ગુજરાતી લોકસંગીત અને આલ્બમ સોંગ્સની દુનિયામાં અત્યારે એક જ નામની ચર્ચા છે, કાજલ મહેરિયા. પોતાની ગાયકીથી લાખો લોકોના દિલ જીતનાર આ ગાયિકા હાલમાં કોઈ ગીતને કારણે નહીં, પરંતુ પોતાના અંગત જીવનમાં ઉઠેલા વાવાઝોડાને કારણે વિવાદમાં સપડાયા છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી એક ચોંકાવનારી પોસ્ટે ચાહકો, અનુયાયીઓ અને ખાસ કરીને મહેરિયા સમાજમાં હડકંપ મચાવી દીધો છે. શું ખરેખર લોકપ્રિય ગાયિકાએ પરિવારની મર્યાદા ઓળંગીને ગુપ્ત લગ્ન કરી લીધા છે? આ સવાલ અત્યારે સમગ્ર ઉત્તર ગુજરાતમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.
શું છે વિવાદનું મૂળ?
છેલ્લા 24 કલાકથી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ જેવા કે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ વાયુવેગે પ્રસારિત થઈ રહી છે. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે કાજલ મહેરિયાએ પરિવાર કે સમાજની કોઈપણ પ્રકારની સંમતિ વિના, ગુપ્ત રીતે લગ્નનો નિર્ણય લઈ લીધો છે. મળતી માહિતી મુજબ, આ પોસ્ટ મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના ગોઢવા ગામના રહીશ સંદીપભાઈ એન. મહેરિયા દ્વારા શેર કરવામાં આવી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.આ પોસ્ટમાં ગંભીર આક્ષેપો કરતા લખવામાં આવ્યું છે કે, કાજલ મહેરિયાના આ પગલાથી તેમનો પરિવાર સંપૂર્ણપણે અજાણ છે અને આ નિર્ણયથી પરિવારને ઊંડો આઘાત લાગ્યો છે. સોશિયલ મીડિયા પર આ પોસ્ટ બાદ સમાજના લોકોમાં અલગ-અલગ મતમતાંતર જોવા મળી રહ્યા છે. જોકે, આ આક્ષેપોમાં કેટલી હકીકત છે તેની સત્તાવાર પુષ્ટિ હજુ સુધી સિંગર કે તેમના પ્રતિનિધિ દ્વારા કરવામાં આવી નથી.
પરિવાર અને મહેરિયા સમાજની પ્રતિક્રિયા
કોઈપણ કલાકાર જ્યારે લોકપ્રિયતાના શિખરે હોય છે, ત્યારે તેની સામાજિક જવાબદારી પણ વધી જતી હોય છે. વાયરલ પોસ્ટમાં મહેરિયા પરિવાર દ્વારા 18 આલમ અને ખાસ કરીને સમગ્ર મહેરિયા સમાજને એકત્રિત થવા અને પરિવારને માનસિક ટેકો આપવા માટે નમ્ર અપીલ કરવામાં આવી છે. આ અપીલમાં એવી લાગણી વ્યક્ત કરવામાં આવી છે કે કલાકારનો આ વ્યક્તિગત નિર્ણય સામાજિક માળખાને નુકસાન પહોંચાડી રહ્યો છે.
ગ્રામ્ય વિસ્તારોમાં અને પરંપરાગત સમાજોમાં લગ્ન જેવા પ્રસંગો હંમેશા પરિવારની સંમતિ અને સામાજિક વિધિ-વિધાન સાથે જોડાયેલા હોય છે. જ્યારે કોઈ જાહેર વ્યક્તિ આ રીતે અચાનક વિવાદમાં આવે છે, ત્યારે તે વિવાદ માત્ર પરિવાર પૂરતો સીમિત ન રહેતા સામાજિક અસ્મિતાનો પ્રશ્ન બની જતો હોય છે. અત્યારે મહેરિયા સમાજના અગ્રણીઓ પણ આ બાબતે મૌન સેવી રહ્યા છે, પરંતુ સોશિયલ મીડિયા પર ટીકા અને સમર્થનનો સિલસિલો યથાવત છે.
આ પણ વાંચો: ડીપફેક અને વાંધાજનક કન્ટેન્ટ મુદ્દે ગુજરાત હાઈકોર્ટ લાલઘૂમ : Meta, Google અને X ને ફટકારી નોટિસ
મૌન પાછળનું રહસ્ય: શું આ અફવા છે?
આ સમગ્ર પ્રકરણમાં સૌથી મોટી વાત એ છે કે કાજલ મહેરિયા પોતે અત્યારે મૌન છે. સામાન્ય રીતે સોશિયલ મીડિયા પર સક્રિય રહેતા કાજલબેને આ આક્ષેપો પર હજુ સુધી કોઈ સ્પષ્ટતા કરી નથી. ડિજિટલ યુગમાં ઘણીવાર કલાકારોને બદનામ કરવા માટે અથવા સસ્તી લોકપ્રિયતા મેળવવા માટે પણ આવી અફવાઓ ફેલાવવામાં આવતી હોય છે.પરંતુ, જો આ આક્ષેપો પરિવારના સભ્યો દ્વારા જ કરવામાં આવ્યા હોય, તો મામલો ગંભીર બની જાય છે. ચાહકો અત્યારે બે પક્ષમાં વહેંચાયેલા છે. એક પક્ષ માને છે કે લગ્ન એ વ્યક્તિગત પસંદગીનો વિષય છે, જ્યારે બીજો પક્ષ માને છે કે જે ચાહકોએ તમને સ્ટાર બનાવ્યા છે અને જે પરિવારે તમને ઉછેર્યા છે, તેમને અંધારામાં રાખવા યોગ્ય નથી.






