Rajouri floods: જમ્મુ-કાશ્મીરમાં સતત વરસી રહેલા ભારે વરસાદે અનેક જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિ સર્જી છે. રાજૌરી, અનંતનાગ અને ઉધમપુર સહિતના વિસ્તારોમાં ભારે વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. રાજૌરી જિલ્લામાં પૂરનાં પાણીમાં 200થી વધુ વાહનો તણાઈ ગયા હોવાના અહેવાલ છે. પરિસ્થિતિને જોતા હવામાન વિભાગ (IMD)એ આગામી 48 કલાક માટે ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે.
રાજૌરીમાં ભારે નુકસાન
સ્થાનિક અહેવાલો મુજબ, રાજૌરી જિલ્લામાં ધરહલ નદીનું જળસ્તર ઝડપથી વધતા પૂર આવ્યું હતું. જેના કારણે બસ સ્ટેન્ડ સહિત અનેક વિસ્તારોમાં પાણી ફરી વળ્યું અને અંદાજે 200થી 250 જેટલા વાહનો પાણીમાં તણાઈ ગયા હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. સોશિયલ મીડિયા પર ઘટનાના અનેક વીડિયો પણ વાયરલ થઈ રહ્યા છે.
પૂંછમાં 4 લોકોના મોત, અનેક લોકો લાપતા
અધિકારીઓના જણાવ્યા અનુસાર, પૂંછ જિલ્લામાં રાતોરાત થયેલા ભારે વરસાદના કારણે દુર્ઘટનાઓ સર્જાઈ હતી, જેમાં ચાર લોકોના મોત થયા છે. ઉપરાંત કેટલાક લોકો હજુ પણ લાપતા હોવાનું જણાવાયું છે. બચાવ દળો લાપતા લોકોની શોધખોળમાં લાગેલા છે. સ્થાનિક વહીવટી તંત્ર અને રાહત એજન્સીઓ અસરગ્રસ્ત વિસ્તારોમાં સતત કામગીરી કરી રહી છે.
અનેક જિલ્લાઓમાં હાઈ એલર્ટ
IMDએ 19થી 23 જુલાઈ દરમિયાન જમ્મુ, કઠુઆ, સાંબા, રાજૌરી, ડોડા, રામબન અને કિશ્તવાડ સહિતના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. નદીઓ અને પહાડી નાળાઓના જળસ્તરમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે.
પ્રશાસને લોકોને નદી-નાળાઓથી દૂર રહેવા, બિનજરૂરી મુસાફરી ટાળવા અને સત્તાવાર સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરી છે.
અમરનાથ અને વૈષ્ણો દેવી યાત્રા પર અસર
ભારે વરસાદ અને ભૂસ્ખલનની આશંકાને ધ્યાનમાં રાખીને અમરનાથ યાત્રા પહલગામ અને બાલટાલ બંને માર્ગોથી અસ્થાયી રીતે સ્થગિત કરવામાં આવી છે. ઉપરાંત, કટરાથી શરૂ થતી શ્રી માતા વૈષ્ણો દેવી યાત્રા પણ સાવચેતીના ભાગરૂપે રોકવામાં આવી છે. પ્રશાસને યાત્રાળુઓને સુરક્ષિત સ્થળોએ રહેવા અને આગામી સૂચના સુધી આગળ ન વધવાની સલાહ આપી છે.
આ સમાચાર કેમ મહત્વના?
હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી બે દિવસ સુધી સ્થિતિ વધુ ગંભીર બની શકે છે. પહાડી વિસ્તારોમાં ફ્લેશ ફ્લડ અને ભૂસ્ખલનનું જોખમ યથાવત હોવાથી સ્થાનિક લોકો તેમજ પ્રવાસીઓએ વિશેષ સાવચેતી રાખવાની જરૂર છે.






