જમ્મુ વિભાગમાં સતત ત્રીજા દિવસે પણ મંગળવારે ભારે વરસાદને કારણે પરિસ્થિતિ ગંભીર બની ગઈ છે. ડોડામાં વાદળ ફાટવા અને અડકુંવારી નજીક ભૂસ્ખલન થવાથી 13 વર્ષના બાળક સહિત 11 લોકોના મોત થયા છે, જેમાંથી 8 શ્રદ્ધાળુઓ હોવાનું પુષ્ટિ થયું છે. આશરે 10થી વધુ શ્રદ્ધાળુઓ ગંભીર રીતે ઘાયલ થયા છે.
નદીમાં કાર પડી, ત્રણ યુવાનો તણાયા
તાવી નદીમાં એક કાર પડી જવાથી ત્રણ યુવાનો તણાઈ ગયા, જ્યારે બે લોકોને જીવતા બચાવવામાં આવ્યા. વરસાદના કારણે જમ્મુ વિભાગમાં બે ડઝનથી વધુ ઘરો, દુકાનો અને ઇમારતોને નુકસાન થયું છે. તાવી, ચિનાબ અને ઉજ્જ નદીઓ ભયના નિશાનથી ઉપર વહી રહી છે.
જમ્મુમાં તાવી નદી પરનો એક પુલ તૂટી પડ્યો છે, જ્યારે બાકી બે પુલો પર સાવચેતી રૂપે અવરજવર બંધ કરાઈ છે. જમ્મુ-પઠાણકોટ હાઇવે પર દેવિકા પુલને નુકસાન થવાને કારણે ટ્રાફિક રોકવામાં આવ્યો છે.
બચાવ કામગીરી અને ચેતવણી
સાંબામાં સેનાના જવાનોએ નદીમાં ફસાયેલા ગુર્જર સમુદાયના સાત લોકોને બચાવ્યા હતા. જમ્મુ વિભાગની તમામ શાળાઓ અને કોલેજોમાં 27 ઑગસ્ટે રજા જાહેર કરવામાં આવી છે.
જમ્મુ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના વડા રમેશ કુમારે જણાવ્યું કે આગામી 40 કલાકમાં ભારે વરસાદની શક્યતા છે. લોકોને નદી કિનારા અને પૂરગ્રસ્ત વિસ્તારોમાંથી દૂર રહેવા સૂચના આપવામાં આવી છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પરિસ્થિતિ અંગે લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહા અને મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા સાથે વાત કરી અને મૃતકો માટે દુ:ખ વ્યક્ત કર્યું. મુખ્યમંત્રીએ પૂર નિયંત્રણ પગલાંની સમીક્ષા કરીને અધિકારીઓને સજાગ રહેવા આદેશ આપ્યો છે.
ડોડામાં વિનાશ
ડોડાના ભાલેસા વિસ્તારમાં વાદળ ફાટવાથી અનેક નાળા છલકાયા છે. અમૃતપુરા વિસ્તારમાં એક છોકરીનું મોત થયું, જ્યારે ભાલેસામાં બે, થાથરી અને ભાડેરવાહમાં એક-એક નાગરિકના મોત નોંધાયા. ડોડા શહેરને જોડતો મુખ્ય પુલ વાહનવ્યવહાર માટે બંધ કરાયો છે.
99 વર્ષમાં સૌથી વધુ વરસાદ
મંગળવારે જમ્મુમાં 248 મીમી વરસાદ નોંધાયો, જે 1926 પછીનો સૌથી વધારે છે. તાવી નદી ભયના નિશાનની નજીક વહી રહી છે અને નીચાણવાળા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ ઊભી થઈ છે. મોબાઇલ અને ઇન્ટરનેટ સેવાઓ પણ ખોરવાઈ ગઈ છે.
ટ્રેનો અને ફ્લાઇટ્સ પર અસર
જમ્મુ-દિલ્હી રેલ્વે લાઇન પર માજરા (ધાંગુ) વિસ્તારમાં ચક્કી ખાડ બ્રિજને નુકસાન થવાને કારણે ટ્રાફિક રોકવામાં આવ્યું છે. વંદે ભારત સહિત 15 ટ્રેનો રદ કરવામાં આવી છે. મુસાફરોને પોતાની ટ્રેનોની સ્થિતિ તપાસવા અપીલ કરાઈ છે.
જમ્મુ-શ્રીનગર અને જમ્મુ-પઠાણકોટ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પણ અવરોધિત થયો છે. હવાઈ સેવાઓ પર પણ અસર થઈ છે – 10માંથી 4 ફ્લાઇટ્સ રદ થઈ છે.





