બોલિવૂડની સુપરહિટ ફિલ્મ 'રોકસ્ટાર' અને 'જબ વી મેટ' ના પ્રખ્યાત ડિરેક્ટર ઇમ્તિયાઝ અલીએ તાજેતરમાં જ તેમના કોલેજના દિવસોનો એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. એક ઇન્ટરવ્યુ દરમિયાન તેમણે જણાવ્યું કે દિલ્હીમાં અભ્યાસ કરતી વખતે એક સામાન્ય રાજકીય પોસ્ટર હટાવવાની બાબતમાં સ્થાનિક ગેંગે અડધી રાત્રે હોસ્ટેલમાંથી તેમનું અપહરણ (Kidnapping) કર્યું હતું. જોકે, એક રસપ્રદ અને અણધાર્યા વળાંક બાદ તેઓ સુરક્ષિત બચી ગયા હતા.
હોસ્ટેલની દીવાલ પરથી પોસ્ટર હટાવવાનો વિવાદ
ઇમ્તિયાઝ અલીએ 1993 માં દિલ્હી યુનિવર્સિટીની પ્રતિષ્ઠિત હિન્દુ કોલેજમાંથી પોતાનું ગ્રેજ્યુએશન પૂરું કર્યું હતું. તે સમયે કોલેજોમાં NSUI અને ABVP જેવા વિદ્યાર્થી સંગઠનો વચ્ચે જોરદાર રાજકીય હરીફાઈ ચાલતી હતી. આ દરમિયાન કેટલાક લોકોએ તેમની હોસ્ટેલની મુખ્ય દીવાલ પર એક ચૂંટણી પોસ્ટર લગાવી દીધું હતું.
ઇમ્તિયાઝે તે લોકોને પોસ્ટર સામેથી હટાવીને બાજુની દીવાલ પર લગાવવા કહ્યું, પરંતુ તેઓ માન્યા નહીં. આથી, ઇમ્તિયાઝે પોતે જ તે પોસ્ટર ત્યાંથી ઉખાડીને બાજુની દીવાલ પર સરખું લગાવી દીધું. આ વાતથી નારાજ થઈને તે રાજકીય જૂથના લોકો ત્યાંથી ચાલ્યા ગયા હતા.
રાત્રે 02:00 વાગ્યે સાયકલ રિક્ષામાં આવી ગેંગ
આ ઘટનાના થોડા દિવસો પછી, રાત્રે લગભગ 02:00 વાગ્યે કેટલાક શખ્સો હોસ્ટેલ ધસી આવ્યા અને ઇમ્તિયાઝને બળજબરીથી પોતાની સાથે ચાલવા કહ્યું. તેઓ ઇમ્તિયાઝને એક સાયકલ રિક્ષામાં બેસાડીને કોઈ અજાણી જગ્યાએ સરકારી ક્વાર્ટર્સમાં લઈ ગયા. ત્યાં ગેંગનો મુખ્ય લીડર હાજર હતો, જેણે ઇમ્તિયાઝની પૂછપરછ શરૂ કરી કે તેણે પોસ્ટર કેમ ફાડ્યું?
ગેંગ લીડરે પોતાના જ માણસને મારી થપ્પડ
ઇમ્તિયાઝે નીડરતાથી સાચું કહી દીધું કે તેમણે પોસ્ટર ફાડ્યું નથી, માત્ર બિલ્ડિંગ ખરાબ ન દેખાય એટલે બાજુની દીવાલ પર લગાવ્યું છે. આ સાંભળીને ગેંગ લીડરે ઇમ્તિયાઝને પકડી લાવનાર પોતાના જ માણસને પૂછ્યું કે શું પોસ્ટર ખરેખર ફાટેલું હતું? પેલા માણસે દલીલ કરી કે, "હટાવવું કે ફાડવું એક જ વાત છે." આ ખોટું સાંભળતા જ ગેંગ લીડર ગુસ્સે ભરાયો અને જૂઠું બોલવા બદલ પોતાના જ માણસને બે થપ્પડ મારી દીધા. આ અંદરોઅંદરની લડાઈનો લાભ લઈને ઇમ્તિયાઝ ત્યાંથી હેમખેમ ભાગી નીકળ્યા હતા.
12 જૂને રીલિઝ થશે નવી ફિલ્મ
કોલેજના આ જૂના સંસ્મરણો સિવાય, ઇમ્તિયાઝ અલી હાલમાં તેમની આગામી ફિલ્મ 'મેં વાપસ આઉંગા' (Main Wapas Aaunga) ને લઈને ભારે ચર્ચામાં છે. આ ફિલ્મ 12 June ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં મુખ્ય કલાકારો તરીકે:
દિલજીત દોસાંઝ
વેદાંગ રૈના
શર્વરી વાઘ
નસીરુદ્દીન શાહ
આ ફિલ્મ ભારત દેશના ભાગલા (Partition of India) ના બેકડ્રોપ પર આધારિત એક ગંભીર અને સુંદર પ્રેમ કહાણી છે, જે ભૂતકાળ અને વર્તમાનકાળને જોડીને પડદા પર રજૂ કરવામાં આવશે.





