જૂનાગઢના ગિરનાર દક્ષિણ રેન્જ હેઠળના વિસ્તારમાં સિંહબાળનો મૃતદેહ મળી આવતા વન વિભાગમાં ચકચાર મચી ગઈ છે. પ્રાથમિક તપાસમાં અંદાજે 7થી 8 મહિનાના સિંહબાળના માથાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા જોવા મળ્યા હોવાનું સામે આવ્યું છે. ઘટનાને ગંભીરતાથી લઈને વન વિભાગે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સક્કરબાગ ઝૂ ખાતે ખસેડ્યો હતો અને સમગ્ર ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.
વન વિભાગના જણાવ્યા અનુસાર, ગણેશનગર નજીક રબારી નેસ પાસે ઝાડી-ઝાંખરામાંથી સિંહબાળનો મૃતદેહ મળી આવ્યો હતો. પોસ્ટમોર્ટમના પ્રાથમિક તારણોમાં માથાના ભાગે ગંભીર ઈજાના નિશાન મળ્યા હોવાનું સામે આવ્યું છે, જેના આધારે હથિયાર વડે હુમલો કરીને સિંહબાળની હત્યા કરવામાં આવી હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
એક વ્યક્તિ શંકાના દાયરામાં, શોધખોળ ચાલુ
વન વિભાગે જણાવ્યું છે કે તપાસ દરમિયાન બાવન પુના ચાવડા નામનો વ્યક્તિ શંકાના દાયરામાં આવ્યો છે. અધિકારીઓના જણાવ્યા મુજબ હાલ તેનો મોબાઇલ ફોન બંધ છે અને તે મળી આવ્યો નથી. જોકે તેને હજુ સુધી સત્તાવાર રીતે આરોપી જાહેર કરવામાં આવ્યો નથી. તેને શોધવા માટે વન વિભાગ અને પોલીસ દ્વારા સંયુક્ત પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. વન્યજીવ સંરક્ષણ અધિનિયમ, 1972 હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. તપાસમાં પુરાવા, ફોરેન્સિક અહેવાલ અને અન્ય માહિતીના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે.
આ પણ વાંચો: માનવભક્ષી' સિંહને શું સજા થાય છે? : શું ખરેખર આદમખોર સિંહને થાય છે આજીવન કેદ? જાણો નિયમો અને વન વિભાગની સમગ્ર પ્રક્રિયા
ગિરનારમાં સિંહ સંરક્ષણ સામે પડકાર
વર્ષ 2025ની સિંહ વસ્તી ગણતરી મુજબ ગિરનાર જંગલ વિસ્તારમાં અંદાજે 54 એશિયાટિક સિંહો વસવાટ કરે છે. આ વિસ્તારમાં સિંહો અવારનવાર શિકારની શોધમાં જંગલની બહાર રેવન્યુ અને રહેણાંક વિસ્તારોમાં પણ પહોંચી જતા હોય છે, જેના કારણે માનવ-વન્યજીવ સંઘર્ષના બનાવો પણ સામે આવતા રહે છે.
વિશ્વમાં એશિયાટિક સિંહોનું કુદરતી નિવાસસ્થાન માત્ર ગુજરાતના ગીર અભયારણ્ય, ગીર નેશનલ પાર્ક અને સૌરાષ્ટ્રના આસપાસના વિસ્તારોમાં જ છે. આવા સંજોગોમાં સિંહબાળના મોતની ઘટના વન્યજીવ સંરક્ષણ માટે ચિંતાજનક માનવામાં આવી રહી છે. વન વિભાગે જણાવ્યું છે કે તપાસ પૂર્ણ થયા બાદ જવાબદાર સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.






