Akshay Kumar Retirement Plan: બોલિવૂડના સૌથી વ્યસ્ત અને ફિટ અભિનેતાઓમાં ગણાતા અક્ષય કુમાર છેલ્લા ત્રણ દાયકાથી વધુ સમયથી સતત ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સક્રિય છે. એક વર્ષમાં અનેક ફિલ્મો કરનારા અને પોતાના શિસ્તબદ્ધ જીવન માટે જાણીતા અક્ષય કુમારને લઈને ઘણીવાર ચર્ચા થતી રહે છે કે તેઓ આખરે ક્યારે ફિલ્મોમાંથી નિવૃત્તિ લેશે. ઉંમરના આ તબક્કે પણ તેમની કામ કરવાની ઝડપ અને ઊર્જા યુવા કલાકારોને પણ પાછળ છોડી દે તેવી છે. તાજેતરમાં તેમની બહુપ્રતિક્ષિત કોમેડી ફિલ્મ ‘વેલકમ ટુ ધ જંગલ’ના ટ્રેલર લોન્ચ દરમિયાન મીડિયાએ તેમને સીધો સવાલ પૂછ્યો હતો કે તેઓ ફિલ્મોમાંથી નિવૃત્તિ લેવાનું ક્યારે વિચારી રહ્યા છે. આ સવાલના જવાબમાં અક્ષયે જે કહ્યું તે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યું છે અને તેમના ચાહકોમાં પણ ચર્ચાનો વિષય બન્યું છે.
નિવૃત્તિ અંગે અક્ષયે શું કહ્યું?
મુંબઈમાં યોજાયેલા ‘વેલકમ ટુ ધ જંગલ’ના ભવ્ય ટ્રેલર લોન્ચ કાર્યક્રમમાં ફિલ્મની લગભગ સમગ્ર સ્ટારકાસ્ટ હાજર રહી હતી. કાર્યક્રમ દરમિયાન મીડિયાએ અક્ષય કુમારને તેમના રિટાયરમેન્ટ પ્લાન વિશે પૂછ્યું હતું. જવાબમાં અક્ષયે હળવા અંદાજમાં કહ્યું કે, "હું દરરોજ સવારે ચાર વાગ્યે ઉઠું છું અને પાંચ સેકન્ડમાં જ મને યાદ આવી જાય છે કે સેટ પર લોકો મારી રાહ જોઈ રહ્યા હશે. છેલ્લા 36 વર્ષથી હું આ જ રીતે કામ કરું છું. જો હું નિવૃત્તિ લઈ લઉં તો પછી મને ઇલેક્ટ્રિશિયન, ડોક વર્કર અથવા ઘરના અન્ય કામો કરવા પડશે. તેના કરતાં કામ કરવું વધુ સારું છે." તેમના આ જવાબે કાર્યક્રમમાં હાજર લોકોમાં હાસ્ય ફેલાવી દીધું હતું, જ્યારે સોશિયલ મીડિયા પર પણ તેમના નિવેદનની ભારે ચર્ચા થઈ રહી છે.
આ પણ વાંચો: કોમેડી કે અભદ્રતા?: ₹ 370 બિરયાની મામલે સોશિયલ મીડિયા પર હોબાળો, રશ્મિ દેસાઈએ પ્રણીત મોરેને આડે હાથ લીધા
પરિવાર શું કહે છે?
કાર્યક્રમ દરમિયાન અક્ષયને વધુ એક સવાલ પૂછવામાં આવ્યો હતો કે શું તેમને ક્યારેય પરિવાર સાથે વધુ સમય પસાર કરવાની ઈચ્છા થતી નથી? આ સવાલના જવાબમાં અભિનેતાએ જણાવ્યું કે તેમણે ઘણી વખત પ્રયાસ કર્યો છે, પરંતુ ઘરમાં પણ તેમને કામ પર જવા માટે કહેવામાં આવે છે. અક્ષયે હસતાં કહ્યું કે, "મારા બાળકો પણ ઘણી વખત મને પૂછે છે કે પાપા તમે કામ પર ક્યારે જશો?" તેમના આ જવાબથી સ્પષ્ટ થાય છે કે કામ પ્રત્યેનો તેમનો લગાવ આજે પણ એટલો જ મજબૂત છે જેટલો કારકિર્દીની શરૂઆતમાં હતો.
'વેલકમ ટુ ધ જંગલ'ને લઈને ભારે ઉત્સાહ
ગુરુવારે રિલીઝ થયેલા ‘વેલકમ ટુ ધ જંગલ’ના ટ્રેલરે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે. લગભગ ચાર મિનિટથી વધુ સમયના આ ટ્રેલરમાં કોમેડી, એક્શન અને મનોરંજનનો ભરપૂર ડોઝ જોવા મળ્યો હતો. જો કે ફિલ્મમાં એકસાથે મોટી સંખ્યામાં કલાકારો જોવા મળતા કેટલાક દર્શકો ફિલ્મની સ્ટોરીલાઈનને લઈને ઉત્સુક પણ બન્યા છે. ટ્રેલર રિલીઝ બાદ ચાહકોમાં ફિલ્મ અંગે ચર્ચાઓનો માહોલ જોવા મળી રહ્યો છે.
30થી વધુ સ્ટાર્સ સાથે આવશે ફિલ્મ
‘વેલકમ ટુ ધ જંગલ’ બોલિવૂડની સૌથી મોટી મલ્ટીસ્ટારર ફિલ્મોમાંથી એક ગણાઈ રહી છે. ફિલ્મમાં અક્ષય કુમાર ઉપરાંત સુનીલ શેટ્ટી, પરેશ રાવલ, જૉની લીવર, રાજપાલ યાદવ, અરશદ વારસી, તુષાર કપૂર, શ્રેયસ તલપડે, આફતાબ શિવદાસાની, જેકી શ્રોફ, રવીના ટંડન, લારા દત્તા, જેકલીન ફર્નાન્ડિઝ, દિશા પટણી, ઉર્વશી રૌતેલા સહિત 30થી વધુ જાણીતા કલાકારો જોવા મળશે. ફિલ્મનું નિર્દેશન અહમદ ખાને કર્યું છે અને તે 26 જૂને વિશ્વભરના સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.
આ પણ વાંચો: યશ સોની અને જાનકી બોડીવાલાની જોડી સ્ક્રીન પર પરત ફરશે: નવી ફિલ્મની જાહેરાત
વેલકમ ફ્રેન્ચાઈઝીની ત્રીજી ફિલ્મ
નોંધનીય છે કે ‘વેલકમ ટુ ધ જંગલ’ લોકપ્રિય ‘વેલકમ’ ફ્રેન્ચાઈઝીની ત્રીજી ફિલ્મ છે. વર્ષ 2007માં આવેલી પ્રથમ ‘વેલકમ’ અને વર્ષ 2015માં આવેલી ‘વેલકમ બેક’ બંને ફિલ્મોએ બોક્સ ઓફિસ પર જબરદસ્ત સફળતા મેળવી હતી. હવે ચાહકોને આશા છે કે, ફ્રેન્ચાઈઝીની ત્રીજી ફિલ્મ પણ મનોરંજનનો ભરપૂર ડોઝ આપશે અને બોક્સ ઓફિસ પર સફળતાનો નવો રેકોર્ડ બનાવશે.





