે. હાલ ફિલ્મના નિર્માતાઓએ તેની રિલીઝ તારીખ જાહેર કરી નથી, પરંતુ ફિલ્મ આ વર્ષે સિનેમાઘરોમાં રજૂ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now