ટેલિવિઝન જગતની લોકપ્રિય અભિનેત્રી જેનિફર વિંગેટ ફરી એકવાર ચર્ચાના ચકડોળે ચઢી છે. મીડિયા અહેવાલો મુજબ, જેનિફર સિંગાપોર સ્થિત ઉદ્યોગપતિ વિલિયમ ઇશ્માયેલ સાથે રિલેશનશિપમાં હોવાની અને ટૂંક સમયમાં લગ્ન કરવા જઈ રહી હોવાની અટકળો વહેતી થઈ છે. જોકે, અભિનેત્રી કે તેમના પ્રતિનિધિઓ દ્વારા આ બાબતે હજુ સુધી કોઈ સત્તાવાર સમર્થન આપવામાં આવ્યું નથી.
તાજેતરની અટકળો અનુસાર વિલિયમ ઇશ્માયેલે વેકેશન દરમિયાન જેનિફરને પ્રપોઝ કર્યું હતું અને અભિનેત્રીએ તેને સ્વીકારી લીધું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, બંને લગ્નની તૈયારીઓ કરી રહ્યા છે અને આ વર્ષના અંત સુધીમાં લગ્નના બંધનમાં બંધાઈ શકે છે.
ખ્રિસ્તી વિધિથી લગ્ન થવાની અટકળ
ચર્ચાઓ એવી પણ છે કે આ લગ્ન સમારોહ ખ્રિસ્તી પરંપરા મુજબ યોજાઈ શકે છે. સપ્ટેમ્બરથી ડિસેમ્બર-જાન્યુઆરી વચ્ચે લગ્નની તારીખ નક્કી થઈ શકે છે, જોકે આ માત્ર અટકળો છે. જેનિફરે અત્યાર સુધી સોશિયલ મીડિયા કે જાહેર મંચ પર આ અંગે મૌન સેવ્યું છે.

ખાનગી જીવનને હંમેશા મહત્વ આપ્યું છે
ભારતીય ટેલિવિઝનની ટોચની અભિનેત્રીઓમાં જેનિફરનું નામ મોખરે છે. 'કસૌટી જિંદગી કી', 'દિલ મિલ ગયે', 'બેહદ' અને 'બેપન્નાહ' જેવા સુપરહિટ શો આપીને તેમણે ચાહકોના દિલ જીત્યા છે. વર્ષ 2012માં કરણ સિંહ ગ્રોવર સાથેના લગ્ન અને ત્યારબાદ 2014માં આવેલા છૂટાછેડા પછી જેનિફરે પોતાનું અંગત જીવન હંમેશા લાઈમલાઈટથી દૂર રાખ્યું છે અને સંપૂર્ણ ધ્યાન પોતાની કારકિર્દી પર કેન્દ્રિત કર્યું છે.
ડાયરેક્ટર ઇમ્તિયાઝ અલીનું અડધી રાત્રે થયું હતું અપહરણ!: જાણો આ રસપ્રદ કિસ્સા વિશે
ચાહકો સત્તાવાર જાહેરાતની પ્રતીક્ષામાં
સોશિયલ મીડિયા પર આ સમાચાર વાયુવેગે ફેલાઈ રહ્યા છે, પરંતુ જ્યાં સુધી અભિનેત્રી પોતે કંઈ ન કહે, ત્યાં સુધી આ તમામ વાતો માત્ર અટકળો જ ગણાશે. ચાહકો હવે જેનિફર તરફથી એક સત્તાવાર જાહેરાતની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે.





